ચુ તેહ (જ. 18 ડિસેમ્બર 1886; અ. 6 જુલાઈ 1976 બેજિંગ) : ચીનના મહાન લશ્કરી નેતાઓમાંના એક અને ચીનના સામ્યવાદી સૈન્યના સ્થાપક.

એક ખેડૂત પરિવારમાં જન્મેલ ચુ તેહે યુનાન મિલિટરી એકૅડેમીમાં લશ્કરી તાલીમ લીધી હતી અને ત્યાંથી 1911માં સ્નાતક થયા હતા. એ જ વરસે ચીનમાં ચાંગ વંશની સત્તાને ઉખાડી નાખવામાં તેમણે ભાગ લીધો હતો. 1922માં તે યુરોપ ગયા અને ત્યાં બર્લિનમાં અને ગોટિન્જન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. જર્મનીમાં હતા ત્યારે તે ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા. તેમની રાજકીય પ્રવૃત્તિને કારણે તેમને 1926માં જર્મનીમાંથી હાંકી કાઢતાં તે ચીન પાછા ફર્યા. ત્યાં તે કોમિંગ્ટાન્ગ આર્મીમાં ઑફિસર બની ગયા. 1લી ઑગસ્ટ 1927માં તેમણે સામ્યવાદીઓ દ્વારા કોમિંગ્ટાન્ગના વિરોધમાં નાનચાંગ ઉપર કરેલ કૂચમાં ભાગ લીધો હતો. આ બનાવે ચીનનું લાલ લશ્કર અસ્તિત્વમાં આવ્યું. કૂચ નિષ્ફળ ગઈ ત્યારે ચુ તેહે બાકીના બળવાખોરોને દોરવણી આપીને માઓ ત્સે-તુંગનાં નાનાં ગેરીલા દળોની સાથે જોડી દીધા. બંનેએ સાથે મળીને ચોથું લાલ લશ્કર ઊભું કર્યું, જેમાં ચુ તેહ કમાન્ડર તરીકે અને માઓ ત્સે-તુંગ પોલિટિકલ કૉમિસાર તરીકે જોડાયા.

ચુ તેહ માઓની પડખે રહીને લગભગ સતત બાકીનાં 22 વર્ષો સુધી સામ્યવાદી દળોના કમાન્ડર તરીકે લડ્યા. પ્રથમ દક્ષિણ-મધ્ય ચીન અને પછી 1934–35ની લાંબી કૂચ (Long March) દરમિયાન ચાંગ કાઈ-શેકના રાષ્ટ્રવાદીઓ દ્વારા સામ્યવાદીઓને નૈર્ઋત્ય ચીનમાં મારી હઠાવ્યા હતા. સામ્યવાદીઓને પીછેહઠ કરવી પડી હતી. ચુ તેહ ચીન-જાપાનના યુદ્ધ (1937–45) દરમિયાન સામ્યવાદી લશ્કરના સિનિયર લશ્કરી નેતા તરીકે ચાલુ રહ્યા હતા તથા રાષ્ટ્રવાદીઓ સામેના આંતરયુદ્ધ (1946-49) વખતે પણ છેક 1954 સુધી પીપલ્સ લિબરેશન આર્મીની સરદારી કરી હતી.

1934થી પૉલિટબ્યૂરોના સભ્ય હોવા છતાં ચુ તેહ ક્યારેય રાજકીય સત્તાના દાવેદાર રહ્યા નહોતા. જ્યારે લશ્કરમાં રેન્ક્સની ફાળવણી કરવામાં આવી ત્યારે તેમને માર્શલ બનાવવામાં આવ્યા. 1959થી તે નૅશનલ પીપલ્સ કૉંગ્રેસ(તે નામની ધારાસભા હતી)ની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન તરીકે સેવાઓ આપતા હતા. ચુ તેહ માઓના સમકાલીન હતા. બંનેએ સાથે રહીને ગેરીલા યુદ્ધપદ્ધતિ દ્વારા રાષ્ટ્રવાદીઓને ઘણો વખત સુધી હંફાવ્યા હતા. ચુ તેહ લશ્કરી વ્યૂહરચનાના અચ્છા જાણકાર હતા તેથી ચીનના લાલ લશ્કરને તેમણે શિસ્તબદ્ધ અને તાલીમબદ્ધ કર્યું હતું.

સરમણ ઝાલા