ચીકુ : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Achras sapota Linn. (ગુ., મ., હિં. : ચીકુ; અં. સેપોડિલા) છે. તે 3–4 મી. ઊંચું નાનકડું વૃક્ષ છે. તે વાતરોધી (wind-resistant) હોય છે. તેની છાલમાંથી સફેદ ગુંદર જેવો ક્ષીરરસ (latex) સ્રવે છે. જેને ‘ચિકલ’ (chicle) કહે છે. પર્ણો મધ્યમ લીલાં, ચળકતાં અને સુંદર હોય છે. તેઓ એકાંતરિત, ઉપવલયી(elliptic)થી માંડી અંડાકાર અને 7–15 સેમી. લાંબાં હોય છે. પર્ણકિનારી અખંડિત હોય છે. પુષ્પો નાનાં અને સફેદ રંગનાં હોય છે. તેનો દલપુંજ છ દલપત્રોનો બનેલો હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનું, 4–8 સેમી.ના વ્યાસવાળું અને બટાટા જેવી છાલ ધરાવતું હોય છે. તે 2–5 કાળાં, ચળકતાં બીજ ધરાવે છે. ફળમાં ક્ષીરરસનું પ્રમાણ વધારે હોય છે.

આકૃતિ : (અ) ચીકુની પુષ્પ અને ફળ સહિતની ડાળી, (આ) પુષ્પનો ઊભો છેદ, (ઇ) ફળનો ઊભો છેદ, (ઈ) બીજ

ફળનો ગર સુવાસિત, અત્યંત મીઠો અને સ્વાદિષ્ટ હોય છે. તેની સુવાસ માલ્ટ જેવી હોય છે. કાચું ફળ ઘણું કઠણ હોય છે અને સેપોનિન પુષ્કળ ધરાવે છે, જેનો ટેનિન જેવો સંકોચક (astringent) ગુણધર્મ હોય છે. તે ખાવાથી મોં સુકાય છે.

ચીકુનું વાવેતર મેક્સિકો, જમૈકા, ફિલિપિન્સ, દક્ષિણ ફ્લૉરિડા, ચીન, શ્રીલંકા, ગ્વાટેમાલા વગેરે દેશોમાં ઉષ્ણકટિબંધના મોટા ભાગના દેશોમાં થવા લાગ્યું છે. ભારતમાં દરિયાકાંઠાનાં રાજ્યોમાં  ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિળનાડુ, આંધ્રપ્રદેશ અને બંગાળમાં તે સારા પ્રમાણમાં ઉગાડાય છે. ગુજરાત રાજ્યમાં ઉમરગામથી સૂરત સુધીનો પ્રદેશ ચીકુ માટે પ્રખ્યાત છે. ગુજરાત રાજ્યમાં 4500 હેક્ટર વિસ્તારમાં ચીકુનો પાક થાય છે અને વાર્ષિક 54,000 મે. ટન ચીકુ-ફળ ઉત્પન્ન થાય છે. ગુજરાતમાં ચીકુના ઉત્પાદનમાં વલસાડ જિલ્લો અગ્રેસર છે. આથી જ દક્ષિણ ગુજરાતનાં ચીકુ દેશના ખૂણે ખૂણે વેચાય છે.

હવામાન : ચીકુ ઉષ્ણકટિબંધનું ફળ હોવાથી ખૂબ ઠંડી કે હિમ સહન કરી શકતું નથી. ગરમ અને ભેજવાળી આબોહવા તેને માફક આવે છે, પરંતુ 40° સે. કરતાં વધુ તાપમાનમાં ચીકુનાં ફૂલ અને નાનાં ફળ ખરી પડે છે. ચીકુના પાકને 18° સે.થી 34° સે. તાપમાન ખૂબ જ અનુકૂળ રહે છે.

જમીન : ઊંડી, ગોરાડુ, કાંપાળ અને મધ્યમ કાળી જમીન ચીકુના પાકને વધારે માફક આવે છે. જમીનમાં ક્ષારોનું પ્રમાણ વધુ હોય ત્યાં પણ ચીકુ થાય છે, પરંતુ આઠદસ વર્ષ પછી વૃદ્ધિ અટકી જાય છે. સખત, ખડકવાળી જમીનમાં, પીળી, ચીકણી કે ગોરમટી જમીનમાં, વધુ ચૂનાવાળી જમીનમાં તથા નિતાર વિનાની બારીક માટીવાળી જમીનમાં ચીકુ સારાં થતાં નથી.

ગુજરાતમાં પ્રચલિત જાતો : (1) કાલી પત્તી, (2) પીળી પત્તી, (3) ક્રિકેટ બૉલ અથવા કૉલકાતા સ્પેશિયલ અથવા અર્ધાશેરિયા, (4) ઝૂમખિયા અને (5) મોહનગુટી છે. આ જાતો પૈકી કાલી પત્તી જાત વધુ અનુકૂળ આવે છે અને વેપારી ધોરણે તે વાવેતર માટે માન્ય જાત છે.

ચીકુનું પ્રસર્જન બીજથી અથવા ભેટકલમ અને ગુટીકલમથી થાય છે.

જમીનની પૂર્વતૈયારી : જમીનને ઊંડી ખેડ કરી, સપાટ બનાવી વાવેતર માટે તૈયાર કરાય છે. ચીકુના વાવેતર માટેનું અંતર જમીન અને આબોહવા ઉપર આધાર રાખે છે. ભારે ફળદ્રૂપ જમીન તથા વધુ વરસાદવાળા વિસ્તારમાં 10 x 10 મીટરના અંતરે વાવેતર થાય છે. હલકી જમીન તથા ઓછા વરસાદવાળા પ્રદેશમાં 8 x 8 મીટરના અંતરે વાવેતર થઈ શકે. નિયુક્ત કરેલ અંતરે ઉનાળા દરમિયાન એક મીટર લાંબા, પહોળા અને ઊંડા ખાડા ખોદી તેને તપવા દેવા અને માટી ખાડાની બાજુમાં રાખવી. ચોમાસાની શરૂઆતમાં ઉપરની 30 સેમી.ની માટી સાથે 50 કિગ્રા. સારું કોહવાયેલું છાણિયું ખાતર અને ઊધઈ સામે રક્ષણ આપવા 5 % પ્રમાણવાળો બી.એચ.સી. પાઉડર અથવા ક્લોરડેન 100 ગ્રામ ભેળવી ખાડા ભરવામાં આવે છે.

રોપણી : સામાન્ય રીતે ચીકુના વાવેતર માટે રાયણ સાથે બાંધેલ ભેટકલમો વાપરવી ઠીક પડે છે કારણ કે ગુટીકલમ કરતાં ભેટકલમનું ઉત્પાદન વધુ આવે છે. ચુનાળ જમીન હોય ત્યાં ગુટીકલમથી વાવેતર કરવું હિતાવહ ગણાય છે. ચોમાસાનો પ્રથમ વરસાદ આવી ગયા પછી ચીકુની કલમો ખેતીવાડી ખાતાની કૃષિ યુનિવર્સિટીની અથવા કોઈ માન્ય નર્સરીમાંથી પ્રમાણિત કરેલ કલમો ખરીદવી વધુ ફાયદાકારક છે. અંતર પ્રમાણે એક હેક્ટરના વાવેતર માટે કલમોની જરૂરિયાત નીચે પ્રમાણે રહેશે :

અંતર મીટરમાં હેક્ટરે કલમોની સંખ્યા
8 × 8 156
9 × 9 123
10 × 10 100

એકબે સારા વરસાદ થયેથી જુલાઈ-ઑગસ્ટ માસમાં કલમોની રોપણી કરાય છે. ખાડામાં કલમો સાંધાનો ભાગ જમીનની બહાર રહે તે મુજબ સીધી રોપણી થાય છે. કલમો રોપ્યા બાદ મજબૂત લાકડાનો ટેકો આપી તેને બાંધવી પડે છે જેથી વધુ પવન કે વાવાઝોડાથી રોપેલી કલમોને નુકસાન ન થાય.

ખાતર : ચીકુના પાકમાં પુખ્ત વયનું ઝાડ થતાં સુધી પ્રતિવર્ષ ખાતરોના જથ્થામાં વધારો કરી તે મુજબ ખાતરો આપવાં જરૂરી છે. તેની વિગત નીચે મુજબ છે :

વાવેતરનું વર્ષ છાણિયું

ખાતર

 

 

(કિલોમાં)

રાસાયણિક ખાતરો (કિલોમાં)
એમોનિયમ

સલ્ફેટ

સીંગલ

સુપર

ફોસ્ફેટ

મ્યુરેટ

ઑવ્

પોટાશ

(નાઇટ્રોજન) (ફૉસ્ફરસ) (પોટાશ)
પ્રથમ વર્ષ 10 0.400

(0.080)

0.500

(0. 080)

0.100

(0.058)

બીજા વર્ષથી નવમા વર્ષ

સુધી દર વર્ષે ખાતરના

પ્રમાણમાં કરવાનો વધારો

5 0.400

(0.080)

0.500

(0.080)

0.100

(0.058)

દસમા વર્ષ દરમિયાન અને

ત્યારબાદ પુખ્ત વયના

ઝાડને દર વર્ષે આપવાનો

ખાતરનો જથ્થો

50 4.000

(0.800)

5.000

(0.800)

1.000

(0.580)

નોંધ : કોઠામાં કૌંસમાં દર્શાવેલ આંકડા જે તે ખાતરના તત્વના રૂપમાં આપવાના થતા જથ્થાના છે. તે ખાતરો બે હપતામાં એટલે કે અર્ધો હપતો જૂન માસમાં અને અર્ધો હપતો ઑક્ટોબર માસમાં આપવાનો હોય છે.

પિયત : ચોમાસામાં વાવેતર બાદ વરસાદ ન હોય તો પિયત અપાય છે. ત્યારબાદ શિયાળામાં 15થી 20 દિવસના અંતરે અને ઉનાળામાં 8 થી 10 દિવસના અંતરે પાણીની ખેંચ પડવાથી ઝાડમાં ફાલ ઓછો બેસે છે.

કેળવણી અને છટણી : ચીકુના ઝાડની કુદરતી રચના એવી હોય છે કે તેમાં કેળવણી, છટણી કરવાનો અવકાશ રહેતો નથી. રોપણી બાદ કલમોને જે ફૂલ અને ફળ બેસે તે શરૂઆતમાં ત્રણેક વર્ષ કાઢતાં રહેવું જેથી કલમોની વાનસ્પતિક વૃદ્ધિ સારી થાય. ચોથા વર્ષથી ફળ લઈ શકાય – જો ભેટકલમ રોપેલી હોય તો. પ્રથમ સાતથી દસ –વર્ષ સુધી કલમના જોડાણનો નીચેનો ભાગ એટલે કે મૂલકાંડ(રાયણ)માંથી જે ડાળી નીકળે તે કાપતાં રહેવું પડે છે. ગુટીકલમથી રોપણી કરેલ હોય તો સાતઆઠ વર્ષે નીચે ઝૂકેલ ડાળી કલમ બાંધવા વાપરી થડને જમીનથી સવા-દોઢ મીટર ચોખ્ખું રાખવાથી ખેતીના કામમાં અનુકૂળતા રહે છે.

આંતરપાકો તથા આરક્ષણ : ચીકુને ભેજવાળું હવામાન માફક હોવાથી આંતરપાકો લેવાથી ભેજવાળું વાતાવરણ જળવાઈ રહે તથા થોડી આવક પણ મળે. શરૂઆતનાં ચાર-પાંચ વર્ષ શાકભાજી(જેવાં કે ડુંગળી, મરચાં, ભીંડા, ટમેટાં, રીંગણ, સૂરણ, શક્કરિયાં, આદું, હળદર વગેરે)ના પાકો લઈ શકાય. પપૈયા જેવો ફળપાક પણ શરૂઆતમાં અનુકૂળ રહે છે.

ચીકુના પાકમાં ઉનાળામાં ગરમ લૂ તથા વધુ ગરમીથી ફૂલ ખરી પડે છે. આથી સૂકા તથા અર્ધસૂકા વિસ્તારમાં પવન-અવરોધક વાડ કરીને પાકને રક્ષણ આપવું આવશ્યક છે.

ચીકુમાં પુષ્પો લગભગ બારેય માસ વત્તાઓછા પ્રમાણમાં બેસતાં હોય છે. વર્ષ દરમિયાન ફળ-નિર્માણ બે વાર થાય છે. સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ તથા ઑગસ્ટ-ઑક્ટોબરના ગાળા દરમિયાન ફળ વધુ મળે છે. ચીકુમાં ફૂલ આવ્યા પછી ફળ પાકતાં લગભગ ચાર મહિના લાગે છે. ફળની પરિપક્વતા નીચે જણાવેલ મુદ્દાઓ ઉપરથી જાણી શકાય :

(1) ફળની આંતરછાલ લીલીને બદલે પીળાશ પડતી થાય, (2) ફળને નખ મારતાં દૂધ ન નીકળે અને (3) ફળ ઉપર હાથ લગાડવાથી રેત જેવો ઝીણો ભૂકો મળે.

આવાં પાકવાલાયક ફળ ઝાડ ઉપરથી આંકડી વડે ઉતારાય છે. ફળો ઉતારતી વખતે તે જમીન ઉપર ન પડે તેની ખાસ કાળજી રખાય છે. ફળો ઉતાર્યાં પછી કોથળામાં નાખી હલાવે છે જેથી ફળ સ્વચ્છ થઈ તેમાં ચળકાટ આવે છે. અથવા ફળને પાણીથી ધોઈ સૂકવી નાખે છે અને બજારમાં મોકલતાં અગાઉ વર્ગીકરણ થાય છે.

પાકસંરક્ષણ : જીવાતોમાં સામાન્ય રીતે પાનની ઇયળ, ફળમાખી તથા ફૂલકળીની ઇયળનો ઉપદ્રવ રહે છે. પાનની ઇયળના નિયંત્રણ માટે ફેનિટ્રોથિયેન (ફોલીથિયોન), સુમિથિયોન 0.03 % અથવા મોનોક્રોટોફૉસ (નુવાક્રોન) 0.04 % અથવા કાર્બારિલ વટેબલ પાઉડરના 0.15 % પ્રવાહીનો છંટકાવ કરવો પડે છે. ફળમાખીના નિયંત્રણ માટે ઉપદ્રવના સમયે 0.1 % ફેન્થિયોન(લેબાસીડ) દવા(10 લિટર પાણીમાં 10 મિલિ. દવા)નો છંટકાવ કરવો. ચીકુની ફૂલકળીના નિયંત્રણ માટે એન્ડોસલ્ફાન 0.07 %નો છંટકાવ કરવો. તે માટે એક લિટર પાણીમાં બે મિલી. દવા ભેળવવી અથવા ફ્લોરપાયરીફૉસ 0.05 %નો છંટકાવ કરવો પડે છે. માટે એક લિટર પાણીમાં બે મિલી. દવા ભેળવે છે.

ઉત્પાદન : ચીકુમાં ત્રીજા કે ચોથા વર્ષથી ફળનું ઉત્પાદન લેવાનું શરૂ થાય છે. પાંચમા વર્ષથી ઉત્પાદન સારું મળે છે. 40 વર્ષ બાદ ઉત્પાદન ઘટવા માંડે છે. ઉંમર પ્રમાણે સરેરાશ ઉત્પાદન આ પ્રમાણે ગણાય :

વર્ષ વૃક્ષ દીઠ ઉત્પાદન (કિલોમાં)
5 12થી 15
7 35થી 40
10 80થી 100
30 120થી 150

સામાન્ય રીતે 10થી 12 વર્ષનાં વૃક્ષ હેક્ટરદીઠ 10,000થી 12,000 કિલો ફળનું ઉત્પાદન આપે છે.

ચીકુના રોગો : આંબાની સરખામણીમાં ચીકુમાં રોગનું પ્રમાણ ખૂબ જ ઓછું છે તેમ છતાં ચીકુનો સુકારો (wilt), કાળો છારો, પાનનાં ભૂખરાં ટપકાં, પાનનાં ગુલાબી ટપકાં, પાનનાં પીળાં ટપકાં, પાનનો ઝાળ, ફળનો સૂકો સડો અને ફળના પોચા સડાના રોગો થાય છે.

(1) પાનનાં ભૂખરાં ટપકાંનો રોગ : એ Pestalotia versicolor નામની ફૂગથી થાય છે, જે 1970માં પ્રથમ વખત કેરળ રાજ્યમાં જોવા મળ્યો. આ રોગની શરૂઆતમાં પાન ઉપર ખૂબ નાનાં લાલ તથા બદામી રંગનાં ટપકાં જોવા મળે છે. તે વિકસિત થઈને 1-3 મિમી.નાં ગોળાકાર ટપકાં ઉત્પન્ન કરે છે. ટપકાંનો મધ્ય ભાગ રાખોડી રંગનો અને આજુબાજુ કિનારી તપખીરિયા રંગની હોય છે. જો આ રોગનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં હોય તો પાનની કિનારી પર મોટા ભૂખરા રંગના ડાઘા ઉત્પન્ન થાય છે અને નજીક નજીકના ડાઘ જોડાઈ જઈ પાન ઝળાઈને ખરી પડે છે.

(2) પાનનાં ગુલાબી ટપકાં : પાનનાં ગુલાબી ટપકાંનો રોગ Phaeophleospora indica નામની ફૂગથી થાય છે. 1968માં પ્રથમ વખત આ રોગ કર્ણાટક રાજ્યના ધારવાડમાં જોવા મળ્યો હતો. કર્ણાટકમાં આ રોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

આ રોગની શરૂઆતમાં પાન ઉપર નાનાં ગોળાકાર ગુલાબી રંગનાં તેમજ લાલાશ પડતાં બદામી રંગનાં ટપકાં થાય છે. આ ટપકાંનો મધ્ય ભાગ સફેદ હોય છે. આના ઉપદ્રવથી પાન સુકાઈને ખરી પડે છે. તેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. આ રોગનો ઉપદ્રવ ઑક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

આ રોગના નિયંત્રણ માટે ડાયથેન ઝેડ-78 (0.2 %) બ્લાઇટૉક્સ (0.5 %) અથવા ક્યુમાન એલ (0.2 %) દવાના દ્રાવણનો દર મહિનાના અંતરે છંટકાવ કરવાથી આ રોગ કાબૂમાં આવે છે.

(3) પાનનાં પીળાં ટપકાંનો રોગ : પાનનાં પીળાં ટપકાંનો રોગ ગ્લોમરેલા સિંગ્યુલાટા નામની ફૂગથી થાય છે. આ રોગમાં પાનની બંને સપાટી ઉપર પીળા રંગનાં અનિયમિત આકારનાં ટપકાં જોવા મળે છે. વધારે પ્રમાણમાં રોગનું આક્રમણ થવાથી આખું પાન પીળું પડી જાય છે અને ખરી પડે છે.

દર મહિનાના અંતરે ડાયથેન ઝેડ-78(0.2 %)નો છંટકાવ ઝાડ ઉપર કરવાથી રોગ કાબૂમાં આવે છે.

(4) પાનનો ઝાળ રોગ : આ રોગ Fusicoccum sapoticola નામની ફૂગથી થાય છે. શરૂઆતમાં પાનની કિનારી ઉપર નાનાં બદામી રંગનાં અનિયમિત આકારનાં ટપકાં ઉત્પન્ન કરે છે, જે પાછલી અવસ્થામાં ટપકાં ભેગાં થઈને અનિયમિત આકારના ડાઘા ઉત્પન્ન કરે છે.

(5) સુકારો : આ રોગ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો જોવા મળે છે. તેમાં ઝાડ પ્રથમ ઝાંખાં, પીળાં અને ફીકાં થઈ ધીમે ધીમે સુકાવા લાગે છે. કાળજી લેવામાં ન આવે તો આખું ઝાડ સુકાઈને મરી જાય છે. આ રોગ ફ્યુઝેરિયમ નામની ફૂગથી થાય છે, જે જમીનજન્ય છે અને મૂળ મારફતે આક્રમણ વધે છે. તેથી મૂળની વૃદ્ધિ ઉપર અસર થાય છે અને ઝાડ મરી જાય છે.

રોગવાળા ઝાડના થડમાં કાર્બેન્ડેઝિમ દવા(15 લિટર પાણીમાં 15 ગ્રામ)નું દ્રાવણ મૂળમાં પ્રસરે તે રીતે નાખવાથી રોગ નિયંત્રણમાં આવે છે. જરૂર જણાય તો એક મહિના પછી ફરીથી આ પ્રમાણેની માવજત આપવાથી રોગ કાબૂમાં આવે છે.

(6) કાળો છારો (sooty mould) : આ રોગ કેપનોડિયમ નામની ફૂગથી થાય છે. તે સામાન્ય રીતે દરેક ફળઝાડના પાકમાં જોવા મળે છે. આંબાના પાકમાં જે રીતે શ્યામ છારો જોવા મળે છે તે જ રીતે ચીકુ ઉપર પણ જોવા મળે છે. આની ફૂગ બહિર્જીવી હોય છે, જે ડાળીની ઉપરની સપાટી ઉપર જ અસર કરે છે. જીવાતનો ઉપદ્રવ થતાં ડાળી ગુંદરિયા પ્રવાહીથી છવાઈ જાય છે. પાછળથી આવી ડાળી ઉપર કાળી ફૂગ ઊગી નીકળે છે. આમ કુમળી તેમજ પાકટ ડાળીઓ ઉપર અંતરે અંતરે કાળું આવરણ જોવા મળે છે. આને કાળો છારો કહેવામાં આવે છે. આનાથી ઝાડના સામાન્ય વિકાસમાં વધુ અવરોધ ઉત્પન્ન થાય છે. આ રોગને મધ્યમ ગરમી અને થોડું ભેજવાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે.

નિયંત્રણ : વધારે ઉપદ્રવ હોય તો તાંબાયુક્ત ફૂગનાશક દવાનો છંટકાવ કરવાથી નિયંત્રણ થાય છે. (3 ગ્રામ દવા/લિટર પાણીમાં).

(7) ચપટા અવયવનો રોગ : Botryodiplodia theobromae નામની ફૂગથી થાય છે. આ રોગ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં ખાસ જોવા મળે છે. આ રોગની અસર પામેલા ઝાડની ડાળીઓ ચપટી અને વળી ગયેલી જોવા મળે છે. તે ભાગ ખરબચડો દેખાય છે. તેનાં પાન પાતળાં અને પીળાં પડી ગયેલાં જોવા મળે છે. અસરગ્રસ્ત ડાળી પરનાં ફળ જલદીથી ખરી પડે છે અને પરિપક્વ થવાની અવસ્થાએ આવેલ ફળ નાનાં રહે છે અને સુકાઈ જાય છે.

ફળના રોગો : (અ) ફળનો સૂકો સડો : આ રોગ અલ્ટરનેરિયા પ્રકારની ફૂગથી થતો જોવા મળે છે. રોગની પ્રાથમિક અવસ્થામાં નાના પાણીપોચા બદામી કાળા રંગના ડાઘા જોવા મળે છે, જે ધીમે ધીમે વિકસીને તે ફળના ત્રીજા ભાગ ઉપર અસર કરે છે. ઝાંખા ભૂખરા રંગની ફૂગની વૃદ્ધિ અસરગ્રસ્ત ભાગ ઉપર જોવા મળે છે. આ રોગને કારણે પાછલી અવસ્થામાં ફળ સંકોચાય છે, સડી જાય છે અને સુકાઈ જાય છે. ફળની અંદરના ભાગમાં બદામી રંગના જખમવાળો સૂકો સડો લાગેલો જોવા મળે છે.

(આ) ફળનો પોચો સડો : આ સડો ઘણા પ્રકારની ફૂગથી થાય છે. તેનો ચેપ ખેતરમાંથી લાગીને જ આવે છે. શરૂઆતમાં ફળ પર ઘાટા બદામી રંગના જખમો ઉત્પન્ન કરે છે, જે ધીમે ધીમે વિકાસ પામે છે. આની અસરથી ફળ પાકવાની ક્રિયા ઝડપી બને છે. ફળ ઉપર ફૂગનું વર્ધન થતું જોવા મળે છે. તે પાછળથી ઘાટા બદામી રંગમાં ફેરવાય છે અને આખા ફળ ઉપર તેની વૃદ્ધિ જોવા મળે છે. ફળમાંથી કાળા રંગના પ્રવાહીનું ઝરણ થતું જોવા મળે છે, જે ખરાબ ગંધ ફેલાવે છે.

ફળના સડાને લીધે ફળની કિંમત અને ટકાઉપણું ઘટે છે. ફળને ઉતારીને પછી ડાયથેન એમ-45 (0.1 %) દવાના દ્રાવણમાં પાંચ મિનિટ બોળવાની માવજત આપવાથી આ રોગને અટકાવી શકાય છે.

ચીકુની જીવાત : ચીકુના પાકને નુકસાન કરતા કીટકો. ભારતમાં ચીકુનું વાવેતર ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિળનાડુ, આંધ્રપ્રદેશ અને બંગાળમાં જોવા મળે છે. ગુજરાતમાં લગભગ 6000 હેક્ટરમાં આ પાકનું વાવેતર થયેલ છે. તેમાંય ઉમરગામથી સૂરત સુધીનો પ્રદેશ ચીકુ માટે પ્રખ્યાત છે. ચીકુનાં ફળ ખાવામાં ખૂબ જ મીઠાં અને શરીરબંધારણમાં ઉપયોગી ઘણાં તત્વો ધરાવે છે. હાલમાં ચીકુના બજારભાવ સારા મળતા હોવાથી ખેડૂતો આ ફળપાકની રોપણી પ્રત્યે વધુ લક્ષ આપે છે. દિનપ્રતિદિન તેનું વાવેતર વધતું જાય છે. ચીકુ પાકમાં ખાસ કોઈ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો નથી તેવો એક ભ્રામક ખ્યાલ ખેડૂતોમાં પ્રવર્તતો હતો, પરંતુ કૃષિતજ્જ્ઞોના સર્વેક્ષણ અને સંશોધન પરથી માલૂમ પડ્યું છે કે, આ પાકને આશરે 25 જેટલી જીવાતોથી નુકસાન થાય છે. તે પૈકીની ચીકુની કળી કોરી ખાનાર ઇયળ, ચીકુ મૉથ અને ફળમાખી ઉત્પાદન પર સીધી અસર પહોંચાડે છે; જ્યારે પાનકોરિયું અથવા પાનને ધારેથી વાળનાર ઇયળ અને પાનને મધ્ય નસથી વાળનાર ઇયળ નવી નીકળતી કૂંપળોમાં ઉપદ્રવ કરે છે. દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવેલ સર્વેક્ષણ મુજબ બડ બોરર અને ચીકુ મૉથથી અનુક્રમે 7 % અને 2 % કળીઓ નુકસાન પામી ખરી પડે છે. જ્યારે બડ બોરર, ચીકુ મૉથ અને પાનકોરિયું, પાનને ધારેથી વાળનાર ઇયળ અને પાનને મધ્ય નસથી વાળનાર ઇયળથી અનુક્રમે 5, 2, 4, 5 અને 5 % નવાં નીકળતાં પાન નુકસાન પામે છે. ચીકટોં, ભીંગડાંવાળી જીવાત, થ્રિપ્સ અને મધિયો જેવી રસ ચૂસનારી જીવાતો છોડના કુમળા ભાગો જેવા કે કુમળાં પાન, ડૂંખ, કળી અને ફૂલોમાંથી રસ ચૂસી નુકસાન કરે છે; જ્યારે છાલ કોરનારી ઇયળ, થડ અને જાડી ડાળીઓ પર જાળાં બનાવી છાલ કાપી ખાય છે.

ચીકુની કળી કોરનાર ઇયળ : ચીકુ પાકની આ મુખ્ય જીવાતનો ઉપદ્રવ ખાસ કરીને કળીઓ ઉપર જોવા મળે છે. એનો રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના ગિલેચિડી કુળમાં સમાવેશ થયેલો છે. ફૂદાં કદમાં નાનાં અને તેની આગળની પાંખ ઘેરા રાખોડી રંગની, જ્યારે પાછલી પાંખ પીળાશ પડતા રંગની હોય છે. તેની પાછલી ધારે પીંછા જેવી રચના હોય છે. માદા ફૂદી 2થી 93 જેટલાં સફેદ રંગનાં અંડાકાર ઈંડાં એકલદોકલ અથવા 2થી 3ના ઝૂમખામાં ચીકુની કળીઓ ઉપર ચોંટાડીને મૂકે છે. આ જીવાતની ઈંડાં, ઇયળ, કોશેટા અને પુખ્ત અવસ્થા અનુક્રમે 2થી 8, 9થી 11, 5થી 9 અને 3થી 6 દિવસ જેટલી હોય છે. ઇયળ ચીકુની કુમળી કળીઓમાં કાણું પાડીને અંદર દાખલ થાય છે અને તેનો ગર્ભ કોરી ખાય છે. તેથી આવી કળીઓ ખૂલી શકતી નથી અને ફળો બેસતાં નથી. એક ઇયળ તેની અવસ્થા દરમિયાન સરેરાશ ત્રણ કળીઓ ખાઈ જાય છે. આ જીવાતના નિયંત્રણ માટે મૉનોક્રોટોફૉસ 0.036 % અથવા એન્ડોસલ્ફાન 0.07 % પ્રવાહી મિશ્રણનો છંટકાવ વર્ષમાં બેથી ત્રણ વાર ઉપદ્રવ વધવાની શરૂઆત થાય ત્યારે કરવાથી સારું નિયંત્રણ મેળવી શકાય છે.

ચીકુ મૉથ : Nephopteryx eugraphellaના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ જીવાતનો સમાવેશ રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના પાયરેલિડી કુળમાં થયેલો છે. તેનો ઉપદ્રવ સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન જોવા મળે છે; પરંતુ ગુજરાતમાં ઑગસ્ટથી નવેમ્બર માસ દરમિયાન તે વધારે સક્રિય હોય છે. ફૂદાં મધ્યમ કદનાં, આગળની પાંખ ભૂખરા રંગની અને તેના પર ઘેરાં કાળાં ધાબાં હોય છે. પાછળની પાંખ પારદર્શક હોય છે, જેની પાછલી ધારે પીંછાં જેવી રચના હોય છે. માદા ફૂદી 28થી 175 જેટલાં ચપટાં અને પીળાશ પડતાં સફેદ રંગનાં ઈંડાં એકલદોકલ અથવા 2થી 5ના ઝૂમખામાં ચીકુની કળી અને કૂંપળો ઉપર ચોંટાડીને મૂકે છે. ઈંડાંનું 2થી 4 દિવસમાં સેવન થતાં નીકળેલી ઇયળ ઝાંખા લીલાશ પડતા રંગની હોય છે. ઇયળ પાન તથા કળી-ફૂલને ખાઈને નુકસાન કરે છે. ઇયળો ચીકુનાં પાનને ભેગાં જોડી દઈ તેમાં ભરાઈ રહી પાનનો લીલો ભાગ કોરી ખાય છે. ઇયળો કળીમાં કાણાં પાડતી હોય છે તેથી કળીઓ સુકાઈ જાય છે. નવી ફૂટતી કળીઓ ઉપર જાળાં બાઝી જાય છે, તે આ કીટકની હાજરી સૂચવે છે. કોઈક વાર આ ઇયળ કુમળાં તેમજ મોટાં પરિપક્વ ફળોમાં કાણાં પાડીને ફળોને અંદરથી ખાઈને નુકસાન કરે છે. આ નુકસાનકારક ઇયળ-અવસ્થા 12થી 22 દિવસ બાદ સુષુપ્ત અવસ્થામાંથી પસાર થતાં કોશેટામાં પરિણમે છે. 8થી 13 દિવસમાં આ સુષુપ્ત અવસ્થા પૂર્ણ થતાં તેમાંથી ફૂદાં બહાર આવે છે. તે 1થી 5 દિવસનું આયુષ્ય ધરાવતાં હોય છે. આમ, સંપૂર્ણ જીવનચક્ર 25થી 33 દિવસમાં પૂર્ણ થાય છે. આ જીવાતના નિયંત્રણ માટે ઉપદ્રવ પામેલ પાન તથા કળીઓનાં ઝૂમખાં ભેગાં કરી નાશ કરવો એ ઇષ્ટ છે. રાસાયણિક કીટ-નિયંત્રણમાં ક્વિનાલફૉસ 0.05 % અથવા કાર્બારિલ 0.2 % અથવા એન્ડોસલ્ફાન 0.07 % અથવા મૉનોક્રોટોફૉસ 0.036 % પ્રવાહી મિશ્રણ, ઉપદ્રવ શરૂ થાય ત્યારથી વર્ષમાં 2થી 3 વખત છાંટવાથી સારું નિયંત્રણ મળે છે.

આયુર્વેદ અનુસાર ચીકુનાં પાકાં ફળ શીતળ, રુચિકારક અને અત્યંત મધુર હોય છે. તે જ્વરહર અને પિત્તશામક હોય છે. તે આહાર તરીકે લાભદાયી ફળ છે. તે તાજગીદાયક છે અને આંતરડાની શક્તિ વધારે છે. તે વીર્યવર્ધક છે અને દર્દી માટે પથ્ય ખોરાક છે. કાચાં ચીકુથી કબજિયાત, મંદાગ્નિ અને ઉદરશૂળ થાય છે. પાકેલાં ચીકુ વધારે ખાવાથી પેટ ભારે થાય છે.

ઉપયોગ : (1) ધાતુપુષ્ટિ માટે પાકા ચીકુમાં સાકર નાખી કે ચીકુનો રસ દૂધમાં કે ચીકુનો હલવો બનાવી આપવામાં આવે છે. (2) મૂત્રદાહમાં પાકા ચીકુની ચીરીઓ સાકર સાથે રોજ ત્રણ વાર આપવામાં આવે છે. (3) મૂત્રાલ્પતા-મૂત્રકષ્ટમાં 0.36–0.60 ગ્રા. ચીકુના બીજનું ચૂર્ણ પાણી સાથે લેવાથી મૂત્ર સાફ આવે છે. ચીકુના બીજનું ચૂર્ણ વધુ માત્રામાં લેવાથી ઝાડા થાય છે અને થોડેક અંશે ઝેરી અસર ઉત્પન્ન થાય છે. (4) પિત્તપ્રકોપમાં ચીકુની ચીરીઓ માખણમાં રાત્રે પલાળી, રોજ સવારે લેવાથી પિત્તપ્રકોપ મટે છે.

જ. પુ. ભટ્ટ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

છીબુભાઈ બ.પટેલ

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

બળદેવભાઈ પટેલ