ચીખ (1977) : કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 1978માં પુરસ્કૃત સિંધી કાવ્યસંગ્રહ. તેના રચયિતા હરૂમલ સદારંગાણીનો આ ચોથો કાવ્યસંગ્રહ છે. અત્યારે પાકિસ્તાનના પ્રદેશનો ભાગ બનેલા શાહદાદપુર ખાતે જન્મેલા (1913–1992) સદારંગાણીનો આ કાવ્યસંગ્રહ લાગણીની સચ્ચાઈ, અર્વાચીન સંવેદના તથા મુક્ત છંદશૈલી પરના પ્રભુત્વને કારણે સિંધી સાહિત્યમાં ગણનાપાત્ર ઉમેરણ ગણાય છે.

સમયના બદલાતા જતા મિજાજને પારખીને આ કવિએ કાવ્યબાની તેમજ શીઘ્ર સંવેદનગ્રાહિતા અને સૌંદર્યપરખની બાબતમાં આ કાવ્યોમાં અભિનવ તાજગી અને વળાંક દાખવ્યાં છે. સંગ્રહનાં કાવ્યોમાં રોજિંદા જીવનના સ્વાનુભવો, ઉચ્ચસ્તરે પ્રવર્તતો ભ્રષ્ટાચાર, શહેરી જીવનની વ્યર્થતા, નેતૃત્વની ઊણપ અને પોકળતા તથા સાંપ્રત હતાશા જેવા વિષયો ઉપહાસ તથા વક્રોક્તિની શૈલીમાં આલેખાયા છે. ‘કશ્મકશ’, ‘ઇદ-જો-રોજો’, ‘બરસાત’, ‘દેતી-લેતી’, ‘ખ્વાબ-જો-વિંજનો’ જેવી કૃતિઓ રસપ્રદ રચનાઓ છે. આ સંગ્રહમાં વિષયનું વૈવિધ્ય તથા ભાષાની રસળતા નોંધપાત્ર છે.

જયંત રેલવાણી