ચીએન મૅન દરવાજો બેજિંગ

January, 2012

ચીએન મૅન દરવાજો બેજિંગ : આ ઇમારત ચેંગ યાન્ગ મૅન તરીકે પણ જાણીતી છે અને બેજિંગને ફરતા કોટની દીવાલના દક્ષિણ ભાગમાં દરવાજા તરીકે બંધાયેલ છે. મિંગ શાસન દરમિયાન બંધાયેલા આ દરવાજાઓ ઈંટનો ઉપયોગ કરી બંધાયેલ અને ચીની પદ્ધતિથી લાકડાના છાપરા વડે ઉપલી ઇમારત કરાયેલ. મિંગ શાસનકાળની પંદરમીથી સત્તરમી સદી દરમિયાનની પ્રણાલીનો લોકોપયોગી સ્થાપત્યનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે. આ સમય દરમિયાન બેજિંગમાં આ પ્રકારની સંખ્યાબંધ ઇમારતોનું આયોજન થયેલ. દરવાજાઓ અને કોટની દીવાલ ચીનનાં શહેરોનાં આવરણ તરીકે મહત્વપૂર્ણ હતાં કારણ કે નગરઆયોજન અનુસાર નગરો લંબચોરસ આકારમાં હંમેશ સીમિત રહેતાં. નગરોના પ્રવેશ તરીકે અને કિલ્લાની દીવાલના ભાગ તરીકે દરવાજાઓને મહત્વનું સ્થાન મળેલ.

રવીન્દ્ર વસાવડા