ચિરાગ દેહલવી, નસીરુદ્દીન મહમૂદ ચિશ્તી

January, 2012

ચિરાગ દેહલવી, નસીરુદ્દીન મહમૂદ ચિશ્તી (જ. ?; અ. 14 સપ્ટેમ્બર 1356, દિલ્હી) : ભારતના પાંચ મહાન ચિશ્તી સૂફી સંતોમાંના એક. તે અવધ(યુ.પી.)માં જન્મ્યા હતા. પ્રાથમિક શિક્ષણ મૌલાના અબ્દુલકરીમ શરવાની તથા મૌલાના ઇફ્તિખારુદ્દીન મુહમ્મદ ગીલાની પાસે મેળવીને પયગંબર સાહેબનાં સુવચનો (હદીસ), કુરાનનું ભાષ્ય (તફસીર), ઇસ્લામી ધર્મશાસ્ત્ર (ફિકહ), તર્કશાસ્ત્ર (મન્તિક), વ્યાકરણ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરી પચીસ વર્ષની ઉંમરે સંસાર તજી વૈરાગી જીવન અપનાવ્યું. ચાળીસ વર્ષની ઉંમરે દિલ્હી જઈ મહાન ચિશ્તી સૂફી નિઝામુદ્દીન ઓલિયા મેહબૂબે ઇલાહીની સેવામાં રહી, આધ્યાત્મિક જ્ઞાન મેળવી મહાન સૂફી તરીકે તેમણે નામના પ્રાપ્ત કરી અને ચિરાગ દેહલવી કહેવાયા. નિઝામુદ્દીન ઓલિયાએ ચિશ્તી સૂફી પરંપરાના મુખ્ય ગાદીવારસ તરીકે તેમને ઈ. સ. 1325માં નીમ્યા.

નિઝામુદ્દીન ઓલિયાના અવસાન પછી શેખ નસિરુદ્દીન મહમૂદ ચિશ્તી ચિરાગ દેહલવીએ ચિશ્તી સૂફી પરંપરાની કેન્દ્રીય ગાદી અને આધ્યાત્મિક વ્યવસ્થાનું સંચાલન કર્યું. ચિરાગ દેહલવીમાં પોતાના મુરશિદ (ગુરુ) મેહબૂબે ઇલાહીની ઘણી ખૂબીઓ હતી. પોતાના મુરશિદના આદેશ પ્રમાણે લોકો વચ્ચે રહી, નિખાલસ ઉદારતા દેખાડી પુષ્કળ અગવડો વેઠી, અત્યાચાર સહન કરી કદી પણ ફરિયાદ કરી નહિ તેમજ સત્યના માર્ગ ઉપર અડગ રહ્યા. તેમની કાર્યકુશળતા, હિંમત, ર્દઢતા અને નિખાલસ સેવાભાવનાના પ્રતાપે બાદશાહ મુહમ્મદ તુઘલકની અવ્યવહારુ રાજનીતિ દ્વારા ઉપસ્થિત થતી મુશ્કેલીઓનો સામનો કરતા રહ્યા. તેઓ માનવતા અને પ્રેમના મહાસાગર સમાન હતા અને ઉચ્ચ નૈતિક મૂલ્યના આગ્રહી હતા.

ખ્વાજા ગરીબનવાઝ (અજમેર), બખ્તિયાર કાકી (દિલ્હી), બાબા ફરીદ (અજોધન – મુલતાન), નિઝામુદ્દીન ઓલિયા (દિલ્હી) અને નસિરુદ્દીન દેહલવી (દિલ્હી) એ પાંચ મહાન સૂફી સંતોમાં તેમની ગણના થાય છે.

ચિરાગ દેહલવીનો મકબરો દિલ્હીમાં જ છે. ખ્વાજા નસિરુદ્દીન મહમૂદ ચિશ્તી ચિરાગ દેહલવીના દેહાંતના કારણે ચિશ્તી સૂફી પરંપરાના દિલ્હીના પ્રથમ તબક્કાનો અંત આવ્યો. પરંતુ એમના વિદ્વાન ભાણેજ કમાલુદ્દીન અલ્લામા ચિશ્તી જે એમના ખલીફા અને ચિશ્તી સૂફી ગાદીવારસ હતા તેમની વિદ્વત્તા, ધર્મશાસ્ત્રનાં જ્ઞાન, ભક્તિભાવ અને માનવસહિષ્ણુતાના પ્રતાપે ચિશ્તી સૂફી પરંપરાની મુખ્ય ગાદી દિલ્હીથી પ્રથમ ઉત્તર ગુજરાત પાટણમાં અને પછી પાટણથી શાહપુર અમદાવાદમાં ચાલુ રહી અને આજ સુધી ચાલુ જ છે. પાટણ અને અમદાવાદમાં શેખ સિરાજુદ્દીન, મહમૂદરાજન, જમ્મનશાહ, હસનમુહમ્મદ, મુહમ્મદ ચિશ્તી, યહ્યા ચિશ્તી અને નસિરુદ્દીન બાવા જેવા મહાન ચિશ્તી સૂફી સંતો થયા જે ખ્વાજા ચિરાગ દેહલવીના આધ્યાત્મિક વારસાને પ્રતાપે છે. મહત્વની બાબત તો એ છે કે અમદાવાદના નામાંકિત યહ્યા ચિશ્તી કે જેઓ પાછળથી મદીના(અરબસ્તાન)માં સ્થાયી થયા હતા, તેમના ખલીફા કલીમુલ્લાહ દેહલવીના કારણે ચિશ્તી સૂફી પરંપરા દિલ્હીનો દ્વિતીય તબક્કો શરૂ થયો જેનો યશ ચિરાગ દેહલવીના ભાણેજના અમદાવાદમાંના ચિશ્તી વંશજોને શિરે જાય છે.

નસિરુદ્દીન ચિરાગ દેહલવીના મહાવિદ્વાન શિષ્યોમાં સૈયદ મુહમ્મદ બિન જાફરી મક્કી હુસેની (કર્તા, બેહરુલ મઆની), મૌલાના ખ્વાજગી કાલ્પવી (કાઝી શિહાબુદ્દીન દૌલત આબાદીના ગુરુ), કાઝી અબ્દુલ મુક્તદિર, મૌલાના અહમદ થાનેસરી, શેખ સદ્રુદ્દીન હકીમ અને અલ્લામા કમાલુદ્દીન ચિશ્તી (પાટણ અને અમદાવાદની ચિશ્તી સૂફી પરંપરાની મુખ્ય ગાદીવારસોના પિતામહ) – આ બધા વિદ્વાનો પોતપોતાનાં જ્ઞાન તેમજ ધર્મશાસ્ત્રોમાં તે સમયના અજોડ વિદ્વાન ગણાતા હતા.

મહેમૂદહુસેન મોહમંદહુસેન શેખ