ચિરામીન (1926)

January, 2012

ચિરામીન (1926) : મલયાળમ ભાષાની ઉચ્ચકોટિની જાનપદી નવલકથા. લેખક તકષિ શિવશંકર. ‘ચિરામીન’ના ભારતની અને વિદેશની અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે. વિશ્વની ઉત્તમ નવલકથાઓમાં એને સ્થાન મળ્યું છે. એના રશિયન અનુવાદની અનેક આવૃત્તિઓ થઈ છે. એ નવલકથામાં નાવિકોના જીવનનું ચિત્રણ છે. માઝી ચેંપનની પુત્રી કરુ તમ્માના જીવનની આસપાસ પ્રસંગોની ગૂંથણી થઈ છે. એ બીજી ન્યાતના છોકરા પરિકુટ્ટીને ચાહતી હતી. એની ન્યાતના લોકોનો એમાં સખત વિરોધ હતો. પરિકુટ્ટીનાં લગ્ન એની જ્ઞાતિમાં જ કરી દેવામાં આવ્યાં. તોપણ બાલ્યવયના પ્રેમી જોડેનો એનો પ્રેમસંબંધ અતૂટ રહ્યો. અંતમાં બંને એકબીજાને આલિંગન આપીને સમુદ્રમાં ઝંપલાવી મૃત્યુને ભેટે છે. નાવિકોની જીવનચર્યા, આચારવિચાર અને વહેમોનું આબેહૂબ ચિત્રણ એમાં થયેલું છે.

ચન્દ્રકાન્ત મહેતા