ચિન્મયાનંદ

January, 2012

ચિન્મયાનંદ (જ. 8 મે 1916, અર્નાકુલમ્, કેરળ; અ. 3 ઑગસ્ટ, 1993, સાન દિયાગો, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : ભારતીય દર્શનો અને વેદાંતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક. જન્મનામ બાલકૃષ્ણ મેનન. પિતા : વડક્ક કુરુપથ કુટ્ટન મેનન. માતા : પુરુકુટ્ટી (મંકુ). બાલકૃષ્ણ પાંચ વર્ષની વયના હતા ત્યારે માતા ગુજરી જવાથી તેમનો ઉછેર માસીના હાથે થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્નાકુલમમાં લીધું. ત્રિચુરની સેંટ થૉમસ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવી 1939માં મદ્રાસ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1940માં અંગ્રેજી સાહિત્યના અનુસ્નાતક અને કાયદાના સ્નાતક થવા સારુ લખનૌ યુનિવર્સિટીમાં જોડાયા.

1942ના આંદોલન સમયે રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ યુનિવર્સિટીનો ત્યાગ કરનારા વિદ્યાર્થીઓમાં ભવિષ્યના સ્વામી ચિન્મયાનંદ પણ હતા. ભૂગર્ભ પ્રવૃત્તિ અને સક્રિય ભાગીદારી માટે ધરપકડ અને જેલવાસ ભોગવતાં બીમાર પડ્યા અને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેઓ સ્વામી શિવાનંદનાં લખાણો નિયમિત વાંચતા. અગાઉ પત્રકારત્વનો વ્યવસાય પસંદ કરીને જવાહરલાલ નહેરુના ‘નૅશનલ હેરલ્ડ’માં નિયમિત કટાર લખતા હતા.

ચિન્મયાનંદ

જેલમાંથી છૂટીને હૃષીકેશ આવ્યા. હિમાલયના કુદરતી સૌંદર્યથી ખૂબ પ્રભાવિત થયા. સંન્યાસ સ્વીકારવાના પોતાના નિર્ણયની જાણ માતાપિતાને કરી. ભરયુવાન વયે અઢળક સંપત્તિનો મોહ રાખ્યા સિવાય બાલકૃષ્ણે 1943માં શિવરાત્રિના દિવસે સ્વામી શિવાનંદ પાસે દીક્ષા લીધી અને ચિન્મયાનંદ બન્યા. અહીં બે વર્ષ રહ્યા પછી સ્વામી તપોવન મહારાજ પાસે ઉત્તરકાશી ગયા. ત્યાં પોતાના વિદ્યાગુરુ પાસે રહીને ઉપનિષદો અને ધ્યાનયોગનો સાત વર્ષ સુધી અભ્યાસ કર્યો. 1951માં ગંગોત્રી છોડ્યું. સમગ્ર ભારતનો પ્રવાસ કરીને ઉત્તરકાશીની તપોવન કુટીરમાં પાછા ફર્યા. ભારતનાં બધાં મોટાં શહેરોમાં જ્ઞાનયજ્ઞોની યોજના ઘડી. ગીતાના અઢારમા અધ્યાયમાંથી જ્ઞાનયજ્ઞ શબ્દ એમણે ઉપાડેલો. પુણેમાં પહેલો જ્ઞાનયજ્ઞ કર્યો. વાર્તાલાપનો વિષય હતો : ‘આપણે હિંદુ બનીએ’. અધ્યાત્મ-પુનરુત્થાનના ઉદ્દેશથી એમણે 500થી વધુ ગીતા-જ્ઞાનયજ્ઞો કર્યા છે. ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિ કેળવવા 1953માં ચિન્મયાનંદે ‘ચિન્મય મિશન’ની સ્થાપના કરી. વેદાંત-વિજ્ઞાનમાં રસ જાગ્રત કરવાથી માનવ-વર્તન અને વલણને સુધારી શકાય એવો આશય ધરાવતી આ સંસ્થા દેશવિદેશમાં ધર્મ-સંપ્રદાય, નાતજાત કે કોઈ પણ પ્રકારના ભેદ વિના કરોડોને અધ્યાત્મશિક્ષણ, તબીબી, સામાજિક સહાય વગેરે પ્રવૃત્તિઓનો લાભ આપે છે. જ્ઞાન અને ભક્તિની ર્દઢ ભૂમિકા પર કર્મયોગની દિવ્યતા એમણે પ્રતિપાદિત કરી´છે.

આંતરવિકાસ માટે સમાન વિચારસરણી ધરાવનારાઓનો સંયુક્ત પુરુષાર્થ એટલે ગીતા, ઉપનિષદો અને અન્ય વેદાંત ગ્રંથો પર ચિન્મયાનંદનાં પ્રવચનો. ઉપરાંત ધ્યાન, સત્સંગ, ભજન, સમૂહચર્ચા અને અધ્યાત્મશિબિરોનું પણ આયોજન થતું. તેમાં સમૂહજીવન ઉપરાંત સમજદારી કેળવવાની અને સહાય કરવાની તાલીમ મળતી.

સ્વામી તપોવન મહારાજની જન્મશતાબ્દી પ્રસંગે 1989માં ‘ચિન્મય ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન’(CIF)ની સ્થાપના કોચીનમાં થયેલી. તે સંસ્કૃત ગ્રંથોના અભ્યાસ અને સંશોધન ઉપરાંત વિજ્ઞાન અને અધ્યાત્મવિદ્યા વચ્ચે જીવંત સેતુરૂપ બનેલી સંસ્થા છે.

હિંદી અને અંગ્રેજી માધ્યમ દ્વારા સનાતન ધર્મનાં પાયાનાં તત્વોનું શિક્ષણ આપતાં કેન્દ્રોમાં પવઈ (મુંબઈ), સિદ્ધબારી (હિમાલય), પિયર્સ ઍન્ડ સાન હોઝે (કૅલિફૉર્નિયા, યુ.એસ.) મુખ્ય છે. છેલ્લાં પચીસ વર્ષ દરમિયાન ચિન્મય આંતરરાષ્ટ્રીય સંસ્થાનને ઉપક્રમે હજારો સ્વામીઓ, બ્રહ્મચારીઓ અને બ્રહ્મચારિણીઓ દુનિયાના વિવિધ ભાગોમાં કામ કરી રહેલાં છે.

ચિન્મય મિશનની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી કેટલીક નીચે પ્રમાણે છે :

સાંદીપનિ સાધનાલયો : તેમાં ધર્મગ્રંથોના અભ્યાસ પરથી તાલીમી પ્રચારકો તૈયાર કરાય છે. પવઈ(મુંબઈ) ખાતે ‘તારા કલ્ચરલ ટ્રસ્ટ’ મારફત અર્વાચીન ગુરુકુલ જેવી સંસ્થા ચાલે છે. વેદાંતનો અંગ્રેજી માધ્યમમાં 30 માસનો અભ્યાસ કરીને ત્યાં તૈયાર થયેલા બ્રહ્મચારીઓ દેશવિદેશમાં પ્રસરેલા છે.

‘સિદ્ધબારી’ (હિમાચલપ્રદેશ) ‘ચિન્મય તપોવન ટ્રસ્ટ’ ચલાવે છે. હિંદી માધ્યમમાં વેદાંત સાથે તુલસી રામાયણનો પણ અભ્યાસ કરાવાય છે. ઉપરાંત નર્સિંગની તાલીમ પણ અપાય છે.

હરિહર વોકેશનલ સ્કૂલ્સ : ગ્રામવાસીઓને પોતાના હસ્તઉદ્યોગની તાલીમ આપનારાં કેન્દ્રો છે. મફત શિક્ષણ સાથે નૈતિક બોધ અને થોડોક ધાર્મિક અભ્યાસ કરાવાય છે. તેનો ઉદ્દેશ ગ્રામવાસીઓની શહેર ભણી દોટ અટકાવવાનો છે. આવી શાળાઓ ‘ચિન્મયારણ્યમ્’ અને ‘સિદ્ધબારી’માં છે. પ્રાદેશિક ભાષામાં કામ કરતાં આવાં અન્ય કેન્દ્રો બૅંગાલુરુ, કોઈમ્બતૂર, ‘ચિન્મયારણ્યમ્’ અને કસારગોદમાં પણ છે.

ચિન્મયારણ્યમ્ : આ આશ્રમ આંધ્રપ્રદેશના કૂડપ્પ જિલ્લામાં છે. ત્યાં ગ્રામવિકાસની પ્રવૃત્તિ ચાલે છે. ગરીબ અને નિરક્ષરો માટે શાળા અને વેદાંતશિક્ષણની પણ વ્યવસ્થા છે.

આ ઉપરાંત સર્વસુવિધા સાથેની ચિન્મય હૉસ્પિટલ બૅંગાલુરુમાં છે. કોઈમ્બતૂરમાં આવેલા ‘ચિન્મય ગાર્ડન્સ’માં નિવાસ સાથે વેદાંતના શિક્ષણની વ્યવસ્થા છે. રેવા, કાનપુર, ચેન્નાઈ અને કોઈમ્બતૂરમાં વૃદ્ધો માટેના નિવાસો છે. ગુરુ તપોવનના સ્થળ ઉત્તરકાશીમાં આવેલ તપોવન કુટીર વિશ્વના સહુ કોઈ માટે ધ્યાન અને સાધનાનું કેન્દ્ર છે, ‘ચિન્મય યુવા કેન્દ્ર’ (CHYK) 16થી 28ની વયના યુવાનો માટે અભ્યાસ સાથે સમાજને ઉપયોગી થાય તેવી સક્રિય પ્રવૃત્તિ માટેની તક પૂરી પાડે છે. તેનો આશય ક્રિયાશીલ આધ્યાત્મિકતા વડે યુવાશક્તિનો વિકાસ કરવાનો છે. ત્રિચુરમાં આવેલ ‘કલ્યાણમંડપમ્’ લગ્નવિધિ માટેની સંસ્થા છે.

અધ્યાત્મક્ષેત્રમાં બધી વયના લોકોને વિવિધ જૂથ રચીને રસ લેતા કરવામાં અભ્યાસ-વર્તુળો (શ્રવણ પછી મનન) અને પ્રત્યાયનની તાલીમ માટે સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસક્રમ તૈયાર કરાયેલ છે. તેની સાથે ભજન-કીર્તન અને સત્સંગ મંડળોનું પણ આયોજન કરાયેલું છે. વેદાંત અંગેના પ્રારંભિક શિક્ષણની સુવિધા ટપાલ મારફત પણ ઊભી કરવામાં આવી છે. ઘણા વિદેશીઓએ પણ એનો લાભ લીધો છે.

ચિન્મયાનંદે આઠ મુખ્ય ઉપનિષદો અને ભગવદગીતા ઉપર અંગ્રેજીમાં ટીકા લખેલી છે. એમનાં કુલ પ્રકાશનો 101 જેટલાં છે. પ્રાદેશિક ભાષાઓમાં એમના ગ્રંથોના અનુવાદ થયેલા છે. સ્વામીજીનાં પ્રવચનોની ર્દશ્યશ્રાવ્ય કૅસેટો પણ ઉપલબ્ધ છે. ‘તપોવન પ્રસાદ’ એ ચિન્મય પરિવારનું મુખપત્ર છે. દર માસે વિશ્વભરમાંથી મિશનના સમાચાર અને ચિન્મયાનંદજીના સંદેશા તેમાં અપાય છે. અંગ્રેજીમાં લખાયેલા લેખો પણ ઉત્તમ કોટિના હોય છે. તે ચેન્નાઈથી બહાર પડે છે. ‘બાલવિહાર’ બાળકો માટેનું અંગ્રેજી માસિક પણ ચેન્નાઈથી બહાર પડે છે.

ચિન્મય આંદોલન આ રીતે માનવમાત્રને ધર્મમય જીવનની પ્રેરણા આપે છે. એશિયા, ચીન, જાપાન, રશિયા, યુરોપ, મધ્યપૂર્વ, અમેરિકા, કૅનેડા, દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકામાં જીવનનાં અધ્યાત્મ-મૂલ્યોનો પ્રચાર કરવા ચિન્મયાનંદ વિશ્વપ્રવાસી બન્યા હતા. સ્વતંત્ર, સ્વાશ્રયી, શક્તિશાળી, સંસ્કારી, તંદુરસ્ત, સમૃદ્ધ અને જાગ્રત ભારતનું એમનું સ્વપ્ન હતું.

1993ના ઑગસ્ટની 7મીએ વિમાન દ્વારા દિલ્હી લવાયેલ એમના દેહને લાખોએ શ્રદ્ધાંજલિ અર્પી. હિમાચલ પ્રદેશમાં આવેલા સિદ્ધબારી આશ્રમમાં તેમને 9 ઑગસ્ટે વિશ્વભરમાંથી આવેલા ભક્તો, શિષ્યો અને પ્રશંસકોની ઉપસ્થિતિમાં ‘ભૂસમાધિ’ અપાઈ હતી.

ચીનુભાઈ નાયક