ચિત્તો (Hunting leopard) : માંસાહારી (Carnivora) શ્રેણી અને બિડાલ (Felidae) કુળનું શિકારી સસ્તન પ્રાણી. ચિત્તા અને દીપડા (Panthera pardus) વચ્ચે ખૂબ સામ્ય હોવાને કારણે ઘણા લોકો બંને વચ્ચે ભેદ કરવામાં ભૂલથાપ ખાય છે. ચિત્તો મુખ્યત્વે ઘાસિયાં મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે, જ્યારે દીપડો ગાઢ જંગલ અને ક્વચિત્ ઘાસિયા જંગલમાં જોવા મળે છે. (દીપડા માટે જુઓ ‘ગુજરાતી વિશ્વકોશ ખંડ 9’) ચિત્તો કદમાં દીપડા કરતાં નાનો – 1 મીટર ઊંચો, અને પૂંછડી સાથે લંબાઈ 1.5 મીટર અને વજન 45 કિગ્રા. ધરાવે છે. (સામાન્ય દીપડો 70 સેમી. ઊંચો, 2.5 મીટર લાંબો અને વજન 45થી 75 કિગ્રા. ધરાવે છે.) ચિત્તાના પગ લાંબા, કમર પાતળી, માથું કૂતરા જેવું અને તેની પીળાશ પડતી ચામડી ઉપર કાળાં ટપકાં હોય છે. (દીપડામાં ચામડી ઉપર કાળાં ધાબાં જૂથમાં હોય છે.) બિલાડી કુળનાં પ્રાણીઓ(વાઘ, સિંહ, દીપડા વગેરે)ના પગના નહોર ચાલતી વખતે આવરણ નીચે અંદર તરફ ખેંચી લઈ શકાય તેવા (retractable) હોય છે. ચિત્તાના પગના નહોર કૂતરાના નહોરની માફક બહાર હોય છે (non-retractable). આમ ચિત્તામાં બિલાડી કુળ અને શ્વાનકુળનાં
લક્ષણોનું મિશ્રણ જોવા મળે છે, માટે તેને ફેલિકસ પ્રજાતિમાંથી જુદો પાડી અલગ પ્રજાતિમાં મૂકવામાં આવ્યો છે. તેનું વૈજ્ઞાનિક નામ એસિનૉનિક્સ જુબેટસ (Acynonix jubatus) છે.
ચિત્તો મોટે ભાગે અલગ રહેવાનું પસંદ કરે છે. તેની ખાસ વિશિષ્ટતા તેની દોડવાની ઝડપમાં છે. જમીન ઉપરનાં સસ્તન પ્રાણીઓમાં તે સૌથી ઝડપથી દોડનારું શિકારી પ્રાણી છે. તેની દોડવાની ઝડપ કલાકે 110 કિમી. જેટલી નોંધાઈ છે; જોકે તે સળંગ થોડાંક મીટરના અંતર સુધી જ આ ગતિ ટકાવી શકે છે. આ કારણથી તે પ્રથમ શિકારને છુપાઈને લક્ષ્ય કરે છે, અને અમુક અંતરમાં શિકાર આવતાં જ ઝડપથી તેને પકડી પાડે છે. ચિત્તો મોટા ભાગે દિવસે શિકાર કરે છે. આફ્રિકાનાં જંગલોમાં ક્યારેક નાનાં ટોળાંમાં શિકાર કરે છે. નાનાં હરણાં, સસલાં જેવાં પ્રાણીઓનો પીછો કરી તેમનો શિકાર કરે છે. ક્યારેક તેણે કરેલો શિકાર સિંહ, દીપડા કે જરખ પડાવી પણ લે છે. ઝિમ્બાબ્વે(આફ્રિકાનો)નો ચિત્તો કિંગ ચિત્તા(A. rex)થી ઓળખાય છે. એક જમાનામાં ચિત્તા આફ્રિકાના ઘાસિયા પ્રદેશોમાં, મધ્ય અને દક્ષિણ એશિયા તથા ભારતમાં પણ જોવા મળતા હતા. હાલમાં ચિત્તા માત્ર મધ્ય અને પૂર્વ આફ્રિકા તથા ઈરાનમાં જોવા મળે છે. 1904માં ભારતમાં ઝારખંડમાં ચિત્તાનો શિકાર કર્યાનો ઉલ્લેખ મળી આવે છે. આફ્રિકામાં 12,000 અને ઈરાનમાં 60 ચિત્તા છે.
માદા ચિત્તા ત્રણ માસ ગર્ભાવસ્થા ધારણ કરી 2-4 બચ્ચાંને જન્મ આપે છે. તેનાં મોટા ભાગનાં બચ્ચાં જરખ, દીપડા કે સિંહનો ભોગ બને છે. જે બચે છે, તે માતા પાસે 15 માસ સુધી સાથે રહે છે. ઘાસિયાં મેદાનો ખેતીની જમીનમાં બદલાઈ જતાં તેમનું અસ્તિત્વ હવે જોખમમાં છે. ભારતમાં, ભાવનગર જેવાં રાજ્યોમાં રાજવીઓ, કાળિયારના શિકાર માટે ચિત્તા પાળતા હતા. હવે ભારતમાં ચિત્તા લુપ્ત થયા છે.
દિલીપ શુક્લ
રા. ય. ગુપ્તે