ચિત્રક : આયુર્વેદની વનસ્પતિ. સં. अनल; હિં. चीता, चित्रक. તેની બે જાતો થાય છે. સફેદ અં. વ્હાઇટ લૅડ વર્ટ; લૅ. સિલોન લૅડ વર્ટ, પીળાને લૅ. પ્લમ્બેગો રોઝિયા કહે છે. પીળા રાતા ચિત્રકને અં. રોઝ કલર્ડ લૅડ વર્ટ પણ કહે છે. ચિત્રક પાચક, તીખો, કડવો, ગરમ, રુચિકર, રસાયન, પિત્તસારક, કૃમિઘ્ન, રક્તપિત્તપ્રકોપક, શોથહર, મૂત્રલ, કફઘ્ન, કંઠ્ય, તીવ્ર ગર્ભાશયસંકોચક, પરસેવો પેદા કરનાર, ત્વચા- રોગનાશક, તાવ મટાડનાર તથા વાયુનાં દર્દો, નાડી નબળાઈ, અજીર્ણ, ઉદરશૂળ, ગ્રહણી, જૂની શરદી, ઉધરસ, રજોરોધ, મેદ, સંધિવા જેવા રોગો મટાડે છે. તે ભૂખ લગાડનાર, તૃપ્તિ હરનાર, શૂળ મટાડનાર, દોષોનું ભેદન કરનાર, હરસ મટાડનાર તથા ખોરાકનું પાચન કરનાર છે. તે ખૂબ ગરમ હોઈ ગર્ભપાતક છે. તે થોડી માત્રામાં પાચનક્રિયા સુધારનાર, રક્તાભિસરણ વધારનાર તથા યકૃતને ઉત્તેજનાર છે. મોટી માત્રામાં તે દાહ પેદા કરનાર, સંજ્ઞાનાશક, મોળ પેદા કરનાર, વમન કરાવનાર, ઝાડો લાવનાર, પેશાબ ઓછો લાવનાર તથા સ્ત્રીને રક્તસ્રાવ કે ગર્ભપાત કરનાર છે. તેમાંથી બનતી ‘ચિત્રકાદિ વટી’ આયુર્વેદની ઉત્તમ ક્ષુધાવર્ધક તથા પાચનકર્તા દવા છે.

 બળદેવપ્રસાદ પનારા