ચિત્તૂર : આંધ્રપ્રદેશના 23 જિલ્લાઓ પૈકીનો દક્ષિણ તરફ આવેલો જિલ્લો અને જિલ્લામથક. આ જિલ્લો રાયલસીમા વિભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : 13° 12’ ઉ. અ. અને 79° 07’ પૂ. રે.. તે દક્ષિણ રેલવેના બૅંગાલુરુ-ચેન્નાઈ રેલવેના કાટવાડી-રાણીગુંટા લાઇન ઉપરના કાટવાડીથી ઉત્તરે 29 કિમી. અને સડક માર્ગે ચેન્નાઈથી તે 161 કિમી. દૂર છે. જિલ્લાનું ક્ષેત્રફળ 15,152 ચોકિમી. છે અને 2011માં તેની વસ્તી 41,70,468 હતી.

આ જિલ્લો ભારતના પૂર્વ કિનારાના સાંકડા મેદાનમાં આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કડાપ્પા જિલ્લો, પૂર્વ અને ઈશાન ખૂણે નેલોર જિલ્લો, દક્ષિણે તામિલનાડુના આર્કટ અને ચિંગલપટ્ટુ જિલ્લાઓ અને પશ્ચિમે કર્ણાટક રાજ્યનો કોલર જિલ્લો તથા વાયવ્યે અનંતપુર જિલ્લો આવેલા છે.

આ જિલ્લામાં ચોમાસા ઉપરાંત શિયાળામાં પણ વરસાદ પડે છે. ડાંગર, તેલીબિયાં, તમાકુ, શેરડી, કપાસ વગેરે મુખ્ય પાક છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. મોટા ભાગની વસ્તી ગામડાંમાં વસે છે.

ચિત્તૂર પોઈની નદીના ખીણપ્રદેશમાં 300 મી.ની ઊંચાઈએ વસેલું છે. આ શહેર ખેતીના પાકોનું મુખ્ય બજાર અને વાહનવ્યવહારનું કેન્દ્ર છે. અહીં ડાંગર છડવાની તથા તેલની મિલો ઉપરાંત ખાંડ, ઔદ્યોગિક આલ્કોહૉલ, દીવાસળી, સ્લેટ, સીવવાના દોરા, ટાયરદુરસ્તી, ટ્રક અને બસ બાંધવાનાં કારખાનાં છે. ચંદન અને રક્તચંદનના લાકડાની વસ્તુઓ બનાવવાના અને હાથસાળ ઉપર કાપડ વણવાના ગૃહ-ઉદ્યોગો છે.

શિવપ્રસાદ રાજગોર