ચિત્તાલ, યશંવત વિઠોબા

January, 2012

ચિત્તાલ, યશંવત વિઠોબા (જ. 3 ઑગસ્ટ 1928, હાનેહળ્ળી, કર્ણાટક; અ. 22 માર્ચ 2014, મુંબઇ) : કન્નડ ભાષાના જાણીતા સાહિત્યકાર. કર્ણાટક રાજ્યના ગોકર્ણ તીર્થક્ષેત્રની ઉત્તરે આવેલા હાનેહળ્ળીના વતની. માતૃભાષા કોંકણી. શરૂઆતનું શિક્ષણ ધારવાડ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈ તથા અમેરિકામાં ન્યૂ જર્સીની સ્ટિવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે લીધું. વ્યવસાયે કેમિકલ એન્જિનિયર. પૉલિમર સાયન્સમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કર્યા પછી મુંબઈની અગ્રણી રસાયણ કંપનીમાં જોડાયા અને ત્યાંથી 1985માં નિવૃત્ત થયા.

1946માં ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ આવ્યા પછી વ્યવસાય અને સાહિત્યસર્જન માટે તેને જ તેમણે કર્મભૂમિ બનાવી. મોટા ભાઈ ગંગાધર ચિત્તાલ કન્નડ ભાષાના સારા કવિ હતા. યશવંતને સાહિત્યસર્જનની પ્રેરણા તેમની પાસેથી મળી. 1940–41ના અરસામાં મોટા ભાઈના મોઢેથી વિખ્યાત કન્નડ સાહિત્યસર્જક માસ્તી વ્યંકટેશ અય્યંગરે લખેલી વાર્તા સાંભળી અને ત્યારથી યશવંતમાં સાહિત્ય પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ. તેમની પ્રથમ વાર્તા ‘જનસેવક’ સામયિકમાં પ્રકાશિત થઈ (1949). તે પછી તેમની ઘણી વાર્તાઓ માસ્તી વ્યંકટેશ અય્યંગર દ્વારા સંપાદિત ‘જીવન’ સામયિકમાં પ્રકાશિત થઈ. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘સંદર્શન’ 1957માં પ્રકાશિત થયો. તેમના સાત વાર્તાસંગ્રહો, પાંચ નવલકથાઓ અને એક નિબંધસંગ્રહ પ્રકાશિત થયા છે. તેમના વાર્તાસંગ્રહોમાં ‘સંદર્શન’ ઉપરાંત ‘આબોલીન’ (1960), ‘આર’ (1969), ‘કથેવદાલુ હુડુગો’ (1980), ‘બેન્યા’ (1983) અને ‘સમગ્રકથેગલુ’ (1988) તથા તેમની નવલકથાઓમાં ‘મૂરુદારિગલુ’ (1964), ‘શિકારી’ (1979), ‘છેદ’ (1985), ‘પુરુષોત્તમ’ (1990) અને ‘કેન્દ્રવૃત્તાંત’(1994)નો સમાવેશ થાય છે. તેમની તેર વાર્તાઓનું અંગ્રેજીમાં ભાષાંતર થયું છે ને તેનો એક સંગ્રહ ‘ધ બૉય હુ ટૉક્ડ ટુ ધ ટ્રીઝ ઍન્ડ અધર સ્ટોરીઝ’ શીર્ષક હેઠળ પેન્ગ્વિન દ્વારા 1994માં પ્રકાશિત થયો છે.

યશવંત વિઠોબા ચિત્તાલ

તેમની બે નવલકથાઓ ‘શિકારી’ અને ‘પુરુષોત્તમ’ને તથા તેમના વાર્તાસંગ્રહ ‘કથેવદાલુ હુડુગો’ને કર્ણાટક સાહિત્ય અકાદમી દ્વારા અને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 1982માં પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે.

મહારાષ્ટ્ર રાજ્ય તથા કર્ણાટક રાજ્ય બંને દ્વારા તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તથા તેમને માસ્તી વ્યંકટેશ અય્યંગર પ્રશસ્તિ પુરસ્કાર (1993) પણ એનાયત કરવામાં આવ્યો છે. તેમની વાર્તા ‘આબોલીન’ તથા નવલકથા ‘મૂરુદારિગલુ’ પરથી કન્નડ ભાષામાં ચલચિત્રો પણ તૈયાર થયેલ છે.

પ્લાસ્ટિક તથા પૉલિયેસ્ટર અંગે તેમનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિક વિષયના તે નિષ્ણાત છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે