ચિત્તરંજન : પશ્ચિમ બંગાળના બરદ્વાન જિલ્લામાં આવેલું રેલવે એન્જિનો બનાવતા જાહેર ક્ષેત્રના કારખાનાનું મથક. તે કોલકાતાની વાયવ્ય દિશામાં આશરે 230 કિમી. અંતરે વસેલું છે અને પશ્ચિમ બંગાળના ઔદ્યોગિક નગર દુર્ગાપુરથી આશરે 40 કિમી. અંતરે છે. ભૌગોલિક સ્થાન : 23° 52’ ઉ. અ. અને 86° 52’ પૂ. રે.. તેની ઉત્તરમાં સંથાલ પરગણું તથા અજય નદી છે અને દક્ષિણે દામોદર તથા ચરાકર નદીઓ છે. ઓગણીસમી સદીના અંત સુધી તેની આસપાસના પ્રદેશમાં ગીચ જંગલ હતું; પરંતુ તે પછી તે વિસ્તારની ઘણી જમીન ખેતી હેઠળ આવરી લેવામાં આવી. તેના પૂર્વ તરફના ઢાળવાળા વિસ્તારમાં સારી જાતનું લાકડું મળે છે. આસપાસના વિસ્તારમાં લોખંડ અને કોલસાની ખાણો છે જેનો ઉપયોગ ત્યાંનાં કારખાનાં માટે થાય છે. રેલવે એન્જિનોનાં કારખાનાં માટે જ તે વસાવવામાં આવ્યું છે અને બંગાળના અગ્રણી નેતા ચિત્તરંજન દાસની કાયમી સ્મૃતિ રૂપે નગરનું નામ ચિત્તરંજન પાડવામાં આવ્યું છે  શહેરની વસ્તી : 53 હજાર જેટલી (2024) છે.

નવા નગર તરીકે તે વસાવવામાં આવેલું હોવાથી યોજનાબદ્ધ રીતે તેનો વિકાસ કરવામાં આવ્યો છે. નગરમાં શિક્ષણસંસ્થાઓ, સાંસ્કૃતિક કેન્દ્રો, ઉદ્યાનો, હૉસ્પિટલો, નગરગૃહ, વિશ્રામગૃહો, નાટ્ય તથા ચલચિત્રગૃહો વગેરેનો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે