ચિકમગલુર : કર્ણાટક રાજ્યના 30 જિલ્લા પૈકીનો એક અને જિલ્લામથક. આ જિલ્લાની પૂર્વ દિશાએ તુમકુર, પશ્ચિમ દિશાએ ઉડુપી, ઉત્તરમાં શિમોગા અને દક્ષિણે હસન અને દક્ષિણ કન્નડ જિલ્લા છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 7201 ચોકિમી. છે.

સમગ્ર જિલ્લો દક્ષિણ ઉચ્ચપ્રદેશનો ભાગ છે અને પ્રાચીન ભૂસ્તરીય કાળના ખડકો ધરાવે છે. તેની સરાસરી ઊંચાઈ 1000 મી. જેટલી છે. જૂના ખડકોમાંથી લોખંડ, મૅંગેનીઝ, ક્રૉમાઇટ જેવાં ખનિજો તેમજ ગ્રૅનાઇટ વગેરે મળે છે.

આ જિલ્લો 13° 19’ ઉ. અ. અને 75° 47’ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આમ આ જિલ્લો ઉષ્ણ કટિબંધમાં આવ્યો છે પણ ઉચ્ચપ્રદેશને કારણે ઉનાળો આકરો નથી. સરાસરી ગુરુતમ અને લઘુતમ તાપમાન ચિત્રદુર્ગ પ્રમાણે 28.7° અને 20° સે. છે. આ જિલ્લો વર્ષા છાયામાં આવેલો છે. તેથી અહીં 700 મિમી. આસપાસ વરસાદ પડે છે. સૂકાં પાનખર વૃક્ષો તથા બાવળ મુખ્ય વનસ્પતિ છે.

આ જિલ્લામાં કુન્દ્રેમુખની લોખંડની ખાણ આવેલી છે. કાચા લોખંડની પેલેટ બનાવીને ઈરાન અને પૂર્વ યુરોપના દેશોમાં મેંગલોર અને કુંડુપુર બંદરો મારફત તેની નિકાસ થાય છે.

જમીન લાલ અને ફળદ્રુપ છે. રાગી, જુવાર અને કપાસ તથા તેલીબિયાં મુખ્ય પાક છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે.

2011માં આ જિલ્લાની વસ્તી 11,37,753 હતી. રાજ્યની કુલ વસ્તીના 4.4% જેટલી તે છે. મોટા ભાગના લોકો ગ્રામવિસ્તારમાં વસે છે. રસ્તા દ્વારા તુમકુર, ચિત્રદુર્ગ, શિમોગા વગેરે સાથે તે જોડાયેલું છે જ્યારે બૅંગાલુરુ-તુમકુર-ચિત્રદુર્ગ મીટર ગેજ રેલવે ચિકમગલુર નજીકથી પસાર થાય છે.

શિવપ્રસાદ રાજગોર