ચિક એમ્બ્રીઓ (chick embryo)

January, 2012

ચિક એમ્બ્રીઓ (chick embryo) : મનુષ્ય કે અન્ય પ્રાણીઓના વિષાણુના સંવર્ધન માટે વપરાતું એક અગત્યનું માધ્યમ. આ પદ્ધતિમાં મરઘીના ફલિતાંડનું 5થી 12 દિવસ સુધી સેવન કરી તેની અંદર વિષાણુ ધરાવતા પ્રવાહીને સિરિંજ દ્વારા દાખલ કરવામાં આવે છે. વિકાસ પામતા આ ગર્ભને 36° સે. તાપમાને સેવન માટે મૂકવામાં આવે છે. સેવન દરમિયાન ગર્ભમાં આવેલ ગર્ભબાહ્ય પડો અને વિવિધ કોથળીઓમાં કે ગુહામાં આ વિષાણુઓ વૃદ્ધિ પામે છે. વિષાણુઓની વૃદ્ધિને પરિણામે ગ્રાહ્ય ગર્ભપડો છિદ્રિત બને છે અને ગર્ભની અંદર જ્યાંત્યાં છાંટા જોવા મળે છે અથવા સફેદ છાંટ જેવું દેખાય છે.

ચિક એમ્બ્રીઓ

આ પદ્ધતિ વડે મેળવેલ શુદ્ધ સંવર્ધન પામેલ વિષાણુઓનો ઉપયોગ રુધિરને લગતી કસોટી, વિષાણુઓના અનુમાપન તેમજ રસી બનાવવા માટે થાય છે.

પ્રમોદ રતિલાલ શાહ