ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર : અમદાવાદની પૂર્વે આવેલા સરસપુરમાં મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં શેઠ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું જૈનમંદિર. આ મંદિર કાલાંતરે નામશેષ થઈ ગયું છે. પણ તે વિશે ઈ. સ. 1638માં જર્મન પ્રવાસી મેન્ડેલ્સ્લોએ કરેલી નોંધ મહત્વની છે. તે લખે છે કે આ વિસ્તારમાં સર્વોત્તમ બાંધકામો પૈકીના એક એવા આ મંદિરના બંધાવનાર શેઠ શાંતિદાસ ઝવેરી હજી હયાત છે. તેમણે બંધાવેલું આ મંદિર એકદમ નવું જ છે. આ મંદિર પાષાણના પ્રાકારથી ઘેરાયેલા મોટા ચૉકની વચ્ચે આવેલું હતું. પ્રાકારની અંદર દીવાલોને અડીને ચારે બાજુ ભમતીની રચના હતી, જેમાં બાવન દેવકુલિકાઓની સ્થાપના કરવામાં આવી હતી. પ્રત્યેક દેવકુલિકામાં તીર્થંકર ભગવાનની સફેદ કે શ્યામ આરસમાં કંડારેલી પ્રતિમા હતી. એ બધી પ્રતિમાઓ નિર્વસ્ત્ર અને પદ્માસનમાં બેઠેલી હતી. મંદિરના પ્રવેશસ્થાને કાળા આરસના જીવન-કદના બે હાથી ર્દષ્ટિગોચર થતા હતા. જેમાંના એક પર શેઠ શાંતિદાસની પ્રતિમા હતી. મંદિરના ગર્ભગૃહ સાથે છ મંડપો જોડાયેલા હતા. મંદિરની દીવાલો મનુષ્યો અને પ્રાણીઓનાં શિલ્પોથી સજાવેલી હતી. મંદિરની પાછલી બાજુએ ત્રણ દેવાલયો હતાં, જેના ગભારાઓને લાકડાની વંડીઓ વડે એકબીજાથી અલગ પાડવામાં આવ્યા હતા. આ મંદિરને લગતી 86 શ્લોકોમાં રચેલી પ્રશસ્તિ શિલાલેખરૂપે જડેલી હતી, જેમાં એ મંદિર શાંતિદાસ શેઠે અમદાવાદ પાસે બીબીપુરમાં બંધાવ્યાનું લખ્યું છે. મંદિર બંધાવ્યાનો પ્રારંભ સં. 1678(ઈ. સ. 1622)માં થયેલો અને પ્રતિષ્ઠા સં. 1682(ઈ. સ. 1626)માં થયેલી. ઔરંગઝેબે ઈ. સ. 1644માં આ મંદિર તોડાવી ત્યાં મસ્જિદ કરાવી હતી. આ મંદિરના ભોંયરામાં શેઠ શાંતિદાસે છાનીમાની દાટી દીધેલી પ્રતિમાઓને તેમના વંશજોએ ઈ. સ. 1743માં બહાર કઢાવી તત્કાલીન બાદશાહની મંજૂરીથી તેને અમદાવાદમાં ખસેડી હતી.
પ્રવીણચંદ્ર પરીખ