ચાલ્ફી, માર્ટિન (Chalfie, Martin) (જ. 15 જાન્યુઆરી 1947, શિકાગો, યુ.એસ.) : અમેરિકન જૈવવૈજ્ઞાનિક અને 2008ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ચાલ્ફીએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ચેતાજીવવિજ્ઞાન(neurobiology)માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. હાલ તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં જૈવિક વિજ્ઞાનો(biological sciences)ના પ્રાધ્યાપક છે.
ચેતાજીવવિજ્ઞાન એ ચાલ્ફીના સંશોધનનું મુખ્ય ક્ષેત્ર છે. તેમની પ્રયોગશાળામાં ચેતાકોષ(nerve cell)ના વિકાસ અને કાર્યનાં વિવિધ પાસાંઓના અભ્યાસ માટે સૂત્રકૃમિ C. એલિગન્સ(nematode C. elegans)નો ઉપયોગ કરવામાં આવે છે. C. એલિગન્સની વિકાસકીય દૈહિક (anatomical), જનીનીય (genetic) અને આણ્વિક માહિતી આ અભ્યાસ માટે એક શક્તિશાળી અને બહુમુખી અભિગમ પૂરો પાડે છે. 1984માં તેમણે LMB ખાતે જે સંશોધન કરેલું તેના ફળ-સ્વરૂપે 1985માં તેમણે જ્હૉન સુલ્સ્ટન (John Sulston) અને સિડની બ્રેનર (Sydney Brenner) સાથે ‘ધ ન્યૂરલ સર્કિટ ફૉર ટચ-સેન્સિટિવિટી ઇન C. એલિગન્સ’ નામક લેખ પ્રસિદ્ધ કર્યો. જોકે તેઓ લીલા પ્રસ્ફુરક પ્રોટીન (GFP) પરના સંશોધન માટે વધુ જાણીતા છે. આ નોંધપાત્ર તેજસ્વી ચળકતું પ્રોટીન 1962માં સૌપ્રથમ જેલીમત્સ્ય (jelley-fish) ઇક્વોરિયા વિક્ટોરિયા(Aequorea victoria)માં જોવા મળ્યું હતું. જાપાની વૈજ્ઞાનિક શિમોમુરાએ તેને અલગ પાડેલું. ચાલ્ફીએ આ શોધને આગળ ધપાવતાં દર્શાવ્યું કે GFP જૈવિક ઘટનાઓ માટે જનીનીય નિદર્શિકા (ટૅગ, tag) તરીકે કામ આપી શકે છે. ભૂરા અને પારજાંબલી પ્રકાશ હેઠળ જેલી-મત્સ્યના પ્રોટીનનો પ્રબળ લીલો રંગ દેખા દે છે. તે સંશોધકોને કૅન્સરના કોષોને પ્રદીપ્ત કરવાની તેમજ મગજના અલ્ઝાઇમરના રોગના વિકાસ અથવા હાનિકારક જીવાણુઓના વર્ધનને દર્શાવવાની સગવડ કરી આપે છે.
ચાલ્ફીએ 200 કરતાં વધુ સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા છે. લીલા પ્રસ્ફુરક પ્રોટીન(GFP)ની શોધ અને વિકાસ માટે 2008ના વર્ષનો રસાયણવિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર માર્ટિન ચાલ્ફી, ઓસામુ શિમોમુરા અને રોજર ત્સિયનને સંયુક્તપણે એનાયત કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રહલાદ બે. પટેલ