ચાર્લ્સ પહેલો (જ. 19 નવેમ્બર 1600, ફાઈક્શાયર, ડનફર્મલાઇન સ્કૉટલેન્ડ; અ. 30 જાન્યુઆરી 1649, લંડન) : ગ્રેટ બ્રિટનનો રાજા. રાજાના દૈવી હકમાં માનતો ગ્રેટબ્રિટન અને આયલૅન્ડનો સ્ટુઅર્ટ વંશનો રાજવી (1625–1649). તે સ્કૉટલેન્ડના જેમ્સ છઠ્ઠાનો બીજો પુત્ર હતો. મોટા ભાઈના મૃત્યુ પછી તે 1616માં ‘પ્રિન્સ ઑવ્ વેલ્સ’ એટલે કે યુવરાજ થયો. સ્પેનના રાજાની બહેનને પરણવામાં નિષ્ફળ જતાં તેનાં લગ્ન ફ્રાન્સના રાજાની બહેન હેનરિએટા મારીઆ સાથે થયાં. તે 1625માં રાજા બન્યો. સ્પેન તથા પાછળથી ફ્રાન્સ સાથેના યુદ્ધમાં હાર મળતાં ચાર્લ્સે લડાઈ ચાલુ રાખવા પાર્લમેન્ટ પાસે વધુ નાણાંની માગણી કરી પણ પાર્લમેન્ટે રાજાની માગણી નકારી. આથી પાર્લમેન્ટને રાજાએ બરખાસ્ત કરી. 1626 પછી 1628માં ફરી નાણાંની જરૂર પડતાં પાર્લમેન્ટને બોલાવાઈ. પાર્લમેન્ટે નાણાં મંજૂર કરવાને બદલે રાજા સામે ફરિયાદો કરી. ધર્માંધ પ્યૂરિટનના હાથે ડ્યૂક ઑવ્ બકિંગહામનું ખૂન થતાં ચાર્લ્સના જીવનનો રાહ બદલાઈ ગયો.

બકિંગહામના મૃત્યુ માટે પાર્લમેન્ટ ઉપરના હુમલાને જવાબદાર ગણી તેણે પાર્લમેન્ટને બોલાવ્યા વિના 1629થી 1640 સુધી 11 વરસ રાજ કર્યું. શંકાસ્પદ સાધનો દ્વારા નાણાં એકઠાં કર્યાં. ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડમાંથી પ્યૂરિટનોની વગ દૂર કરવા તેણે પ્રયત્ન કર્યો. કૅન્ટરબરીના બિશપ વિલિયમ લૉર્ડે સુધારા લાદવા જતાં રાજા સામે લોકોનો તિરસ્કાર વધ્યો. સ્કૉટલૅન્ડના ચર્ચમાં ઇંગ્લૅન્ડના ચર્ચ જેવા સુધારા કરવા પ્રયત્ન કર્યો ત્યારે ત્યાંના લોકોએ બળવો કર્યો. બળવો દાબી દેવા રાજાએ નાણાં મેળવવા 1640માં ટૂંકી મુદત માટે પાર્લમેન્ટ બોલાવી; પરંતુ પાર્લમેન્ટે રાજા વિરુદ્ધ ફરિયાદો કરતાં તેનું વિસર્જન કરાયું. ફરી નાણાં મેળવવા ‘લાંબી પાર્લમેન્ટ’ બોલાવતાં રાજાની થોડી માગણીઓ મંજૂર રખાઈ. રાજા માત્ર બંધારણીય રાજા બની રહે અને આપખુદ ન બને તેમ પાર્લમેન્ટ ઇચ્છતી હતી. આ પછી રાજા વિરુદ્ધ 22 ઑગસ્ટ 1642માં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો અને 1648માં તેની અંતિમ હાર થઈ. તેની ઉપર રાજદ્રોહનો આરોપ મુકાયો અને 30 જાન્યુઆરી 1649ના રોજ તેનો શિરચ્છેદ કરાયો.

પદભ્રષ્ટ ચાર્લ્સનો શિરચ્છેદ ઇંગ્લૅન્ડના ઇતિહાસની મહત્વની ઘટના છે. રાજાનો દૈવી હક નષ્ટ થયો તે સાથે તેની આપખુદશાહીનો પણ અંત આવ્યો. પાર્લમેન્ટની મંજૂરી સિવાય રાજા ખર્ચ કરી શકે નહિ તે વાત પુરવાર થતાં લોકશાહીની દિશામાં ચોક્કસ પગલું ભરાયું. રાજા બંધારણીય વડો છે અને પાર્લમેન્ટને અધીન રહીને મર્યાદિત સત્તા ધરાવે છે તે હવે સ્વીકારાયું. ઇંગ્લૅન્ડના બંધારણીય ઇતિહાસમાં ચાર્લ્સ પહેલાના વધ પછી નવું પ્રકરણ શરૂ થયું.

ચાર્લ્સના વધ પછી ઇંગ્લૅન્ડમાં ઑલિવર ક્રૉમવેલની નેતાગીરી નીચે પ્રજાસત્તાક રાજ્યનો ટૂંકો પણ મહત્ત્વનો પ્રયોગ થયો.

શિવપ્રસાદ રાજગોર