ચાર મિનાર, હૈદરાબાદ : 1591માં બંધાયેલ કુતુબશાહી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો. ચતુર્મુખી દરવાજાના રૂપમાં બંધાયેલ આ ઇમારતના ચાર ખૂણા પર આવેલા ભવ્ય મિનારાને કારણે તે ચાર મિનાર તરીકે પ્રસિદ્ધ છે. વિશાળ ઘેરાવાને કારણે ભવ્ય દેખાતી આ ઇમારતનું સ્થાપત્ય અપ્રતિમ છે. લગભગ 30 મી.ની બાજુઓ તથા 56 મી. ઊંચા મિનારાને કારણે તે કુતુબશાહી ઇમારતોમાં સૌથી અગત્યની ગણાય છે. ચારે બાજુએ રચવામાં આવેલી કમાનો 10 મી.નો દરવાજો રચે છે, જેના પર બે માળ બાંધેલા છે; માપપ્રમાણની ર્દષ્ટિએ નીચેના માળ ઊંચા અને તેથી ઓછી ઊંચાઈના, તેની ઉપર અને સૌથી ઉપર અગાશીની ફરતે કમાનોવાળી દીવાલ – તે રીતે રચાયેલ છે. દરેક મિનારા પર પણ ત્રણ સ્તરે ફરતા ઝરૂખાની રચના કરાયેલ છે અને સૌથી ઉપર ગુંબજાકાર ઘુમ્મટવાળું છાપરું છે. સ્થાપત્યના આયોજનની ર્દષ્ટિએ આ અત્યંત ઘાટીલી અને વિશાળ રચના અજોડ છાપ ઊભી કરે છે. કુતુબશાહી અથવા તત્કાલીન ઇસ્લામી સ્થાપત્યમાં ક્યાંય આની જોડ ઉપલબ્ધ નથી. કુતુબશાહી સ્થાપત્યમાં પણ મસ્જિદ અથવા બીજા સ્થાપત્યના નમૂના કરતાં શહેરી જીવનને ઉત્કૃષ્ટ બનાવનાર સ્થાપત્યોમાં આ અનોખો નમૂનો છે.

ચાર મિનાર, હૈદરાબાદ

રવીન્દ્ર વસાવડા