ચારણી સાહિત્ય : ગુજરાત-સૌરાષ્ટ્રમાં વસતા ચારણોએ સાહિત્યક્ષેત્રે કરેલું પ્રદાન. ચારણ શબ્દનો અર્થ કીર્તિ ફેલાવનાર એવો થાય છે. આ કોમનું વર્ણન રામાયણ અને મહાભારતમાં મળે છે. તે પોતાની ઉત્પત્તિ દેવતાઓથી થયાનો દાવો કરે છે અને પોતાને દેવીપુત્રો તરીકે ઓળખાવે છે.

ચારણકુલો મધ્ય એશિયામાંથી સ્થળાંતર કરીને હિમાલયની પર્વતમાળામાં આવી વસેલાં. ત્યાંથી કાળક્રમે તેમણે રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોમાં સ્થાયી વસવાટ કર્યો. ભિન્ન ભિન્ન પ્રદેશની બોલીઓના સંપર્કને લીધે ચારણોએ સાહિત્યમાં જે ભાષા પ્રયોજી તેને ડિંગળી નામે ઓળખાવાય છે. ચારણોએ ઘડી કાઢેલી હોવાથી તેને કૃત્રિમ ભાષા પણ કહે છે. તેમાં સંયુક્ત વર્ણોનું પ્રાચુર્ય અને વર્ણોનું સાનુનાસિકત્વ વિશેષ છે. આ વિશિષ્ટ કાવ્યભાષાનું મૂળ ઉત્તરકાલીન અપભ્રંશ અને જૂની પશ્ચિમ રાજસ્થાનીમાં છે.

દેવદેવીઓનાં સ્તવનો, ભક્તિપદો, સંતો અને વીરોની પ્રશસ્તિઓ, યુદ્ધવર્ણનો અને શૌર્યગીતો, પ્રબંધો અને મરસિયા, બોધાત્મક પદો અને સુભાષિતો, દુષ્કાળ, રેલ કે ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ વગેરે અનેક વિષયોને આવરી લેતું ચારણી સાહિત્ય કંઠસ્થ અને હસ્તલિખિત સ્વરૂપે ઉપલબ્ધ છે.

ચારણી સાહિત્યનાં મૂળ ગાહા (ગાથા) કાળ સુધી પહોંચતાં જણાય છે. દુહાબંધનો પ્રારંભ નહોતો થયો ત્યારે માનવહૃદયની ઊર્મિઓ ગાહાબંધમાં નિરૂપિત થયેલી છે. ગાથાનાં મુક્તકોમાંનાં કેટલાંક દુહાબંધમાં પરિવર્તિત થયાં હોય તેમ નીચેનાં ઉદાહરણો પરથી માનવાનું કારણ છે :

પઉર જુવાણો ગામો, મહુ માસો જોઅણ પઈ ઠેરો;

જુણ્ણ સુરા સાહિણા, અસઈ હોઈ કિ મરઉ.

(ગામમાં જુવાનો ઘણા છે. માસ પણ વસંતનો છે. કાયા યૌવનપૂર્ણ છે. જૂનો શરાબ પાસે છે, પતિ વૃદ્ધ છે. તે સ્ત્રી હવે કાં અસતી થાય કાં મરે.)

આ જ ભાવ ચારણી સાહિત્યની ‘સદેવંત સાવળિંગા’ની વાતમાં જોવા મળે છે.

જે વન સૂડા સાટકે, ત્યાં ક્યું કર પાકે બીલ;

પાડોશી રસિયો વસે, કે ક્યું કર પાળે શીલ.

(જે વનમાં સૂડા કોલાહલ મચાવતા હોય તે વનમાં બીલીફળ કઈ રીતે પાકે ? પડોશમાં રસિક નરો વસતા હોય તે નારી શીલ કઈ રીતે સાચવે ?)

મિત્ર કોને કરવો ? તે અંગે ગાથા સપ્તશતીની એક ગાથામાં કહ્યું છે :

તિ મિત કાઅવ્ય કરિ, વસણમ્મિ દસ આલમ્મિ;

આલિહિએ ભિત્તિ વાઉલ્લએ, વણં પરમુહ ઠાઈ.

(મિત્ર એને બનાવવો જોઈએ જે વિપત્તિ પડે ત્યારે ક્યારેય ભીંતમાં આલેખેલી પ્રતિમાની જેમ વિમુખ થતો નથી.)

આ ગાથા મહાકવિ ઈસરદાસના મુખે દુહા રૂપે નીચે મુજબ અવતરિત થઈ છે :

થોડા બોલો ઘણ સહો, નહ ચૈ જો ને ઠાહ;

સો પરવાડા આગળો, મિત્ર કરિ જૈ નાહ.

(થોડું બોલવાવાળો, ઘણું સહન કરવાવાળો, કદી પણ વિમુખ ન થનારો હોય તેને મિત્ર કરવો. વિપત્તિ પડ્યે સંગ્રામમાં એ જ આગળ રહેશે.)

ચારણોના વહીવંચા રાવળોને ચોપડે આણંદ અને કરમાણંદ મિશણને સિદ્ધરાજ જયસિંહે મમ્માણ ગામ એમનાં કાવ્યની કદર રૂપે આપ્યાનું ઉલ્લેખાયું છે.

કરમાણંદ કુમાણસાં, ગુણ કીધો જાઈ;

સીહ પડ્યો અજાડીઇં, જાસ કઢઈ તસ ખાઈ.

એ દુહો લોકમુખે અત્યારે નીચે પ્રમાણે પાઠાંતરિત થયો છે :

આણંદ કહે કરમાણંદા ગુણ કર્યા ક્યાં જાઈ;

સાવજ પડ્યો અઝાડીએ, કાઢે તેને ખાય.

કૂવામાં પડેલો સિંહ તેને બહાર કાઢનારને જ ફાડી ખાય. માટે કુમાણસ પર ઉપકાર ન કરવો. આ દુહો લોકમુખે અમર બનેલો છે.

‘પ્રબંધ ચિંતામણિ’, ‘ઉપદેશ તરંગિણી’ અને ‘પુરાતનાચાર્ય પ્રબંધ’ જેવા જૈન ગ્રંથોમાં પણ દુહા મળે છે.

જગદંબા પ્રત્યે ઊંડા ભક્તિભાવને કારણે રચાયેલાં દેવીસ્તવનોમાં ‘દેવિયાણ’ (ઈસરદાસ); ‘દેવલજાના છંદ’ (સૂજા દેથા); ‘શક્તિ દેશાટણ’ (ખેતા મોડ) ઉપરાંત મોટી સંખ્યામાં છૂટક કાવ્યો મળે છે. વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ દર્શાવતી કૃષ્ણભક્તિની રચનાઓમાં ‘હરિસભા’ (ઈસરદાસ), ‘દ્વારકાની યાત્રા’ (હમીરજી રતનું), ‘ગીત ચોવીસ જાત રાં’ (રામચંદ્ર મોડ) વગેરે નોંધપાત્ર છે. રામ અને કૃષ્ણના અવતારોને મુખ્ય ગણીને હરિના 24 અવતારો વર્ણવતા ‘અવતાર ચરિત્ર’ના કર્તા નરહરદાસ બારહઠ્ઠ છે. માધવદાસ દધિવાડિયાનો ‘રામરાસો’ રામકથાને વીરરસમાં રજૂ કરે છે. સાંથા ઝૂલાની ‘અંગદવિષ્ટિ’ રામદૂત અંગદના વિષ્ટિકાર્યને શૌર્યથી અલંકૃત કરે છે. શિવભક્તિમાં હરદાસ મિશણે ‘જાલંધર પુરાણ’ અને ‘ભૃંગી પુરાણ’માં શિવનો મહિમા ગાયો છે. જેઠાભાઈ ઉયાશે ‘શિવવિવાહ’ દ્વારા શિવપાર્વતીનાં લગ્નની કથા આપી છે. કરસનદાસ બાલિયાએ ‘ગણ ગોપનાથનો’ અને ‘ગણ બીલનાથનો’ રચીને શિવકથા ગાઈ છે.

ચારણી સાહિત્યમાં જ્યોતિષ અંગે મળતી રચનાઓમાં ‘જ્યોતિષ જડાવ’ (હમીરજી રતનું) અને ‘ગણ સામુદ્રિકાંગ’ (નાથા વરસડા) છે. શબ્દકોશમાં ‘હરિજશ નામમાળા’ (હમીરજી રતનું), ‘અભિધાનકોશ’ (નાથા વરસડા), ‘બુદ્ધિવિલાસ’ (ખેતા મોડ), ‘વિજયપ્રકાશકોશ’ (વજમાલ મ્હેડુ) અને ‘અવધાનમાળા’ (ઉદેરામ રોહડિયા) જેવી રચનાઓથી ચારણી સાહિત્ય સમૃદ્ધ છે. ‘વખત બલંદ’ (ફૂલ વરસડા), ‘લીંબડીની ઝમાળ’ (મોતીસર રીણા) અને ‘વિભાવિલાસ’ (વજમાલ મ્હેડુ) જેવા અનેક ઐતિહાસિક ગ્રંથો ચારણી સાહિત્યમાં છે. ફાર્બસ સભા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી સંસ્થાઓના હસ્તપ્રત ભંડારોમાં આવા ગ્રંથો વિપુલ સંખ્યામાં છે.

સોલંકીકાળમાં ચારણી સાહિત્ય દુહા અને છપ્પય જેને કવિત પણ કહે છે તેમાં રચાયેલું છે. વીરરસના ઉત્કૃષ્ટ નમૂના રૂપે નીચેનો દુહો મળે છે.

જઈ ભગ્ગા પારકડા, તો સહી મજ્ઝુ પિએણ;

અહ ભગ્ગા અમ્હતણા, તો મારી ડેણ.

(સખી ! જો શત્રુઓ નાઠા હશે તો મારા પ્રિયતમને કારણે, અને જો આપણા માણસો નાઠા હશે તો તે મારા પ્રિયના વીરગતિ પામવાને કારણે.)

મધ્યયુગમાં ગીત નામે વિશિષ્ટ બંધનું પ્રચલન થયું. ચારણી સાહિત્યનું આવું સૌથી પ્રથમ પ્રાપ્ત થતું ગીત સૌરાષ્ટ્રના ચારણ આઈ વરુડીને નામે ચડેલું છે, તેમાં ચિતોડપતિ હમીરની પ્રશંસા છે.

એળા ચિતૌડ સહે ઘર આસી,

હું થારાં દોખિયાં હરું;

જણણી ઈસૌ કહું નહ જાયૌ

ડહવૈ દેવી ધીજ કરું.

(આઈ વરુડી કહે છે : હું તારા શત્રુઓને હરી લઈશ, અને મેવાડની બધી પૃથ્વી તારે ઘેર આવશે. આ રાણા હમીર જેવો પુત્ર બીજો કોઈ જનેતાએ જણ્યો જ નથી. એ હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું.)

‘સાખ રાં ગીત’ તરીકે પ્રચલિત હજારો ચારણી ગીતો દ્વારા ચારણોએ ઇતિહાસની અદ્વિતીય સેવા કરી છે. તો ગીતોમાં રાજવી અને માલિકનાં વીરકર્મોનો આંખે દેખ્યો અહેવાલ છે. એક ઉદાહરણ :

સરિ સજડ સૂરા જિમ મરણ મહાસુખ,

સાંમિ છતિ ઓડતું સરીર;

નાંનડ કહે અપૂછા ચડે,

નરાં ગિરાં ઉતરિઆં નીર.

(કાયાને શસ્ત્રોની ધાર આડે ધરી દઈને, શિર પર તલવારના ઝાટકા સહીને મૃત્યુ પામવું એ તો મહાસુખ છે એમ નાનભા પરમાર કહે છે. એક વાર નરોનાં અને પહાડોનાં ઊતરેલાં પાણી પાછાં ચડતાં જ નથી. એ તો ઊતર્યાં તે ઊતર્યાં.)

ચારણી સાહિત્યનું એક સબળ પાસું તેનું વાતસાહિત્ય છે. પોતાના યજમાનોના પ્રેમશૌર્યના પ્રસંગોને ચારણે નજરે જોયેલા તેને વાર્તા રૂપે કાવ્યબદ્ધ કર્યા. ડાયરે ડાયરે આ વાર્તાઓ રંગત જમાવતી. ગુજરાતમાં આ સાહિત્યની પિછાન ઝવેરચંદ મેઘાણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘સોરઠી ગીતકથાઓ’ અને ‘સોરઠી બહારવટિયા’ દ્વારા કરાવી. ઘણું વાર્તા-સાહિત્ય હજી પણ અપ્રગટ છે. ‘વીરમદે પનાં રી વાત’, ‘ઢોલા મારુ રી વાત’, ‘ચંચ રાઠોડ રી વાત’, ‘રાયબ સાયબ રી વાત’, ‘ઉમાદે શાંખલી રી વાત’, ‘શેણી ચારણી રી વાત’, ‘નાગાજણ જેઠુઆ રી વાત’, ‘દેવરા આહિર રી વાત’, ‘વિંઝરા આહિર રી વાત’, ‘જેહા જામ રી વાત’ જેવાં અનેક નામ આ પ્રકારના સાહિત્યમાં પ્રસિદ્ધ છે.

ચારણી સાહિત્યના કવિઓમાં પ્રથમ નામ આશાજી રોહડિયાનું છે. તેમણે ‘રૂપક રાઉ ચંદ્રસેણ રા’ નામે ચારણી છંદશાસ્ત્રનાં ઉદાહરણોનો ગ્રંથ આપ્યો છે. તેમનો સમય ઈ. સ. 1444નો છે. તેમની પછી ગોદડજી મેહડુ, હમીરજી રતનું, ચાંદણ હાહણ, રામચંદ્ર મોડ, ઉદેશમ બારહઠ્ઠ, પિંગળશી મિશણ, જોગીદાસ ચારણ, કિસનાજી આઢા વગેરેએ પણ ચારણી છંદશાસ્ત્રના ગ્રંથો આપ્યા છે. ચારણી છંદશાસ્ત્રમાં 84 પ્રકારના ચારણી છંદોનું વિવરણ મળે છે. ઉપરાંત અન્ય 24 ગીતો જેનાં લક્ષણો અને ઉદાહરણો નથી આપ્યાં તેમનાં નામ મળે છે. એ રીતે ભૂતકાળમાં 108 પ્રકારના ગીતછંદો ચારણી સાહિત્યમાં પ્રચલિત હોવાનો સંભવ છે.

ચારણી સાહિત્યનું જેમ આગવું પિંગળ છે તેમ તેના અલંકારો પણ નિરાળા છે. એમાં ‘વયણ સગાઈ’ (વર્ણસગાઈ) અને ‘જથા’ મુખ્ય છે. ચરણનો પ્રથમાક્ષર ચરણના અંતિમ શબ્દમાં પ્રથમ આવે તે વયણસગાઈ.

દા.ત., ચાંપા તણું સાર મૂં ચડિઉ.

પ્રથમ શબ્દનો પ્રથમાક્ષર ચરણના અંતિમ શબ્દમાં પ્રથમ, મધ્યે કે અંતે આવે તો તેને ક્રમશ: ઉત્તમ, મધ્યમ અને અધમ વયણસગાઈ કહેવામાં આવે છે.

જથા એ કાવ્યરીતિ છે. તેની સંખ્યા 11 મનાય છે. જથામાં પ્રથમ કડીમાં વ્યક્ત થયેલો ભાવ પછીની કડીઓમાં શબ્દાન્તરે પુનરાવર્તન પામે છે. અલંકાર પ્રમાણે જથાને નામ અપાય છે. દા.ત., જે ગીતમાં રૂપકાલંકાર વડે વર્ણન કરવામાં આવ્યું હોય અને પછી વ્યતિરેક અલંકાર વપરાયો હોય તો તે ‘અધિક જથા’ કહેવાય. બીજાં નામો છે : વિધાનિક જથા, સરજથા, સિરજથા, વરણજથા, અહિગતજથા, અંતજથા, શુદ્ધજથા, આદજથા, અધિકજથા, સમજથા, ન્યૂનજથા.

ચારણી સાહિત્યનું મધ્યકાલીન ગદ્ય પણ સબળ છે. તેને વચનિકા પણ કહે છે. તે પ્રાસયુક્ત વાક્ય હોય છે. મુનિ જીવણવિજયના ‘રાજકોટનું બપોરું’માંથી મળતું ઉદાહરણ :

વહિરાં વડાર : ભુજ ગ્રહણભાર : સકવાં સધાર :

પરદળ પગાર : ખત્રવાટ ખંભ : લખદેખણ લંભ.

(વેરીને સંહારનારા, ભુજાઓ પર જવાબદારીનો ભાર લેનારા, ઉત્તમ કવિઓનાં કાર્યો સિદ્ધ કરનારા, શત્રુદળને હણનારા, ક્ષાત્રવટના સ્તંભરૂપ, લાખોનાં દાન દેનારા.)

ગદ્ય-પદ્યની મિશ્ર રચનામાં જગા ખડિયાની ‘રાવ રતન વચનિકા’ નામે ઐતિહાસિક કૃતિ છે. આ ઉપરાંત ગુજરાત અને રાજસ્થાનમાં ગદ્યમય કે ગદ્ય-પદ્ય મિશ્ર ચારણી સાહિત્યની અનેક મધ્યકાલીન રચનાઓ મળે છે. તેમાં નાટક સિવાયના સઘળા સાહિત્યપ્રકારો ખેડાયા છે. ગુજરાત, રાજસ્થાન, માળવા (મધ્યભારત) અને હરિયાણાના કેટલાક પ્રદેશોમાં ચારણી સાહિત્ય વ્યાપેલું હતું. ચારણ જ્યાં ગયો ત્યાં એનું સાહિત્ય પણ સમાજોપયોગિતાની ર્દષ્ટિએ મહત્વનું બન્યું. આ રીતે વ્યાપની ર્દષ્ટિએ રાષ્ટ્રભાષા હિન્દી પછી ચારણી સાહિત્યનો ક્રમ આવે છે.

ચારણી સાહિત્યના અભ્યાસ માટે 235 વર્ષ પૂર્વે કચ્છના રાજવીએ ભૂજમાં સ્થાપેલી લખપત વ્રજભાષા પાઠશાળા; 1956માં સૌરાષ્ટ્ર સરકારે સ્થાપેલ લોકસાહિત્ય વિદ્યાલય, જૂનાગઢ; 1969માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાજકોટ ખાતે શરૂ કરેલો ચારણી સાહિત્ય અને લોકસાહિત્યનો અધ્યયન-સંશોધન વિભાગ; 1980માં ગુજરાત રાજ્ય સમાજકલ્યાણ ખાતા દ્વારા સંચાલિત લોકસાહિત્ય-ચારણી સાહિત્ય વિદ્યાલય, જામનગર વગેરે અનેક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી.

‘ચારણની અસ્મિતા’ વિસ્તૃત માહિતી આપતો ગ્રંથ છે.

રતુદાન રોહડિયા

પિંગળશી મેઘાણંદ ગઢવી