ચાંચિયાગીરી : સશસ્ત્ર હુમલા દ્વારા જહાજ અથવા વિમાનોને બિનઅધિકૃત રીતે અને ગેરકાયદેસર કબજે લેવાનું કૃત્ય. જ્યારથી માનવ વહાણવટું ખેડતો થયો ત્યારથી ચાંચિયાગીરી શરૂ થયેલ છે. મૂળ અર્થમાં ચાંચિયાગીરી એટલે કોઈ પણ ખાનગી વહાણે ખુલ્લા સમુદ્રમાં લૂંટ કરવાના ઇરાદે બીજા વહાણ પર ગેરકાયદેસર કરેલ બિનઅધિકૃત હિંસક કૃત્ય. સમય જતાં આ વ્યાખ્યામાં કર્મચારીઓનો બળવો તેમજ મુસાફરોએ કરેલ હિંસક કૃત્યો સમાવાયાં. 1931માં ચીનાઓના એક ચાંચિયા જહાજે બીજા ચીની વેપારી જહાજનો લૂંટ કરવાના ઇરાદે પીછો કરેલ ત્યારે એક બ્રિટિશ લશ્કરી જહાજે તેને પકડી ચાંચિયાઓ પર હૉંગકૉંગમાં કેસ કરેલો ત્યારે અદાલતે હકીકતમાં લૂંટ ન થઈ હોવાથી ચાંચિયાઓને છોડી મૂકેલા. તે પર પુનર્વિચારણા કરીને પ્રિવી કાઉન્સિલે ‘પાયરસી જ્યુરે જેન્ટીયમ’ (Piracy Jure Gentium) કેસમાં લૂંટના પ્રયત્નને પણ ચાંચિયાગીરીનું કૃત્ય જાહેર કરેલું.

હાલ આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ એટલે 1958ના ખુલ્લા દરિયા બાબતના કરારના આધારે ચાંચિયાગીરી એટલે ખુલ્લા સમુદ્ર પર કે તે પરના આકાશમાં કોઈ પણ વહાણ કે વિમાન પર માલ કે માણસો વિરુદ્ધ કરેલ બિનઅધિકૃત ખાનગી હિંસક કૃત્ય કે તેનો પ્રયત્ન તથા રાજ્યની માલિકીની ન હોય એવી જમીન પરનું તેવું હિંસક કૃત્ય કે પ્રયત્ન.

બીજા દેશના લશ્કરી જહાજે કરેલ આવું કૃત્ય ચાંચિયાગીરી ગણાતું નથી કેમકે તેમાં તે દેશ પાસેથી વળતર કે ગુનેગારને શિક્ષાની માગણી થઈ શકે છે. જો કોઈ દેશમાં બળવો થયો હોય અને બળવાખોર સત્તાને બીજા દેશોએ માન્યતા આપી હોય તો તેના કબજાના લશ્કરી જહાજના હિંસક કૃત્યને માન્યતા આપનાર દેશ ચાંચિયાગીરી ગણે નહિ. સ્પેનના આંતરવિગ્રહમાં આવાં જહાજોનાં કૃત્યોને બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ચાંચિયાગીરી ગણેલ નહિ. જોકે બીજા દેશનું લશ્કરી જહાજ અધિકૃત રીતે પણ આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન કરે કે માનવજિંદગી પ્રત્યે ગુનાઇત બેપરવાઈ કરે તો તે ચાંચિયાગીરી ગણાય. આ સિદ્ધાંત મુજબ બીજા વિશ્વયુદ્ધમાં રૂઝવેલ્ટે જર્મન અને ઇટાલિયન સબમરીનો પર તોપમારો કરવાનો હુકમ આપેલો.

ચાંચિયો પોતાનું રાષ્ટ્રીયત્વ ગુમાવતો હોઈ પોતાના દેશ તરફથી રક્ષણનો હક ગુમાવે છે. તે માનવજાતનો દુશ્મન ગણાય છે અને દુનિયાનો દરેક દેશ તેને પકડીને તેના પર કામ ચલાવી શિક્ષા કરી શકે છે. પહેલાં ચાંચિયાને પકડીને તેને ફાંસી અપાતી કે દરિયામાં ડુબાડી દેવાતો અને વહાણ તેમજ માલ જપ્ત કરાતાં. હવે વહાણ તેમજ માલને તેના મૂળ માલિકને સોંપીને ચાંચિયાને સજા થાય છે અથવા તો શિક્ષા કરવા તેના દેશને સોંપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ દરેક રાજ્ય પોતાના જળવિસ્તારમાં ચાંચિયાગીરી રોકવા બંધાયેલું છે.

કેટલાક દેશો આંતરરાષ્ટ્રીય કાયદાની વ્યાખ્યામાં ન આવતાં કૃત્યોને પણ ચાંચિયાગીરી ગણે છે અથવા તો બીજા દેશો સાથે તેના કરાર કરી શકે છે, પણ ત્રાહિત રાજ્યો તે સ્વીકારવા બંધાયેલ નથી.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી