ચાંચડી : જુદા જુદા ખેતી પાકમાં નુકસાન કરતી ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના ક્રાયસોમેલીડી કુળની જીવાત.

(1) આંબાની ચાંચડી : દક્ષિણ ગુજરાતમાં 1983–1984થી કીટક આંબાની નવી ફૂટમાં નુકસાન કરતો જણાયો છે. તે Rhincinus mangiferneના વૈજ્ઞાનિક નામથી ઓળખાય છે. આ જીવાતની ઇયળ તેમજ પુખ્ત કીટક પાન ખાઈને નુકસાન કરે છે. પુખ્ત કીટક સમૂહમાં રહીને કુમળાં પાનની નીચેના ભાગ પર નાનાં ગોળ કાણાં પાડીને લીલો ભાગ ખાઈ જાય છે. તેથી પાન પર પારદર્શક ટપકાં જણાય છે. એક પાન પર 1થી 30 જેટલી ઇયળો જોવા મળે છે.

(2) જુવારની ચાંચડી : જુવાર, શણ, ઘઉં, તમાકુ, બટાટા, રાઈ, મૂળા, મોગરી વગેરે પાકમાં નુકસાન કરતી આ ચાંચડીને Chaetonema pusanesisના વૈજ્ઞાનિક નામથી ઓળખવામાં આવે છે. આ કીટક 2થી 3 મિમી. લંબાઈનો ચાંચડ જેવો કાળો અને લંબગોળ હોય છે. તે ચાંચડની માફક કૂદી શકે છે. માદા છોડની નજીક જમીનમાં ઈંડાં મૂકે છે. ઈંડાં અવસ્થા 5થી 8 દિવસની હોય છે. ઈંડાંમાંથી નીકળેલી ઇયળો જમીનમાં રહી પાકનાં મૂળ તથા જંગલી છોડનાં મૂળ ખાય છે. ઇયળ-અવસ્થા 2થી 3 અઠવાડિયાંની હોય છે. ઇયળ પુખ્ત થતાં તે જમીનમાં જ કોશેટા બનાવે છે. કોશેટા-અવસ્થા 10થી 14 દિવસમાં પૂર્ણ થતાં ચાંચડી બહાર આવે છે જે પાકનાં કુમળાં પાનમાં ઝીણાં ઝીણાં કાણાં પાડી નુકસાન કરે છે. આથી પાન ચાળણી જેવાં બની જાય છે. ભરૂચ જિલ્લામાં ખાસ કરીને શિયાળુ પાકમાં તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

(3) દ્રાક્ષની ચાંચડી : દ્રાક્ષ તેમજ પાંગારામાં નુકસાન કરતી આ ચાંચડી(Scolodonta strigipholis)ને અડદિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચાંચડી 8 મિમી. લાંબી, તાંબાવર્ણી કે તપખીરિયા રંગની હોય છે. આગળની બંને પાંખ પર ત્રણ-ત્રણ ગોળ ટપકાં હોય છે. દ્રાક્ષના વેલાની છાલ નીચે તે ઈંડાં મૂકે છે, જેનું 3 થી 7 દિવસમાં સેવન થતું હોય છે. ઈંડાંમાંથી નીકળેલી ધૂસર રંગની ઇયળો જમીન પર પડે છે અને મૂળ ખાઈ નુકસાન કરે છે. ઇયળ અવસ્થા 5થી 6 અઠવાડિયાંની હોય છે. ત્યાર પછી ઇયળ પુખ્ત થતાં માટીમાં જ કોશેટા બનાવે છે. કોશેટા-અવસ્થા એક અઠવાડિયાની હોય છે. જેમાંથી ચાંચડી બહાર આવી દ્રાક્ષની નવી ફૂટતી કૂંપળોને કોરીને અંદરથી સંપૂર્ણ ખાઈ જાય છે. પરિણામે ફૂટ અટકી જાય છે. પાકટ પાનને લંબગોળ કાણાં પાડી નુકસાન કરે છે.

ચાંચડીના ઉપદ્રવ વખતે મૉનોક્રોટોફૉસ 0.036 ટકા અથવા ઍન્ડોસલ્ફાન 0.07 ટકા પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવાથી તેનું નિયંત્રણ થઈ શકે છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ