ચર્પટીનાથ (11મી સદી) : ચોરાસી સિદ્ધોની સૂચિ પૈકીના 31મા અથવા 59મા સિદ્ધ. ગોરખનાથ પછી અને નાગાર્જુનના સમકાલીન ચર્પટીનાથ ચંબ રાજ્યના રાજપરિવાર સાથે સંકળાયેલા હતા. ચર્પટીનાથની કોઈ સ્વતંત્ર રચના મળતી નથી. જોકે તિબેટી ભાષામાં લખાયેલી કૃતિ ‘ચતુર્ભવાભિશન’ એમણે રચ્યાનું કહેવાય છે. સિદ્ધોકી બાનિયાંમાં એમની 59 ‘સબદિયાં’ અને પાંચ ‘સલોક’ સંકલિત થયા છે, જેમાં લૌકિક પાખંડોનું ખંડન અને કામિની-કાંચનની નિંદા જોવા મળે છે. એક સલોકમાં પારાનો મહિમા વર્ણવી પારાનું શોધન કરી એમાંથી સોનું કેવી રીતે બનાવાય એની વિધિ વર્ણવી છે. તે પરથી ચર્પટીનાથ રસેશ્વર સિદ્ધ કહેવાય છે.

પ્રવીણચંદ્ર પરીખ