ચરિય (ચરિત્ર, ચરિત) : અપભ્રંશની કાવ્યપ્રકારની એક સમૃદ્ધ પરંપરા. એ પ્રકાર મુખ્યત્વે જૈન કવિઓ દ્વારા ખેડાયેલો હતો. એમાં અમુક જૈન સિદ્ધાંત કે ધાર્મિક-નૈતિક માન્યતાના ર્દષ્ટાંત લેખે કોઈ તીર્થંકરનું- કે જૈન પુરાણકથા, ઇતિહાસ અથવા અનુશ્રુતિના યશસ્વી પાત્રનું ચરિત્ર આલેખાતું અને અગત્યની વાત એ છે કે આ ચરિતકાવ્યો સંસ્કૃત મહાકાવ્યની પ્રતિકૃતિસમાં હતાં. જૈનપરંપરાની રામકથાને વર્ણવતું સ્વયંભૂદેવ(સાતમીથી દશમી સદી)નું ‘પઉમચરિય’ આ પ્રકારની જૂનામાં જૂની રચના છે. અપભ્રંશોત્તર કાળમાં જૈન કવિઓને હાથે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં પણ ઘણાં ચરિતકાવ્યો લખાયાં છે.
ગુજરાતીમાં ‘ચરિય’ નામ ધરાવતું સૌપ્રથમ કાવ્ય મહેન્દ્રસૂરિશિષ્યનું ‘જંબૂસામિચરિય’ (1210) નોંધાયેલ છે. આરંભકાળનાં ગુજરાતી ચરિત્રકાવ્યોને અપભ્રંશના અનુસંધાનમાં જોવાં મુશ્કેલ છે કેમકે ‘જંબૂસામિચરિય’ 41 કડીનું નાનકડું કાવ્ય છે. પંદરમી સદીના પૂર્વાર્ધમાં રચાયેલું સર્વાનંદસૂરિનું ‘મંગલકલશચરિત’ પણ 135 કડીનું કાવ્ય છે. દેખીતી રીતે આ કાવ્યોમાં ચરિતકથાની કેવળ રૂપરેખા જ હોઈ શકે. પણ પછીથી લાંબાં ચરિતકાવ્યો ઘણાં લખાય છે. રાયચંદ ઋષિનું ‘ઋષભચરિત્ર’ (1784) 47 ઢાળની રચના છે. ખરેખર તો ચરિતનો કાવ્યપ્રકાર રાસમાં ભળી ગયેલ છે. ‘ચરિત્ર’ નામ ધરાવતાં ઘણાં કાવ્યો પાછાં રાસ કે ચોપાઈનું નામ ધરાવે જ છે. કેવળ ચરિત્રને નામે ઘણાંબધાં કાવ્યો લખ્યાં હોય એવા કવિ તો છેક ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ત્રિલોક ઋષિ મળે છે.
મધ્યકાલીન ગુજરાતી ‘ચરિત્ર’ નામક રચનાઓ ગદ્યમાં પણ મળે છે. માણિક્યસુન્દરસૂરિનું ‘પૃથ્વીચંદ્રચરિત’ (1422) ઘણું જાણીતું છે. તે ઉપરાંત ‘જંબૂસ્વામીચરિત્ર’, ‘પાંડવકથા’, ‘શાંતિનાથચરિત્ર’ વગેરે ગદ્યકૃતિઓ પણ મળે છે.
તીર્થંકર અને પૌરાણિક કે લોકપ્રસિદ્ધ પાત્રો વિશેનાં કાવ્યો ઉપર ઉલ્લેખાઈ ગયાં તે ઉપરાંત પદ્મિની અને ભોજ જેવી ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિઓ વિશે પણ ચરિતકાવ્ય લખાયેલાં મળે છે.
જૈનેતર પરંપરામાં ભીમકૃત ‘સદયવત્સચરિત્ર’ (ચૌદમી સદી ઉત્તરાર્ધ) કે અનેક કવિઓએ રચેલાં ‘સુદામાચરિત્ર’ તથા વિશ્વનાથ જાનીકૃત ‘મોસાળાચરિત્ર’ ને ‘સગાળચરિત્ર’ જેવી ‘ચરિત્ર’ નામક રચના થોડી જ મળે છે. જોકે એમાંયે ભીમની કૃતિ ‘પ્રબંધ’ને નામે પણ વ્યાપક રીતે ઓળખાયેલી છે.
જયંત કોઠારી