ચરિત-પુથિ : અસમના વૈષ્ણવ સંત શંકરદેવ(1449–1569)ના ચરિતનું વિવિધ લેખકો દ્વારા વિવિધ તબક્કે રચાયેલું સાહિત્ય. વૈષ્ણવ આંદોલનના જુવાળની પ્રશાખા જેવો અને અસમની સત્રસંસ્થાઓના આશ્રયે આ ચરિત-પ્રકાર વિકસ્યો હતો. આ પરંપરા બીજા વૈષ્ણવ સંતોની જીવનકથાઓમાં પણ જળવાઈ રહી છે. જેમ કે બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુની. જીવનચરિત્રમાંથી પઠનની પ્રણાલીની શરૂઆત માધવદેવે (1492–1597) કરી હતી. સૌપ્રથમ એમણે પોતાના ગુરુ શંકરદેવના જીવનચરિત્રમાંથી પાઠ કરવાનું શરૂ કર્યું હતું. જીવનકથાકારે ચરિત્રનાયકના વ્યક્તિત્વને સચેત ઉઠાવ આપવાનો હોય છે. તેમાં જીવનની બધી અસ્પષ્ટતાઓ અને વિસંગતિઓનો સમાવેશ થાય છે. એ ર્દષ્ટિએ ‘ચરિત-પુથિઓ’ આજે પણ વાચકો માટે લાભપ્રદ છે અને અસમિયા સાહિત્યમાં સુરક્ષિત સ્થાન ધરાવે છે. આરંભનાં જીવનચરિત્રો પદ્યમિશ્ર ગદ્યમાં રચાયાં છે. ઐતિહાસિક સામગ્રીની સૌપ્રથમ સાહિત્યિક રજૂઆતની ર્દષ્ટિએ એમનું ઘણું મૂલ્ય છે. રામચરણ ઠાકુરનું ‘શંકરચરિત’ પદ્યમાં લખાયેલું જીવનચરિત્ર છે. તેમાં હકીકતોના નિરૂપણને બદલે અંધશ્રદ્ધાનો આશ્રય લેવામાં આવ્યો છે; તેમાં શંકરદેવના જીવન વિશેની દંતકથાઓ અને ચમત્કારોનું વર્ણન છે. તે ગુરુના પ્રારંભિક જીવનને બાળકૃષ્ણના જીવન જેવું દર્શાવે છે – ગુરુને દિવ્ય અવતાર રૂપે રજૂ કરે છે. દૈત્યારિ ઠાકુરે શંકરદેવનું ટૂંકું પણ ગંભીર જીવનચરિત્ર ‘ગુરુચરિત’ લખ્યું છે. તેમાં સંતના જીવનનો વસ્તુલક્ષી અભ્યાસ કરવાનો પ્રયત્ન છે. તેમણે ‘ગુરુચરિત’ સાથે માધવદેવના જીવનનો પ્રમાણભૂત અહેવાલ પણ જોડ્યો છે. ભૂષણ દ્વિજે પણ ‘શંકરચરિત’નું પરંપરાગત સામગ્રીની મદદથી સંકલન કર્યું છે, તો રામાનંદ દ્વિજનું ‘શંકરચરિત’ શંકરદેવ અને માધવદેવ વિશે નવી માહિતી ધરાવે છે.

અનિલા દલાલ