ચમોલી (જિલ્લો) : ઉત્તરાખંડ રાજ્યની ઈશાન તરફ મધ્ય હિમાલયમાં આવેલો જિલ્લો.
ભૌગોલિક સ્થાન – ભૂસ્તર – ભૂપૃષ્ઠ : તે 30 24´ ઉ. અ. અને 79 21´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તે વાયવ્યે ઉત્તરકાશી, પૂર્વે પિથોરાગઢ, અગ્નિએ બાગેશ્વર, પશ્ચિમે રુદ્રપ્રયાગ અને અલમોરા, નૈર્ઋત્યે પુરીગઢવાલ જિલ્લાઓથી ઘેરાયેલો છે.
હિમાલય એ વિશ્વની સૌથી નવી ગેડપર્વતીય હારમાળા છે. જે તિથિ સમુદ્રના ઊંચકાવથી નિર્માણ પામ્યો છે. અહીં મોટે ભાગે નિક્ષેપકૃત ખડકનું પ્રમાણ અધિક છે. કેટલીક જગ્યાએ રૂપાંતરિત ખડકો પણ જોવા મળે છે. આ જિલ્લાના ઉત્તર ભાગમાં વધુ ઊંચાઈએ જતાં હારમાળા બરફાચ્છાદિત છે, જ્યારે દક્ષિણે આવેલી પર્વતીય હારમાળા ઓછી ઊંચાઈ ધરાવે છે.
આ જિલ્લો ઉપ-હિમાલય કે શિવાલકશ્રેણીના ભાગ સ્વરૂપે છે. અહીંની પર્વતશ્રેણી ડુંડવાશ્રેણી તરીકે ઓળખાય છે. અહીં આવેલા સપાટ ડુંગરધાર સરેરાશ 600 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લામાં અનેક નદીઓ વહે છે, એટલે કે નદીઓએ તેને કોતરી નાખ્યો છે. અહીંથી વહેતી અલકનંદા જેનો માર્ગ આ જિલ્લામાં 229 કિમી. છે. ત્યારબાદ હેઠવાસ તરફ જતા દેવપ્રયાગ પાસે ભાગીરથી અને ગંગા મળે છે. આગળ જતાં તે ગંગા નદી તરીકે ઓળખાય છે. અલકનંદા નદીનું મૂળ બાલકુન શિખર પાસે છે. આ શિખર 3641 મીટર ઊંચાઈ ધરાવે છે. અલકનંદા દ્વારા રચાયેલાં મેદાનો ચમોલી જિલ્લામાં રહેલાં છે. આ નદીના ઉપરવાસનો ભાગ ‘Upper Alaknanda valley’ જેહલાંગ સુધીની ગણાય છે. જ્યારે તેનાથી નીચે એટલે કે હેઠવાસ તરફ જતાં તે ‘Lower Alaknanda Valley’ તરીકે ઓળખાય છે. આ નદી સાંકડાં ઊંડાં કોતરોમાંથી વહે છે. આ નદીની અનેક શાખા નદીઓ છે. માના પાસે સરસ્વતી નદી, કેદારનાથ પવિત્ર ધામ પાસે ખીર ગંગા, ભાયુન્ડર (Bhyundar) ગંગા જે હેમકુંડ સાહિબ પાસે મળે છે. ત્યારબાદ પુષ્પાવતી નદી મળે છે. જોષીમઠ પાસે ધૌલી ગંગાનો સંગમ થાય છે. હેઠવાસ તરફ નાની અનેક નદીઓ મળે છે. જેમાં કેલાંગ, ગરુડ છે. નંદપ્રયાગ પાસે અલકનંદાને નંદાકિની નદી મળે છે. આ સિવાય પિંડાર અને મિયામ નદી પણ મળે છે. આ જિલ્લામાંથી વહેતી નદીઓ ખડકાળ અને સાંકડાં કોતરોમાંથી વહે છે. અહીં પાણી વેગથી આવતું હોવાથી ધોવાણનું પ્રમાણ અધિક છે. આથી કિનારાના વિસ્તારોમાં ભૂસ્ખલન વધુ થાય છે.
કેટલીક વાર હિમનદી તૂટી જવાને કારણે પારાવાર નુકસાન પહોંચે છે. આવી એક ઘટના 2021ની 7મી ફેબ્રુઆરીના રોજ થઈ હતી. હિમાલયના ભાગ સ્વરૂપે આવેલી નંદાદેવી હિમનદી તૂટી જવાથી વિપુલ જળજથ્થો ધસી આવવાથી જોષીમઠનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો પરિણામે ઋષિગંગા અને ધૌલીગંગા નદીનાં પાણી ભયજનક સપાટીએ પહોંચ્યાં હતાં. આ નદીઓ ઉપર આવેલ ‘ઋષિગંગા જળવિદ્યુત પ્રકલ્પ’ તેમજ ધૌલીગંગા જળવિદ્યુત પ્રકલ્પ સંપૂર્ણ નાશ પામ્યા હતા. તેમજ પાંચ પુલ પણ તૂટી ગયા હતા. આની અસર પૌરી, તેહરી, રુદ્રપ્રયાગ, હરિદ્વાર અને દહેરાદૂનના વિસ્તારોમાં પણ થઈ હતી. આ ઘટનાને કારણે 11 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી અને 170 લોકોની આજદિન સુધી જાણકારી મળી નથી.
આબોહવા – વનસ્પતિ : આ જિલ્લો સમુદ્રની સપાટીથી 800થી 8000 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર બાહ્ય હિમાલયના દક્ષિણ ઢોળાવ પર આવેલો છે. પરિણામે આ જિલ્લાની આબોહવા પર ઊંચાઈની અસર વધુ જોવા મળે છે. અહીં શિયાળાની ઋતુ આશરે મધ્ય નવેમ્બરથી માર્ચ સુધી અનુભવાય છે. જ્યારે વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધીની રહે છે. ઉનાળાનું મહત્તમ તાપમાન સરેરાશ 34 સે. જ્યારે શિયાળાનું તાપમાન 0 સે. હોય છે. જાન્યુઆરી મહિનો સૌથી ઠંડો એટલે કે ત્યાં નીચું તાપમાન રહે છે. જેની અસર જૂનથી જુલાઈ સુધી રહે છે. વર્ષાઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધીની અંદાજાય છે. આ સમયગાળામાં સરેરાશ વરસાદ 70% થી 80% જેટલો પડે છે. જ્યારે જિલ્લાની દક્ષિણે 1/2 ભાગમાં 55%થી 65% વરસાદ પડે છે. વર્ષાઋતુ દરમિયાન ભેજનું પ્રમાણ અધિક હોય છે. અંદાજે 70% રહે છે. વર્ષાઋતુના પ્રારંભ પહેલાં (pre monsoon) ભેજનું પ્રમાણ 35% કરતાં પણ નીચું રહે છે. વર્ષાઋતુ દરમિયાન કાળમીંઢ વાદળોનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે શિયાળામાં આછાં વાદળો જોવા મળે છે અને હિમવર્ષા વધુ થાય છે.
આ જિલ્લામાં જંગલો આવેલાં છે. મોટા ભાગનો વિસ્તાર વનસ્પતિથી સભર રહે છે. મોટા ભાગે અહીં ચીડ, ઑક, પાઈન, પોપ્લર જેવાં વૃક્ષો અધિક જોવા મળે છે, જેનું લાકડું પ્રમાણમાં પોચું હોય છે. ફળાઉ વૃક્ષો પણ જોવા મળે છે.
ખનિજ સંપત્તિ : અહીં ઍસ્બેસ્ટૉસ, મૅંગેનીઝ, સ્ટીઅટાઇટ (Steatiti) એટલે કે શંખજીરું તાંબાના અયસ્ક, ગ્રૅફાઇટ, સોનું, જિપ્સમ, સીસું, ચૂનાના ખડક, સ્લેટ પથ્થર, સલ્ફર વગેરે મળે છે. કેટલોક વિસ્તાર જ્વાળામુખીની અસર ધરાવતો હોવાથી અવારનવાર ભૂકંપ અનુભવાય છે.
પરિવહન – વસ્તી : આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 58 પસાર થાય છે. જે હરિદ્વાર અને ઉધમસિંહનગર જેવાં મોટાં શહેરોને સાંકળે છે. આ સિવાય રાજ્ય, જિલ્લામાર્ગો પણ આવેલા છે. અતિવૃષ્ટિ કે હિમવર્ષાને કારણે ભૂસ્ખલન થવાથી આ માર્ગોને પારાવાર નુકસાન પહોંચે છે.
આ જિલ્લાનો વિસ્તાર 8,030 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 6,91,605 છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 1021 છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 83% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 20% અને 31% છે. અહીં મુખ્યત્વે ગરવાળી, હિન્દી, નેપાળી, કુમોની ભાષા બોલાય છે. જેમાં ગરવાળી ભાષાનું પ્રમાણ 90% છે. આ જિલ્લામાં ખાદ્યાન્ન પાકોમાં ઘઉં, ડાંગર, મકાઈ, માઉન્ડુઆ મુખ્ય છે. આ સિવાય અહીં કઠોળ, અડદ, મસૂર, તુવેર અને શાકભાજીની પણ ખેતી થાય છે. મોટા ભાગના લોકો શાકાહારી છે, પરંતુ મુસ્લિમ, ક્રિશ્ચિયન અને શીખ લોકો શાકાહારી અને માંસાહારી છે.
આ જિલ્લામાં મુખ્ય ધાર્મિક સ્થળોમાં હિન્દુઓનું બદરીનાથ, શીખોનું તીર્થસ્થાન હેમકુંડ સાહેબ તેમજ જિલ્લાની ઉત્તરે ફૂલોની ઘાટી પણ આવેલી છે. આ સિવાય નંદપ્રયાગ, ગોપેશ્વર, જોશીમઠ, હનુમાન ચટ્ટી આવેલાં છે.
ચમોલી : જે અલકનંદાને કાંઠે સમુદ્રતળથી 1091 મીટરની ઊંચાઈએ આવેલું છે. તે વેપાર અને શિક્ષણનું કેન્દ્ર છે. અહીં વિશ્રામગૃહ, અતિથિગૃહ તેમજ હોટેલો પણ આવેલી છે. આ જિલ્લાનું પાટનગર ચમોલી ગોપેશ્વર છે.
ઇતિહાસ : ‘ચમોલી’ નામ સંસ્કૃત શબ્દ ચંદ્રમૌલી ઉપરથી ઊતરી આવ્યું છે. આ જિલ્લો પૌરી ગઢવાલ જિલ્લાનો એક ભાગ હતો. ગઢવાલનો અર્થ ‘કિલ્લાઓની ભૂમિ’ (Land of Forts). આજે ગઢવાલ કેદાર ખંડ તરીકે ઓળખાય છે. પુરાણોમાં કેદાર ખંડ એટલે ‘હિન્દુ ભગવાનનું ઘર’ તરીકે ઉલ્લેખ કરાયો છે. મન્ના ગામ જે બદરીનાથથી 4 કિમી. દૂર વ્યાસમુનિની ગુફા આવેલી છે, જ્યાં ગણેશજીએ વેદ લખવાનો પ્રારંભ કર્યો હતો. ગઢવાલના ઇતિહાસ વિશેની માહિતી ઈ. સ. 6ઠ્ઠી સદીમાં પ્રાપ્ત થઈ હતી. ઈ. સ. પૂર્વે 300માં ખાસા જાતિના લોકો કાશ્મીર, નેપાળ અને કુમાઉ થઈને ગઢવાલ આવ્યા હતા. અહીં સ્થાનિક અને બહારથી આવેલી પ્રજા સાથે સંઘર્ષો થતા હતા. સ્થાનિક લોકોએ પોતાની સુરક્ષા માટે ‘ગારહી’ (Garhi) એટલે નાના કિલ્લાઓ બાંધ્યા હતા. ત્યારબાદ ‘ખાસા’ જાતિના લોકોએ તેના ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. ખાસા જાતિના સેનાપતિ વાસુદેવે ગઢવાલની ઉત્તર સરહદે પોતાના રાજ્યનું પાટનગર જોષીમઠનું નિર્માણ કર્યું. આદિ શંકરાચાર્યએ ગઢવાલ અને જોષીમઠની અનેક વાર મુલાકાત લીધી હતી, જે આજે ‘ચમોલી’ તરીકે ઓળખાય છે. ભારતના ચાર ‘મઠ’ – તેમાંનો આ એક ‘મઠ’ છે. અન્ય મઠ દ્વારકા, જગન્નાથપુરી અને શ્રીગેંરી (Sringeri) છે એમ માનવામાં આવે છે. પનવાર વંશના પ્રથમ રાજા ભાનુ પ્રતાપે ગઢવાલની સ્થાપના કરી હતી. ગઢવાલનાં પચાસ શહેરો છે. તેમાં ગઢવાલનો કિલ્લો સૌથી મજબૂત છે. ગઢવાલ રાજ્યમાં 8મી સપ્ટેમ્બર, 1803માં ભૂકંપ અનુભવાયો હતો.
ગોરખા જાતિના કમાન્ડર અમરસિંહ થાપાએ 1804માં આક્રમણ કર્યું હતું. 1804થી 1815 સુઘી ગઢવાલના અડધા ભાગ ઉપર શાસન કર્યું હતું. ત્યારબાદ પવાર વંશના રાજા સુદર્શન શાહે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંપર્ક કર્યો. બ્રિટિશરોએ ગોરખાઓ ઉપર જીત મેળવી હતી. બ્રિટિશરોએ અલકનંદાના પૂર્વ ભાગ મંદાકિની રાજ્યને ભેળવીને શ્રીનગરને પાટનગર જાહેર કર્યું. સમયાંતરે બ્રિટિશરોએ ગઢવાલને દેહરાદૂનમાં સમાવિષ્ટ કર્યો. ત્યારબાદ બ્રિટિશરોએ આ વિસ્તારને ‘પૌરી’ નામ આપ્યું. ભારત સ્વતંત્ર થતાં 24મી ફેબ્રુઆરી, 1960ના વર્ષમાં ચમોલીને તાલુકા તરીકે જાહેર કર્યું. પરંતુ 1997ના ઑક્ટોબર માસમાં ભારત સરકારે ચમોલીને જિલ્લો બનાવ્યો, જેથી તેનો વિકાસ થઈ શકે.
શિવપ્રસાદ રાજગોર
નીતિન કોઠારી