ચયન : નિત્યહોમ અને અન્ય વૈદિક યજ્ઞો માટે અરણિવૃક્ષનાં બે લાકડાંનું મંથન કરી ઉત્પન્ન કરેલો અગ્નિ (શ્રૌતાગ્નિ) રાખવા માટેની ઓટલી કે સ્થંડિલ. તે સ્થંડિલની રચનાનો વિધિ પણ ચયન કહેવાય. ચયનનું બીજું નામ ચિતિ છે. અગ્નિશાળામાં ઉત્તરવેદીના ઓટલા ઉપર જુદા જુદા આકારની ઇષ્ટકાઓ(ઈંટો)ના પાંચ થર કરી ચિતિની રચના થાય છે. ચિતિ ઉપર આહવનીય નામના શ્રૌત અગ્નિનું સ્થાપન કરાય છે. સૌથી પહેલો સોમયાગ આ ચિતિ ઉપર સ્થાપેલા આહવનીય અગ્નિમાં થાય છે. ચયન કે ચિતિ તે પ્રજાપતિના અંતરિક્ષમાંના વિશ્વની રચનાનું પ્રતીક છે. ચિતિની રચનામાં પાંચ થરમાં પાંચ બકરાનાં મસ્તકો મુકાય છે અને તેમનાં ધડ જે પાણીમાં રહ્યાં હોય તેનાથી ચિતિ માટેની માટી પલાળાય છે. આ માટીમાં કીડીઓના રાફડાની માટી ભેળવાય છે. આ માટીની ગારમાંથી યજમાનપત્ની આષાઢા નામની ઈંટ સૌથી પહેલી બનાવે. ત્યારપછી યજમાન પોતે વિશ્વજ્યોતિ નામની ત્રણ ઈંટો તથા ઉખા નામનું થાળી જેવું મોટું પાત્ર બનાવે. ઉખામાં આ ઈંટો પકવાય. યજમાન શ્રૌત દીક્ષા (વેદોક્ત યજ્ઞ કરવાનું વ્રત) લે ત્યારપછી ચયનનિર્માણનો આરંભ થાય. સુપર્ણ (સોનેરી પાંખવાળો ગુરુડ), શ્યેન (બાજ), દ્રોણપક્ષી વગેરે વિવિધ આકારોમાંના કોઈ એક આકારમાં ચિતિની રચના થાય. ચિતિમાં વપરાતી ઇષ્ટકાઓનાં આષાઢા, યજુષ્મતી, સ્વયમાતૃણ્ણા, રેત:સિક, લોકંપૃણા, ચિત્રિણી, વાલખિલ્યા એવાં નામ હોય છે. તેમના લંબચોરસ, ચોરસ, ત્રિકોણ વગેરે જુદા જુદા આકારો હોય છે. ચિતિનું સ્થંડિલ શુલ્વસૂત્ર(યજ્ઞ અંગેની ભૂમિતિ)ના શાસ્ત્રના નિયમ અનુસાર થાય. ચિતિરચના પૂર્વે ભૂમિ માપવી, શોધવી (શુદ્ધ કરવી) અને ખેડવી જોઈએ. સૌથી નીચેના થરમાં સુવર્ણની મનુષ્યાકૃતિ મુકાય અને અન્ય થરોમાં કાચબો, સૂપડું, ઉખાપાત્ર વગેરે વસ્તુઓ મુકાય. મંત્રપૂર્વક ઇષ્ટકાઓ ગોઠવાય. પહેલા, ત્રીજા અને પાંચમા થરમાં સરખા આકારની ઇષ્ટકાઓ મુકાય અને બીજા તથા ચોથા થરમાં તેમનાથી જુદા જુદા આકારની ઇષ્ટકાઓ મુકાય. બધી મળીને 10,800 ઇષ્ટકાઓ વપરાય. નીચેથી ચાર થર રચવામાં આઠ માસ લાગે. છેલ્લા ઉપરના થરની રચનાને ચાર માસ લાગે. એમ આખી ચિતિ બાર માસમાં રચાય અથવા સતત પાંચ દિવસમાં પણ ચિતિરચના પૂરી કરી શકાય. નવરચિત ચિતિ પર સૌથી પહેલો સોમયાગ થાય. બધાય સોમયાગો ચિતિ ઉપર જ થાય.

શ્યેનચિતિ

નટવરલાલ યાજ્ઞિક