ચમેલી (જૅસ્મિન)

January, 2012

ચમેલી (જૅસ્મિન) : દ્વિદળી વર્ગમાં આવેલા ઑલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum grandiflorum Linn. (સં. ચંબેલી, ચેતકી, જાતિ, માલતી; હિં. ચંબેલી; મ. જાઈ; ક. જાજિમલ્લિગે; તે. જાજી, માલતી; મલા. પિચ્યાકં, માલતી; અં. સ્પૅનિશ જૅસ્મિન, કૉમન જૅસ્મિન) છે. તે મોટી આરોહણ કરવા મથતી કે વળવેલ સ્વરૂપ ક્ષુપ વનસ્પતિ છે અને ઉત્તર-પશ્ચિમ હિમાલયની મૂલનિવાસી છે. ભારતનાં ઉદ્યાનોમાં બધે તે ઉછેરવામાં આવે છે. તેની શાખાઓ ખાંચોવાળી હોય છે. પર્ણો સંમુખ, અયુગ્મ પીછાંકાર (imparipinnate) સંયુક્ત હોય છે. પર્ણિકાઓ 7–11, અગ્રસ્થ પર્ણિકાઓ પાર્શ્વીય પર્ણિકાઓ કરતાં મોટી, પાર્શ્વીય પર્ણિકાઓ અદંડી કે ટૂંકા દંડવાળી હોય છે. પુષ્પો કક્ષીય કે અગ્રસ્થ દ્વિશાખી પરિમિત (biparous cyme) સ્વરૂપે ગોઠવાયેલાં, સફેદ અને બહારની સપાટીએ જાંબલી છાંટવાળાં તથા આનંદદાયી સુગંધયુક્ત હોય છે. તેમના પુષ્પદંડ લાંબા હોય છે. નિપત્ર (bract) અંડાકારથી માંડી ચમચાકાર–લંબચોરસ (spathulateoblong) અને પર્ણસર્દશ (foliaceous) હોય છે.

આ સ્વરૂપ મેદાનોમાં અને પહાડો ઉપર 3000 મી.ની ઊંચાઈ સુધી વાવવામાં આવે છે. તે યુરોપ અને ભૂમધ્યસમુદ્રીય દેશોમાં વ્યાપારિક અત્તરનો મુખ્ય સ્રોત છે. ચમેલી એક વાર સ્થાપિત થયા પછી 8–15 વર્ષ સુધી પુષ્પો ઉત્પન્ન કરે છે.

પુષ્પોના કદનો આધાર વનસ્પતિની ઉંમર, કૃષિની પદ્ધતિ અને ઋતુ ઉપર આધાર રાખે છે. તેનું સરેરાશ ઉત્પાદન 395–692 કિગ્રા./હેક્ટર જેટલું (10,000–12,000 પુષ્પો/કિગ્રા.) અને મહત્તમ ઉત્પાદન 988 કિગ્રા./હૅ. જેટલું નોંધાયું છે. ફ્રાન્સમાં ચમેલીના પુષ્પનું સરેરાશ ઉત્પાદન 3952 કિગ્રા./હૅ. જેટલું પ્રાપ્ત થાય છે. વાવ્યા પછી પાંચ વર્ષથી માંડી મહત્તમ ઉત્પાદન મળે છે.

ચમેલીની પુષ્પીય શાખા

ચમેલીને Umomyces hobsoni દ્વારા પાનનો અને થડનો ગેરુ લાગુ પડે છે. દક્ષિણ ભારતમાં ચમેલી ઉપર માંકડ આક્રમણ કરે છે. તેનું નિયંત્રણ કરવા માછલીનું તેલ, રાળ અને સાબુના મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે.

લણેલાં મોટા ભાગનાં પુષ્પો હાર કે ગુલછડી બનાવવામાં કે સુશોભન તથા પૂજાવિધિમાં વપરાય છે. તેનો થોડોક જ જથ્થો કેશતેલ અને અત્તરની બનાવટમાં ઉપયોગમાં લેવાય છે. ચમેલીના તેલનું ઉત્પાદન ભારતમાં થતું નથી. તેના વ્યાપારિક તેલનું ઉત્પાદન મુખ્યત્વે ફ્રાન્સ, સિસિલી અને ઇટાલીમાં થાય છે. હાલમાં ઇજિપ્ત, સીરિયા, અલ્જેરિયા અને મોરોક્કોમાં તેનું વાવેતર શરૂ થયું છે.

પર્ણો રાળ, સૅલિસિલિક ઍસિડ, જૅસ્મિનિન (આલ્કેલૉઇડ) અને સંકોચક (astringent) ઘટક ધરાવે છે. મૂળ દાદરની ચિકિત્સામાં ઉપયોગી છે. લાંબા સીધા પ્રકાંડમાંથી પાઇપો બનાવવામાં આવે છે. તેનાં પર્ણો ચૂસવાથી મોઢામાં થતાં ચાંદાંમાં રાહત મળે છે. પર્ણોનો તાજો રસ પગમાં થતી કણીઓ ઉપર લગાડવામાં આવે છે. તેનો રસ ધરાવતું તૈલી ઔષધ કર્ણસ્રાવ(otorrhoea)માં ઉપયોગી છે. સમગ્ર વનસ્પતિ કૃમિહર (authelmintic), મૂત્રલ (diuretic) અને આર્તવજનક (emmenagogue) ગુણધર્મ ધરાવે છે. સુગંધિત તેલ અને અત્તરની ત્વચાના રોગો, માથાનો દુખાવો અને આંખનાં દર્દો પર શીતળ અસર હોય છે.

આયુર્વેદ અનુસાર, તેની સફેદ અને પીળી જાતો લઘુ, સ્નિગ્ધ, મૃદુ, કડવી-તૂરી, વિપાકમાં તીખી અને ઉષ્ણવીર્ય હોય છે. તે ચાક્ષુષ્ય છે અને તેનાં પુષ્પો કફ-પિત્તદોષ જીતનાર, ત્રિદોષશામક, અનુલોમક, રક્તશોધક, મૂત્રલ, વાજીકર તથા આર્તવ લાવનાર છે. ચમેલી કોઢ, ચળ, રક્તવિકારો, મૂત્ર તથા માસિક(રજ)ની અટકાયત, નપુંસકતા, મુખરોગ, નેત્રરોગ અને મસ્તકરોગ મટાડનારી ગણાય છે.

ચમેલીનું તેલ : ચમેલીનાં પુષ્પોની સુવાસ દલપત્રો અને વ્રજપત્રોની બંને સપાટીએ રહેલા અધિસ્તરીય કોષોમાં ઉત્પન્ન થતા બાષ્પશીલ તેલને આભારી છે. પુષ્પો છોડ ઉપરથી છૂટાં પડ્યાં પછી પણ તેઓમાં બગાડ શરૂ ન થાય ત્યાં સુધી કુદરતી સુવાસ છોડવાનું ચાલુ રાખે છે. સૂર્યાસ્ત પછી પુષ્પો ખૂલે ત્યારે સુવાસ ઉત્પન્ન થવી શરૂ થાય છે અને સૂર્યોદયના થોડાક કલાક પછી સુવાસનું નિર્માણ અટકી જાય છે; પરંતુ રાત્રી દરમિયાન થતા બાષ્પશીલ તેલના ઉત્પાદનથી પુષ્પો સુવાસ ઉત્સર્જિત કરવાનું ચાલુ રાખે છે.

ચમેલીનાં પુષ્પોમાંથી એન્ફ્લૂરેજ (enfleurage) કે દ્રાવક-નિષ્કર્ષણ દ્વારા અત્તર મેળવવામાં આવે છે. બાષ્પ-નિસ્યંદન (steam-distillation) દ્વારા તેનું ઉત્પાદન ઘણું ઓછું મળે છે. પુષ્પોના એકત્રીકરણ પછી પણ તેલનું નિર્માણ ચાલુ રહેતું હોવાથી એન્ફ્લૂરેજ દ્વારા દ્રાવક-નિષ્કર્ષણ કરતાં 2–3 ગણું વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય છે. જોકે દ્રાવક-નિષ્કર્ષણ આર્થિક રીતે વધારે અનુકૂળ છે; કારણ કે તેના દ્વારા બધાં જ સુગંધિત સંયોજનો મળે છે; એટલું જ નહિ, પરંતુ મજૂરી-ખર્ચ પણ બચાવી આપે છે.

ચમેલીના અત્તરનું વિવિધ પદ્ધતિઓ દ્વારા પ્રાપ્ત થતું ઉત્પાદન આ પ્રમાણે છે : જલનિસ્યંદન 0.020–0.022 %, બાષ્પ-નિસ્યંદન 0.025–0.030 %, એન્ફ્લૂરેજ 0.180 % અને દ્રાવક-નિષ્કર્ષણ 0.040 %.

ચમેલીના અત્તરના ભૌતિક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ.ગુ. 0.9814 (22° સે.), વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન (specific optic rotation) [α]° + 4.26° (20° સે.), વક્રીભવનાંક (n) 1.4970 (22° સે.), ઍસિડ-આંક 1.16, સાબૂકરણ-આંક 278.06, ઍસ્ટર દ્રવ્ય (બૅન્ઝાઇલ ઍસિટેટ તરીકે) 74.8 %.

ભૌતિકરાસાયણિક ગુણધર્મો : દ્રાવક-નિષ્કર્ષણથી પ્રાપ્ત થતું ચમેલીના પુષ્પનું નક્કર દ્રવ્ય (concrete) મીણ જેવું હોય છે. તે લાલ-બદામી રંગનું હોય છે અને પુષ્પની સુગંધ ધરાવે છે. તે 95 % આલ્કોહૉલમાં અંશત: દ્રાવ્ય હોય છે. તેનું શુદ્ધ દ્રવ્ય (absolute) ઘટ્ટ, સ્વચ્છ અને પીળા-બદામી પ્રવાહી સ્વરૂપનું હોય છે તથા જીવંત પુષ્પો જેવી આનંદદાયી સુગંધી આપે છે. તે 95 % આલ્કોહૉલમાં દ્રાવ્ય હોય છે. સમય જતાં શુદ્ધ દ્રવ્ય ઘેરા લાલ રંગનું બને છે અને ભૂખરો નિક્ષેપ ઉત્પન્ન કરે છે.

બંધારણ : ચમેલીના તેલનું મુખ્ય ઘટક બૅન્ઝાઇલ ઍસિટેટ છે. અન્ય ઘટકો આ પ્રમાણે છે : લિનેલીલ ઍસિટેટ, બૅન્ઝાઇલ બૅન્ઝોએટ, બૅન્ઝાઇલ આલ્કોહૉલ, જિરાનીઓલ, નેરોલ, ટર્પિનીઓલ, લિનેલૂલ, યુજિનોલ, p-ક્રેસોલ, ક્રિઓસોલ, લૅક્ટોન, બૅન્ઝાલ્ડિહાઇડ, જૅસ્મોન, બૅન્ઝોઇક ઍસિડ, મિથાઇલ ઍન્થ્રેનિલેટ અને ઇન્ડોલ.

પુષ્પોનો પેટ્રોલિયમ ઈથર-નિષ્કર્ષણ બાષ્પશીલ તેલ ઉપરાંત, રંગીન દ્રવ્ય અને મીણ ધરાવે છે. આ મીણ અત્તરોનું સારું સ્થાપક ગણાય છે. મીણ અલ્પ પ્રમાણમાં અર્ક ધરાવે છે; જેનો ઉપયોગ સાબુની બનાવટમાં થાય છે.

ઉપયોગ : ચમેલીના તેલનો ગુલાબ પછીનાં ઉત્તમ કક્ષાનાં અત્તરો બનાવવામાં ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ સુગંધિત સાબુઓ, સૌંદર્યપ્રસાધન, મુખ પ્રક્ષાલકો, દંતમંજન અને તમાકુ બનાવવામાં કરવામાં આવે છે. તે અગરબત્તી અને ધૂમક (fumigant) બનાવવામાં પણ વપરાય છે. નક્કર દ્રવ્યના આલ્કોહૉલ ધાવન(washing)માંથી હાથરૂમાલનાં અત્તર બનાવાય છે.

એક અર્વાચીન અંદાજ પ્રમાણે ચમેલીના નક્કર દ્રવ્યનું વિવિધ દેશોનું કુલ ઉત્પાદન 5,000 કિગ્રા. જેટલું થાય છે, જેનું લગભગ 50 % જેટલું ઉત્પાદન ગ્રાસી(ફ્રાન્સ)માં થાય છે.

બળદેવભાઈ પટેલ

 બળદેવપ્રસાદ પનારા