ચતુર્વેદી, પરશુરામ (જ. 25 જુલાઈ 1894, જવહી ગાંવ, જિ. બલિયા, ઉ. પ્ર.) : સંત-સાહિત્ય અને ઉત્તર ભારતની સંત પરંપરાના મૂર્ધન્ય વિદ્વાન, આલોચક અને વૈજ્ઞાનિક સમીક્ષા-પદ્ધતિના પ્રયોજક. પિતાનું નામ રામછબીલે ચતુર્વેદી. બચપણથી જ પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. બલિયામાં મામાને ત્યાં રહી અંગ્રેજી શિક્ષણ લીધું અને 1914માં મૅટ્રિક પાસ થયા. પછીના શિક્ષણ માટે પ્રયાગની કાયસ્થ પાઠશાળામાં દાખલ થયા. રહેવાની વ્યવસ્થા હિંદુ બૉર્ડિંગમાં થઈ. એમના સમકાલીન છાત્રોમાં આચાર્ય નરેન્દ્ર દેવ, ડૉ. ધીરેન્દ્ર વર્મા, ડૉ. બાબુરામ સક્સેના, કવિવર સુમિત્રાનંદન પંત જેવા વિદ્યાનુરાગીઓ હતા. પરશુરામજી પણ આ જ્ઞાનસંપન્ન મહાનુભાવોની ગોષ્ઠીનો લાભ પામ્યા. આ લોકોમાંથી કેટલાકે આગળ જતાં (1923–24 દરમિયાન) પ્રયાગ વિશ્વવિદ્યાલયમાં હિંદી પરિષદની સ્થાપના કરી. પં. પરશુરામ એના પ્રથમ મંત્રી તરીકે નિયુક્ત થયા. 1925માં એમણે બલિયામાં વકીલાત શરૂ કરી. એની સાથોસાથ સંશોધન અને લેખનની પ્રવૃત્તિ વધતી રહી. એમની ખ્યાતિ હિંદી જગતમાં એક કુશળ સંશોધક અને વિવેચક તરીકે રહી. પ્રયાગ આવ્યા પછી લેખનનો પ્રારંભ તેમણે રાષ્ટ્રવાદી કવિતાઓ લખીને કરેલો અને ‘પ્રતાપ’ના સંપાદક ગણેશશંકર વિદ્યાર્થી એમની રચનાઓને છાપતા રહ્યા. દરમિયાનમાં એમણે બે દાયકા જેટલો સમય સંસ્કૃત તેમજ હિંદીના સમગ્ર ભક્તિ અને શૃંગારપ્રધાન સાહિત્યનો તલસ્પર્શી અને તુલનાત્મક અભ્યાસ કર્યો જેની ફલશ્રુતિ રૂપે મહત્વના દશ ગ્રંથો હિંદી ભાષામાં પ્રકાશિત થયા. ‘મીરાબાઈકી પદાવલી’ અને ‘ઉત્તર ભારતકી સંત પરંપરા’ (1951). ‘સૂફી કાવ્યસંગ્રહ’ (1951), ‘સંતકાવ્ય’, ‘હિન્દી કાવ્યધારામેં પ્રેમપ્રવાહ’ (1952), ‘વૈષ્ણવ ધર્મ’, ‘માનસકી રામકથા’ (1953), ‘ગાર્હસ્થ્ય જીવ ઔર ગ્રામસેવા’ (1952), ‘નવ-નિબંધ’ (1951), ‘મધ્યકાલીન પ્રેમસાધના’ (1952) આ કૃતિઓમાં ‘ઉત્તર ભારતકી સંત પરંપરા’ મૌલિક અને વિવેચનાત્મક ગ્રંથ છે. એને ઉત્તર ભારતના સંતો અને તેમના સંપ્રદાયોનો વિશ્વકોશ કહીને એનું વિદ્વદ્ જગતમાં ભારે બહુમાન થયું છે.
પ્રવીણચંદ્ર પરીખ