ચતુર્વેદી, માખનલાલ (જ. 4 એપ્રિલ 1888, બાબઈ, જિ. હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 30 જાન્યુઆરી 1968, ખંડવા) : હિંદીના પ્રસિદ્ધ કવિ, અગ્રણી પત્રકાર તથા સ્વાતંત્ર્યસેનાની. તેમના પિતા પંડિત નંદલાલ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. વતનમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ તેમણે બુંદેલખંડમાં પારંપરિક સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પોતાના પ્રયત્નથી અંગ્રેજી તથા અન્ય ભારતીય ભાષાઓ શીખ્યા.

માખનલાલ ચર્તુવેદી

તેઓ 1907માં ખંડવામાં કેટલોક વખત શિક્ષક તરીકે જોડાયા અને 1931 સુધી અધ્યાપનકાર્ય કર્યું. પછી પત્રકારત્વમાં પડ્યા. ‘પ્રભા’, ‘કર્મવીર’ અને ‘પ્રતાપ’ના સંપાદક રહ્યા (1920). 1921માં તેઓ રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય બન્યા. લોકમાન્ય ટિળક અને ગાંધીજીના રાજકીય વિચારોની તેમના પર ઊંડી અસર થઈ હતી. સવિનય કાનૂનભંગની ચળવળમાં તેમણે ભાગ લીધો અને બે વાર જેલવાસ ભોગવ્યો. જેલવાસ દરમિયાન તેમણે જે કાવ્યસર્જન કર્યું તે હિંદી સાહિત્યનો ચિરકાલીન વારસો બન્યો. આઝાદી પછીની તેમની કાવ્યરચનાઓમાં પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક ચિંતન તરફનો ઝોક ર્દષ્ટિગોચર થાય છે.

તેમનું કુટુંબ વૈષ્ણવસંપ્રદાયનને વરેલું હતું. તેમના ઘડતરમાં અને આધ્યાત્મિક ચિંતનમાં આ સંપ્રદાયના ધાર્મિક વિચારોએ ઊંડી અસર કરી હતી. ‘એક ભારતીય આત્મા’ તખલ્લુસથી તેઓ કાવ્યરચના કરતા હતા. તેઓ જ્વલંત રાષ્ટ્રવાદ અને ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા હતા.

તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે : ‘હિમકિરીટિની’ (1942), ‘હિમતરંગિની’ (1952), ‘માતા’ (1952), ‘યુગચરણ’ (1956), ‘સમર્પણ’ (1957), ‘વેણુ લો ગુંજે ધરા’ અને ‘બીજુરી કાજલ આંજ રહી’ (1964). ‘સાહિત્યદેવતા’ (1943), ‘અમીર ઇરાદે, ગરીબ ઇરાદે’ એ તેમના નિબંધસંગ્રહો છે. ‘કૃષ્ણાર્જુનયુદ્ધ’ (1928) નામક નાટક, ‘સમય કે પાંવ’ સ્મૃતિલેખસંગ્રહ તથા ‘કલા કા અનુવાદ’ વાર્તાસંગ્રહ પણ તેમણે આપ્યા છે.

1929 અને 1938માં તેઓ અખિલ ભારતીય હિંદી પત્રકારપરિષદના પ્રમુખ; 1930, 1935માં પ્રાદેશિક હિંદી સાહિત્યસંમેલનના પ્રમુખ અને 1953માં અખિલ ભારતીય હિંદી સાહિત્યસંમેલનના પ્રમુખ રહ્યા. 1955ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1959માં સાગર યુનિવર્સિટી તરફથી ડૉક્ટર ઑવ્ લિટરેચરની માનાર્હ ઉપાધિ અને 1963માં ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત થયાં હતાં.

સુધા શ્રીવાસ્તવ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે