ચતુર્ભુજદાસ (રાધાવલ્લભી) (જ. 1528) : રાધાવલ્લભ સંપ્રદાયના પ્રસિદ્ધ કવિ. નાભાજી ‘ભક્તમાલ’ અને ધ્રુવદાસરચિત ‘ભક્ત નામાવલી’માં તેમનું ચરિત વર્ણવાયું છે. તે પરથી જણાય છે કે આ કવિ જબલપુરની નિકટના ગઢા ગામના વતની હતા. તેમના રચેલા બાર ગ્રંથો ઉપલબ્ધ છે, જે ‘દ્વાદશ યશ’ને નામે પ્રખ્યાત થયા છે. આ બાર ગ્રંથો અલગ અલગ નામે પણ પ્રકાશિત થયા છે જેમાં ‘હિતજૂકો મંગલ’, ‘મંગલસાર-યશ’ તેમજ ‘શિક્ષાસાર-યશ’ તેમની ઉત્કૃષ્ટ રચનાઓ જણાય છે. એમની રચનાઓમાં ભક્તિનો જીવનના સર્વસ્વ તરીકે સ્વીકાર કરવા છતાં એમણે દંભ અને પાખંડોનું પણ ભારે દૃઢતાપૂર્વક ખંડન કર્યું છે. કેટલેક સ્થળે તેમણે પોતાના જમાનાની બુરાઈઓનું પણ વર્ણન કર્યું છે. ગુરુસેવા વગેરે વિષયો પર ભાર પણ મૂક્યો છે. એમની કવિતા કવિતા કરતાં ભાવ-વસ્તુની દૃષ્ટિએ વિશેષ મહત્વની છે. પોતે સંસ્કૃતના વિદ્વાન હોવાને લઈને પોતાના ગ્રંથ ‘દ્વાદશ-યશ’ની સંસ્કૃતમાં સ્વોપજ્ઞ ટીકા પણ રચેલી છે. એમની વ્રજભાષામાં બુંદેલી અને બેસવાડી બોલીઓનો પ્રભાવ ઝલકે છે.
પ્રવીણચંદ્ર પરીખ