ચતુર્ભુજદાસ (અષ્ટ છાપી) (જ. 1530; અ. 1585) : પુષ્ટિમાર્ગના અષ્ટ છાપ ભક્ત કવિઓ પૈકીના એક. ‘બસ બાવન વૈષ્ણવોની વાર્તા’માં તેમજ ‘અષ્ટસખાની વાર્તા’માં એમનું ચરિત મળે છે. ‘સંપ્રદાય કલ્પદ્રુમ’ અનુસાર અષ્ટછાપના કવિ કુંભનદાસનું તેઓ સાતમું સંતાન હતા. ગોવર્ધનની નિકટના જમુનાવતી નામના ગામે તેમનોજન્મ થયો હતો. એમણે 1540માં પુષ્ટિમાર્ગ ગ્રહણ કર્યો હતો. બચપણથી જ એમને કવિતામાં રુચિ હતી. ચતુર્ભુજદાસે કોઈ ગ્રંથવિશેષ રચ્યો નથી પરંતુ તેમનાં છૂટક પદો પ્રાપ્ત થાય છે. કાંકરોલીથી એમના ત્રણ પદ સંગ્રહો પ્રગટ થયા છે. જે ‘ચતુર્ભુજ કીર્તન સંગ્રહ’, ‘કીર્તનાવલી’, અને ‘દાનલીલા’ને નામે પ્રસિદ્ધ છે. ભગવાન કૃષ્ણના જન્મથી લઈને ગોપીવિરહ સુધીના પ્રસંગો એમાં વર્ણવાયા છે. એમની કવિતામાં ભક્તિભાવના માધુર્ય શૃંગારની છટા દૃષ્ટિગોચર થાય છે.

પ્રવીણચંદ્ર પરીખ