ચક્રવર્તી, (કવિકંકણ) મુકુંદરામ

January, 2012

ચક્રવર્તી, (કવિકંકણ) મુકુંદરામ (જ. 1540, દામુન્ય, જિ. બર્દવાન; અ. 1600) : મધ્યકાલીન બંગાળી કવિ. તેમનો જન્મ બર્દવાન જિલ્લાના દામોદર નદીને કાંઠે આવેલા દામુન્યા ગામમાં રાઢી બ્રાહ્મણ હૃદય મિશ્રને ત્યાં થયો હતો. તેમનું ધ્યાન કવિતા, નાટક અને વિવેચન તરફ લગભગ એકસરખું વહેંચાયેલું હતું. અસલમાં તેઓ ગંભીર લેખક હતા, ઘણું કરીને તેઓ અકબરના રાજ્ય દરમિયાન થઈ ગયા.

એમની યશોદાયી કૃતિ અભયમંગલ (ચંડીમંગલ) બંગાળની મંગળ કવિતાનો એક પ્રકાર છે. તેઓએ જણાવ્યું છે કે સ્થાનિક રાજાના અત્યાચારને લીધે તેમને જન્મસ્થાન છોડી મેદિનીપુર જિલ્લામાં અરારાના જમીનદાર બાંકુડારાયને ત્યાં આશ્રય લેવો પડેલો. જમીનદારે પુત્ર રઘુનાથરાયના શિક્ષક તરીકે તેમને નીમ્યા. ત્યાં તેમને દેવી ચંડી સ્વપ્નમાં આવ્યાં અને તેમને લખવા આદેશ આપ્યો. તેથી રઘુનાથરાયના દરબારી કવિ તરીકે ‘ચંડીમંગલ’ લખ્યું, જેને માટે રઘુનાથરાયે તેમને ‘કવિકંકણ’નો ખિતાબ આપ્યો. ‘અભયમંગલ’માં તેમણે શક્તિનો ચંડી રૂપે મહિમા ગાયો છે. દેવીની પ્રશસ્તિ ઉપરાંત દેવીનું માહાત્મ્ય, દેવી ભક્તની કેવી કસોટી કરે છે અને પછી કસોટીમાંથી પાર ઊતરતાં ભક્ત પર કેવી કૃપા વરસાવે છે તે વિશેની કથાઓ પણ છે. તેમણે કાલકેતુ, એની પત્ની ફુલ્લારા, લહાના અને ખુલ્લાના તથા ધનપતિની ચડતી-પડતીની કથાઓ આપી છે. દેવીના આદેશની અવગણના કરતાં કથાનાં પાત્રો પર કેવી આપત્તિ આવે છે એ ત્રણેય કથાઓમાં અસરકારક રીતે દર્શાવ્યું છે. બંગાળનાં મંગલકાવ્યોમાં ‘ચંડીમંગલ’નું ઘણું ઊંચું સ્થાન છે. એની કવિતામાં સમકાલીન બંગાળી ભાષાનું સ્વરૂપ મળે છે. પાત્રનિરૂપણ, કથોપકથન, ભાષાની પ્રાદેશિકતા, વર્ણન, સંવાદ ઇત્યાદિમાં એમની ઉચ્ચ પ્રકારની કાવ્યપ્રતિભાનો પરિચય મળે છે.

ચન્દ્રકાન્ત મહેતા