ચક્રવર્તી, મિથુન (જ. 16 જૂન 1950, કોલકાતા) : હિંદી તથા બંગાળી ચલચિત્રનો મશહૂર અભિનેતા. ‘દો અંજાને’(1976)માં હિંદી ચલચિત્રથી તેણે પોતાની અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને અત્યાર સુધીની (1976–93) કારકિર્દી દરમિયાન તેણે કુલ 168 ચલચિત્રોમાં અભિનય કર્યો છે. શરૂઆતનાં વર્ષો દરમિયાન તેણે વાસ્તવવાદી રાજકીય ચલચિત્રોમાં ભૂમિકા ભજવી હતી. દા.ત., મૃણાલ સેન દિગ્દર્શિત અને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ વિજેતા ‘મૃગયા’ (1977), ‘ધ નક્સલાઇટ્સ’ (1979) તથા ‘હમ પાંચ’ (1980). મનમોહન દેસાઈ દિગ્દર્શિત ‘ગંગા, જમુના, સરસ્વતી’ (1988), પ્રકાશ મેહરાદિગ્દર્શિત ‘જાદુગર’ (1989) તથા મુકુલ આનંદ દ્વારા દિગ્દર્શિત ‘અગ્નિપથ’ (1990) જેમાં તેણે અમિતાભ બચ્ચન સાથે અભિનય કર્યો હતો. વીસમી સદીના નવમા દશકમાં ચલચિત્રનિર્માતાઓ માટે તે એક ‘સુરક્ષિત રોકાણ’ રૂપ ગણાયો હતો. જોકે ‘પ્યાર ઝૂકતા નહીં’ (1984) સુધી તેનું કોઈ પણ ચલચિત્ર બૉક્સ ઑફિસ પર મોટી સફળતા મેળવી શક્યું ન હતું. બી. સુભાષના ‘ડિસ્કો ડાન્સર’ (1982) તથા ‘ડાન્સ ડાન્સ’ (1987) આ બે ચલચિત્રોએ તેને માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ લોકપ્રિયતાની ટોચ પર મૂકી દીધો હતો. ભૂતપૂર્વ સોવિયેટ સંઘમાં પણ આ બે ચલચિત્રોએ પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં. બુદ્ધદેવ દાસગુપ્તા દ્વારા દિગ્દર્શિત બંગાળી ચલચિત્ર ‘તાહાદેર કથા’ના અભિનય માટે તેને રાષ્ટ્રીય પુરસ્કાર (1992) મળ્યો હતો.

મિથુન ચક્રવર્તી

‘મૃગયા’ ઉપરાંત ‘તહોદરકથા’ તથા ‘સ્વામી વિવેકાનંદ’, ‘કાલપુરુષ’ તથા ‘તિતલી’ ચલચિત્રોમાં પણ તેના અભિનયના વખાણ થયા હતા અને તે માટે તેને રાષ્ટ્રીય ચલચિત્ર ઍવૉડર્ઝ પ્રદાન કરવામાં આવ્યા હતા. ‘અગ્નિપથ’માં (1990) સર્વૉત્કૃષ્ટ સહાયક અભિનેતા તથા ‘જલ્લાદ’ ચલચિત્રના અભિનય માટે સવૉર્ત્કૃષ્ટ ખલનાયકનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વર્ષ 1995–2005ના ગાળામાં તેમણે ચલચિત્ર જગતમાંથી વિરાગ લીધો હતો અને 2005માં ‘એલાન’ ચલચિત્રથી તેમણે અભિનયની કારકિર્દીનો પુન:આરંભ કર્યો હતો. વિરામના ગાળામાં (1995–2005) તે હૉટલ વ્યવસાયમાં દાખલ થયા હતા. કલ્પના લાઝમી દ્વારા નિર્મિત ‘ચિનગારી’ (2005), મણિરત્નમ્ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ‘ગુરુ’ (2007) તથા ‘જોર લગા કે હૈયા’ (2009) આ ત્રણ ચલચિત્રો માટે પણ તેમને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા. ‘ફિર કભી’, ‘ડાયરેક્ટ ટુ હોમ’ (DTH) (2009) આ બે ચલચિત્રોમાં તેમણે કરેલ અભિનયની સમીક્ષકોએ પ્રશંસા કરી હતી. ‘ડાયરેક્ટ ટુ હોમ’ (DTH) ચલચિત્ર માટે તેમને જુદી જુદી કક્ષાના છ આંતરરાષ્ટ્રીય ઍવૉડર્ઝ એનાયત કરવામાં આવ્યા હતા. તેમનું ‘ગોલમાલ’ ચલચિત્ર સર્વસામાન્ય પ્રેક્ષકોમાં ખૂબ લોકપ્રિય નીવડ્યું હતું.

હિંદી ચલચિત્રો ઉપરાંત મિથુન ચક્રવર્તીએ બંગાળી ચલચિત્રોમાં પણ અભિનય કર્યો હતો. દા.ત, બુદ્ધદેવ દાસગુપ્તાના ‘તહાદેહ કથા’ ઉપરાંત ‘સ્વામી વિવેકાનંદ’ ચલચિત્રમાં રામકૃષ્ણ પરમહંસના અભિનય માટે તેમને સર્વોત્કૃષ્ટ સહાયક અભિનેતાનો ત્રીજો રાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યો હતો (1995).

ઉપર દર્શાવેલ ઍવૉડર્ઝ અને પારિતોષિકો ઉપરાંત મિથુનને 1995માં સ્ટાર સ્ક્રીન ઍવૉર્ડ; વર્ષ 2009માં ‘સ્ટાર ડસ્ટ ઍવૉર્ડ’ તથા ‘રોલ મૉડેલ ઑવ્ ધ ઇઅર’ ઍવૉર્ડ; 1972 તથા 1995માં બેંગોલ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિયેશન ઍવૉર્ડ; 1999, 2001 તથા 2007માં ‘આનંદલોક ઍવૉડર્ઝ’ તથા ‘ગોલમાલ’ના અભિનય માટે વર્ષ 2011માં આઇ. આઇ. એફ. ઍવૉર્ડ એનાયત થયો છે.

ચલચિત્ર વિશ્વમાં દાખલ થયા પહેલાં તે કટ્ટર નક્સલવાદી ચળવળમાં સક્રિય રહ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે