ચક્રવર્તી, સુખમય (જ. 26 જુલાઈ 1934, મૈમનસિંગ, બાંગ્લાદેશ; અ. 22 ઑગસ્ટ 1990, ન્યૂદિલ્હી) : ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી. વિદ્યાકીય સિદ્ધિઓ અને પાંડિત્ય માટે જાણીતા કુટુંબમાં જન્મ. પિતા ભૂતપૂર્વ બંગાળ રાજ્યમાં ન્યાયાધીશ હતા. શરૂઆતનું શિક્ષણ ઢાકા ખાતે. કલકત્તાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. તથા કલકત્તા યુનિવર્સિટીમાંથી તે જ વિષય સાથે એમ.એ. થયા. થોડા સમય માટે કૉલકાતા ખાતેની ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સેવા આપી અને તે દરમિયાન જાણીતા અર્થશાસ્ત્રી પી. સી. મહાલોનોબિસના માર્ગદર્શનનો લાભ મેળવ્યો.

નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી જાન ટિંબરખેન ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે આવેલા. તે ચક્રવર્તીની પ્રખર બુદ્ધિમત્તાથી પ્રભાવિત થયા અને તરત જ તેમણે ચક્રવર્તીને નેધરલૅન્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક્સ ખાતે ડૉક્ટોરલ કક્ષાના અધ્યયન માટે ફેલોશિપ એનાયત કરી. ‘ધ લૉજિક ઑવ્ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ’ વિષય પર ટિંબરખેનના માર્ગદર્શન હેઠળ એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ચક્રવર્તીએ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. તે પછી બે વર્ષ તેમણે અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માં અધ્યાપન અને સંશોધન કર્યું. 1961–63ના ગાળામાં પોતાની માતૃસંસ્થા પ્રેસિડેન્સી કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવા આપ્યા પછી 1963માં દિલ્હી સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં ગાણિતિક અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા. સાથોસાથ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી તથા જ્હૉન હૉપ્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ જેવી અધ્યાપન અને સંશોધનની વિખ્યાત સંસ્થાઓમાં મુલાકાતી પ્રાધ્યાપક થવાનું બહુમાન મેળવ્યું. 1971માં ભારતના આયોજન પંચના સભ્ય બન્યા. 1976માં રોટરડૅમ ખાતેની ઇરેસ્મસ યુનિવર્સિટીમાં ‘પ્રથમ ટિંબરખેન વિઝિટિંગ પ્રોફેસર’ થવાનું સન્માન મેળવ્યું. તે જ વર્ષે પ્રધાન મંત્રીની આર્થિક નીતિવિષયક સલાહકાર સમિતિના ચૅરમૅનપદે નિમાયા. 1984માં ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘જવાહરલાલ નહેરુ વિઝિટિંગ પ્રોફેસર’ નિમાયા.

અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં સ્પૃહણીય ગણાતો ‘મહાલોનોબિસ સ્મૃતિ ચંદ્રક’ મેળવનાર તે પ્રથમ અર્થશાસ્ત્રી હતા. તેમજ વી. કે. આર. વી. રાવ પારિતોષિકથી પણ તેમને નવાજવામાં આવ્યા હતા.

ભારત અને વિશ્વની અર્થશાસ્ત્રની ઘણી સંસ્થાઓ સાથે તે સંકળાયેલા હતા. દા.ત., ઇકૉનૉમેટ્રિક સોસાયટીના ફેલો (1969) તથા વર્ષો સુધી તેની મધ્યસ્થ સમિતિના સભ્ય, ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક ઍસોસિયેશનના ઉપપ્રમુખ, ઇન્ડિયન ઇકૉનૉમિક ઍસોસિયેશનના પ્રમુખ (1986), ઇન્ડિયન ઇકૉનૉમેટ્રિક સોસાયટીના પ્રમુખ વગેરે.

તેમણે 1980માં ‘આર.સી.દત્ત વ્યાખ્યાનમાળા’, 1987માં ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘રાધાકૃષ્ણન વ્યાખ્યાનમાળા’ તથા 1989માં ‘માર્શલ વ્યાખ્યાનમાળા’ હેઠળ આપેલાં વ્યાખ્યાનો તેમની ઉત્કૃષ્ટ વિદ્વત્તાનાં દ્યોતક બન્યાં છે.

તેમણે લખેલા કેટલાક સંશોધનલેખો અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં તથા આર્થિક નીતિના ક્ષેત્રે પથદર્શક સાબિત થયા છે. દા.ત., 1962માં ‘ઇકૉનૉમેટ્રિકા’માં પ્રકાશિત લેખ, 1962માં ‘ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક રિવ્યૂ’માં પ્રકાશિત લેખ, 1987માં ‘કૅમ્બ્રિજ જર્નલ ઑવ્ ઇકૉનૉમિક્સ’માં પ્રકાશિત લેખ વગેરે. ‘કૅપિટલ ઍન્ડ ડેવલપમેન્ટ પ્લાનિંગ’ નામનો તેમનો ગ્રંથ ખૂબ જાણીતો છે.

ભારત તથા વિશ્વના અન્ય ભાગોમાં વિદ્યાકીય તથા વ્યાવસાયિક ક્ષેત્રે નામના મેળવેલ ઘણી સરકારી અને બિનસરકારી સંસ્થાઓની સ્થાપના તથા વિકાસમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે