ચંદા : ગુજરાતી નવલકથા ‘જનમટીપ’(ઈશ્વર પેટલીકર)ની નાયિકા. ઠાકરડા કોમની આ ખેડૂતકન્યા સાંઢ નાથીને શૌર્ય દાખવે છે, ચોક્કસ આગ્રહો સાથે જીવે છે, વેઠે છે અને કુટુંબને તારે છે. નારીની કુટુંબનિષ્ઠા અને પુરુષસમોવડું પરાક્રમ દાખવતી ચંદા ગ્રામજીવનની વાસ્તવિકતા ઉપર ઊભી રહીને લોકસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.

સાંઢ નાથનાર ચંદાની સગાઈ તૂટે છે અને એના હૈયે વસી ગયેલા ભીમાના માથે મોત ભમે છે. એના બાપા દેવાએ જેહરા કુટુંબના સભ્યનું માથું ફોડ્યું હતું તેથી બદલાનો ભોગ બનવાનો વારો ભીમાનો છે. ચંદાને એની બીક નથી. ભીમાનું ઘર બાંધી ખાવાનું ન મળે, લૂગડાંની વરણાગી ન હોય તોય વાંધો નથી. કામનો એને કંટાળો નથી. પણ ભીમો દારૂ ન પીએ, એલફેલ ન બોલે, ભવાડો ન કરે અને ખાસ તો કોઈ ખરુંખોટું બોલી ન જાય – બોલે તો બચે નહિ – આ શરતો સ્વીકારીને ભીમો પૂનમની રાતે એને લઈ જાય છે.

ચંદા ડાભીની દીકરી મટી વારેચાની વહુ થઈ કુટુંબ સાથે એકરૂપ થઈ કામ કરે છે, ત્યાં પૂંજો એની છેડતી કરે છે. ચંદા ભીમાનું ધ્યાન ખેંચે છે. લગ્ન પહેલાંની શરત ભૂલી ભીમો ‘વખત તો જોવો પડે ને !’ એવો જવાબ આપે છે. નફાતોટાની ગણતરી કરનાર વેર લઈ ન શકે એમ કહી ચંદા પતિ અને સસરાથી ડર્યા વિના વહેલી સવારે સાસરેથી પિયર ચાલી જાય છે.

ભીમો અનિચ્છાએ વિધવા અંબા સાથે લગ્ન કરે છે; ધાડનો સામનો કરતાં ઘવાઈ દવાખાને દાખલ થાય છે. આ જાણતાં જ ચંદા દવાખાને પહોંચી એની સારવાર કરે છે. ભીમો સાજો થઈ ઘેર પાછો વળે છે ત્યારે સસરાના સૂચન છતાં ચંદા ગાડામાં બેસતી નથી, બારોબાર પિયર જાય છે. એ એની ટેક ભૂલી નથી. આથી ભીમો અને દેવો મળીને પૂંજાનું ખૂન કરે છે. ચંદા માને છે કે ભીમાએ ખૂનનો આરોપ પોતાને માથે લઈ લેવો. પણ બંનેને જનમટીપની સજા થાય છે. ચંદા પોતાને બેટા તરીકે ઓળખાવી સસરાને નચિંત કરતાં કહે છે : ‘મરેલું જીવવું એના કરતાં જીવેલું મરવું એ જ મને તો ગમે.’ એ ઘર-ખેતરનાં બધાં કામ કરે છે. નાનાં દિયર-નણંદને વહાલથી ઉછેરે છે. વિપત્તિઓને જાતમહેનતે જીતી લે છે. અગાઉની મનસ્વિની ચંદા અહીં સમર્પણશીલ બની પ્રતીતિજનક વિકાસ સાધે છે.

લેખકે ચંદાના પાત્રને તળપદી પરિસ્થિતિઓમાં પ્રત્યક્ષ કરાવ્યું છે. એના ઉદગારો દ્વારા અને વિશેષ તો વર્તન દ્વારા સ્વમાની અને સ્વાવલંબી શ્રમજીવી નારીનું ગૌરવ થાય છે. ગુજરાતી નવલકથાઓની નાયિકાઓમાં ચંદાનું અરૂઢ પાત્રાલેખન અનન્ય પણ છે.

રઘુવીર ચૌધરી