ચંદરવાકર, પુષ્કર પ્રભાશંકર

January, 2012

ચંદરવાકર, પુષ્કર પ્રભાશંકર (જ. 16 ફેબ્રુઆરી 1921, ચંદરવા, જિ. અમદાવાદ; અ. 16 ઑગસ્ટ 1995, અમદાવાદ) : ‘ર. ર. ર.’, ‘પુષ્પજન્ય’, ‘સુધીર ઘોષ’ તખલ્લુસો. ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક. તેમનું પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ચંદરવા, બોટાદ અને લીંબડીમાં. 1939માં મૅટ્રિક થયા. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે 1944માં બી.એ. તથા ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક ભવનમાંથી 1946માં એમ.એ. થયા. અમદાવાદની એચ.એલ. કૉમર્સ કૉલેજમાં 1947થી અને બી. ડી. આર્ટ્સ કૉલેજમાં 1956થી અધ્યાપનકાર્ય. 1960થી સૌરાષ્ટ્રની વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય કરી 1969થી ’76 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકસંસ્કૃતિ અને ચારણી સાહિત્ય વિભાગમાં રીડર રહ્યા. ત્યારબાદ વતન ચંદરવામાં ‘લોકાયતન’ સંસ્થામાં પ્રાધ્યાપક અને માનદ નિયામક. તેમને 1945માં કુમાર ચંદ્રક એનાયત થયો હતો.

પુષ્કર પ્રભાશંકર ચંદરવાકર

સર્જનાત્મક સાહિત્યમાં તેમણે 15થી વધુ નવલકથાઓ આપી છે, જે પૈકી કેટલીક નીચે પ્રમાણે છે : ‘રાંકનાં રતન’ (1946), ‘પ્રિયદર્શિની’, ‘ઘરજ્યોત’, ‘નંદવાયેલાં હૈયાં’, ‘બાવડાના બળે’ (1954), ‘ભવની કમાણી’ (1954), ‘માનવીનો માળો’ (1955), ‘લીલૂડાં લેજો’ (1956), ‘નવા ચીલે’, ‘ધરતી ભાર શેં ઝીલશે’, – ભા.1 (1963), ભા. 2 (1964), ‘ઝાંઝવાનાં નીર’ – ભા. 1, 2, ‘ગીર અમારી છે !’ (1975) તથા ‘રાંક હૈયાંનાં’ (1976). તે લોકજીવન-વ્યવહારના પ્રત્યક્ષ અનુભવને નવલકથામાં યોજતા. ચંદરવાકર વાસ્તવદર્શી પ્રાદેશિક નવલકથાકાર છે. તેમની લોકપ્રિય નવલકથાઓમાં પઢાર, કોળી જેવી જાતિઓના રીતરિવાજ અને વટવહેવારનું પ્રભાવક નિરૂપણ છે. આ નવલકથાઓમાં ગ્રામવાસીઓ પ્રત્યેનો લેખકનો સદભાવ પણ ર્દષ્ટિગોચર થાય છે. ‘બાંધણી’ (1955), ‘અંતરદીપ’ (1956) અને ‘શુકનવંતી’ (1956) એમના વાર્તાસંગ્રહો છે. મોટા ભાગની વાર્તાઓ પ્રાદેશિક વાતાવરણ પર અવલંબિત છે.

ચંદરવાકરે ‘પિયરનો પડોશી’ (1952), ‘યજ્ઞ’ (1955), ‘મહીના ઓવારે’ (1955) અને ‘સહકારમાં’ (1958) નામક એકાંકીસંગ્રહો પણ આપ્યા છે. તેમણે નવલકથાઓની જેમ એકાંકીઓમાં પણ ભાલ અને નળકાંઠાના ગ્રામપ્રદેશના લોકોના જીવનમાં ડોકિયું કરાવવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે. નવલકથાની જેમ અહીં પણ આ પ્રદેશની બોલીઓનો પ્રયોગ કર્યો છે. ‘રંગલીલા’ (1957) એમણે કરેલું નટીશૂન્ય એકાંકીઓનું સંપાદન છે.

ઝવેરચંદ મેઘાણી પછી લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ ક્ષેત્રે ચંદરવાકરનું પ્રદાન ઉલ્લેખનીય છે. ‘ધરતી ફોરે ફોરે’ (1970), ‘રસામૃત’ (1978), ‘લોકામૃત’ (1980) વગેરે એમના વિવેચનસંગ્રહો છે. તેમનું મોટા ભાગનું વિવેચન લોકતત્વીય અભિગમથી થયેલું આસ્વાદમૂલક છે. ‘સાહિત્યકાર અને યુગધર્મ’, ‘અસ્તિત્વવાદ’, ‘ગુજરાતનો નાથમાંનાં આધારબીજો’, ‘હમીરજી ગોહિલ – એક લોકતત્વીય અધ્યયન’, (1953), ‘પ્રાદેશિક નવલકથા’ વગેરે તેમના ઉલ્લેખનીય લેખો છે. તેમની પાસેથી લોકવાર્તાના સ્વરૂપને ચર્ચતું પુસ્તક ‘લોકવાર્તા’ (1979) પણ પ્રાપ્ત થાય છે. ‘પઢાર : એક અધ્યયન’ (1953) પઢાર જાતિના અભ્યાસનો ગ્રંથ છે. ચારણી સાહિત્યના ‘અંગદવિષ્ટિ’ (1974) અને ‘કુંડળિયા જશરાજ હરધોળાણીરા’ (1974) એમનાં અભ્યાસનિષ્ઠ સંપાદનો છે. એમણે બનાસકાંઠાથી સોનગઢ-વ્યારા સુધીના પ્રદેશનો પ્રવાસ ખેડીને ભીલ, પોશી, પઢાર, કોળી વગેરે જાતિઓના સમાજજીવનને પ્રતિબિંબિત કરતાં ‘નવો હલકો’ (1956), ‘ચંદર ઊગ્યે ચાલવું’ (1964) અને ‘વાગે રૂડી વાંસળી’ (1969) એ લોકગીતોના સંગ્રહો; ‘ખેતરનો ખેડુ’ (1955), ‘સોંપ્યાં તુજને શીશ’ (1966), ‘સોનાની ઝાળ’ (1970) અને ‘ઓખામંડળની લોકકથાઓ’ નામે લોકવાર્તાસંગ્રહો પણ એમણે આપ્યા છે. તેમણે લોકઘડતરમાળાની 12 પુસ્તિકાઓનું સંપાદન કર્યું છે. ‘નવો હલકો’નું વિષયવાર વર્ગીકરણ તથા ‘ઓલ્યા કાંઠાનાં અમે પંખીડાં’માંનાં કાશ્મીર, અસમ, પંજાબ, બિહાર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશનાં લોકગીતો, એનો આસ્વાદ, ગઢવાલી લોકગીતો અને બીહુ લોકગીતો વિશેનો એમનો અભ્યાસ ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત એમણે ‘પ્રાણીઘર’ (1956) નામક બાળકથા તથા ‘રેવલા ગોરનો નાનુ’ નામક કિશોરકથાઓ પણ રચી છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ