ચંદાવરકર, સર નારાયણ ગણેશ

January, 2012

ચંદાવરકર, સર નારાયણ ગણેશ (જ. 2 ડિસેમ્બર 1855, હોનાવર, કર્ણાટક; અ. 14 મે 1923, બૅંગાલુરુ) : અગ્રણી સમાજસુધારક, ધારાશાસ્ત્રી તથા રાજનીતિજ્ઞ. 1871માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક તથા 1876માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. તે જ કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. 1881માં સરકારી લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા અને વકીલાત શરૂ કરી. 1885માં ઇંગ્લૅન્ડમાં સામાન્ય ચૂંટણી થવાની હતી તે વખતે ત્યાં લોકમત કેળવવા માટે 3 સભ્યોના પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે ઇંગ્લૅન્ડનો 3 માસનો પ્રવાસ ખેડ્યો.

1885માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના થતાં તેના આજીવન સભ્ય બન્યા. 1900માં લાહોર ખાતે ભરાયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનનું પ્રમુખપદ શોભાવ્યું. 1901માં મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિપદે નિમણૂક થતાં રાજકારણમાંથી કામચલાઉ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી (1901–12). 1912માં હોળકર રાજ્યના દીવાન નિમાયા (1912–14). 1914માં તે પદ પરથી રાજીનામું આપી ફરી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. કૉંગ્રેસ મવાળ અને જહાલ એવાં બે જૂથોમાં વહેંચાઈ ગઈ ત્યારે તેમણે 1918માં મવાળ જૂથના અગ્રણી નેતા તરીકે ભૂમિકા ભજવી. જલિયાંવાલા બાગની હત્યાકાંડની તપાસ માટે નિમાયેલ હંટર કમિશનના અહેવાલને વખોડી કાઢી તેની વિરુદ્ધના આંદોલનમાં તેમણે ભાગ લીધો. 1921માં ગાંધીજીએ તેમની સલાહથી જ સવિનય કાનૂનભંગની ચળવળ સમેટી લીધી હતી. 1921માં રચાયેલ મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલના તે બિનસરકારી અધ્યક્ષ નિમાયા (1921–23).

સર નારાયણ ગણેશ ચંદાવરકર

રાજકારણ ઉપરાંત અનેક ક્ષેત્રોમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી. 1878–88 દરમિયાન ‘ઇન્દુપ્રકાશ’ દ્વિભાષી પત્રની અંગ્રેજી આવૃત્તિના તંત્રીપદે તેમણે આપેલી સેવાને લીધે આ સામયિકની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો હતો. તે ઘણી સંસ્થાઓના સ્થાપક પ્રમુખ હતા; તેમાં ‘બૉમ્બે (પ્રેસિડન્સી) સોશિયલ રિફૉર્મ ઍસોસિયેશન’ (1903), ‘ડિપ્રેસ્ડ ક્લાસીસ મિશન સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ (1906) તથા ‘સોશિયલ સર્વિસ લીગ’ (1911) વિશેષ ઉલ્લેખનીય છે. ઉપરાંત, તેમણે ‘રૉયલ એશિયાટિક સોસાયટી’, ‘પ્રાર્થનાસમાજ’ — મુંબઈ શાખા (1901–23) તથા ‘સ્ટુડન્ટ્સ બ્રધરહૂડ’ જેવી સંસ્થાઓના પ્રમુખપદે પણ કામ કર્યું હતું. તે 4 વર્ષ સુધી મુંબઈ યુનિવર્સિટીના કુલપતિ રહ્યા હતા. આમ તે મુંબઈની સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા.

સ્ત્રીઓ તથા દલિત વર્ગના ઉત્થાન માટે તેમને મતાધિકાર આપવાની તેમણે જોરદાર હિમાયત કરી હતી. તેમની જીવનર્દષ્ટિ તથા કાર્યપદ્ધતિ પર ડૉ. રામકૃષ્ણ ભાંડારકર, એન. એમ. પરમાનંદ, મહાદેવ ગોવિંદ રાનડે, ન્યાયમૂર્તિ તેલંગ તથા ફિરોજશાહ મહેતા જેવા દિગ્ગજોની ઊંડી અસર હતી.

જાહેર જીવનની તેમની કારકિર્દીની કદરરૂપે બ્રિટિશ સરકારે તેમને નાઇટહૂડનો ખિતાબ એનાયત કર્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે