ચંદગીરામ

January, 2012

ચંદગીરામ (જ. 9 નવેમ્બર 1937, હિસ્સાર જિલ્લો, હરિયાણા; અ. 29 જૂન 2010, ન્યુ દિલ્હી) : ભારતના કુસ્તીબાજ. 1954માં મૅટ્રિકમાં ઉત્તીર્ણ થયા બાદ આર્ટ ઍન્ડ ક્રાફ્રટનો ડિપ્લોમા મેળવી 1957માં મુંઢાલાની સરકારી હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક તરીકે કામ કર્યું; પરંતુ સાથોસાથ પહેલવાનીમાં રસ હોવાથી અને એમના કાકા સદારામ જાણીતા પહેલવાન હોવાથી પોતે પહેલવાન થવાનું નક્કી કર્યું. 18 વર્ષની ઉંમરે સિસાય ગામના દરેક પહેલવાનને હરાવ્યા પછી દિલ્હીમાં યમુનાના કુદસિયા ઘાટ પર અખાડાનું સંચાલન કરનાર ચિરંજીગુરુ પાસે વિવિધ પ્રકારની પકડો, દાવ, પ્રતિદાવ, ચીત કરવાના દાવ વગેરે યુક્તિ-પ્રયુક્તિઓ શીખ્યા. તેઓ ઈરાનના કોચ હમીદી પાસેથી નેલ્સનનો દાવ પણ શીખ્યા અને પહેલવાની માટે સજ્જ બન્યા.

ચંદગીરામ

1961માં અજમેરમાં અને 1963માં જલંધરની રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં વિજેતા બન્યા. 1962માં દિલ્હી, 1968માં રોહતક અને 1972માં ઇંદોરમાં યોજાયેલી કુસ્તી સ્પર્ધામાં 3 વખત ‘હિંદ કેસરી’નું બિરુદ પ્રાપ્ત કર્યું. 1968 અને 1969માં દિલ્હીમાં ‘ભારતકેસરી’ અને 1969માં જમ્મુમાં ‘રુસ્તમ-એ-હિંદ’ ખિતાબ મેળવ્યો. 1969 અને 1970માં લખનૌમાં ‘ભારત ભીમ’નું ગૌરવ પ્રાપ્ત કર્યું. વિશ્વવિજયી ઈરાની પહેલવાન અનવરી અબુલફજીને હરાવીને પહેલવાન ગામાની જેમ તેઓ વિશ્વવિજેતા બન્યા. 1970માં બૅંગકૉકમાં યોજાયેલ સ્પર્ધામાં ‘એશિયા ચૅમ્પિયન’ અને 1972માં ‘મહાભારત કેસરી’નો ખિતાબ મેળવ્યો. એ પછી હરિયાણા રાજ્યના ઍડિશનલ ડિરેક્ટર ઑવ્ સ્પૉર્ટ્સ તરીકે થોડો સમય કાર્ય કર્યું. એક ધાર્મિક ફિલ્મમાં અને ટારઝનની ભૂમિકાવાળી ફિલ્મમાં તેમણે નાયક તરીકે અભિનય કર્યો. તેમને ભારત સરકાર તરફથી 1969માં અર્જુન ઍવૉર્ડ અને 1970માં પદ્મશ્રી એનાયત થયેલ છે.

હર્ષદભાઈ પટેલ