ચંડોળ : માથા પર મોટી કલગી ધરાવતું પૅસેરેફોર્મિસ શ્રેણીના એલાઉડિડે કુળનું પક્ષી. શાસ્ત્રીય નામ Galerida cristata chendoola; અંગ્રેજી crested lark. ખુશ હોય કે ચિડાયું હોય ત્યારે ચંડોળ કલગી ઊંચી કરે છે. તેનો રંગ રતાશ પડતો કથ્થાઈ હોય છે. તેના શરીર પર કાળા પટ્ટા હોય છે. તે ચકલીથી જરાક મોટું છે. પૂંછડી સાથે ચંડોળની લંબાઈ 17 સેમી. જેટલી થાય છે.

ચંડોળ

ઝાડપાનવાળા પ્રદેશોમાં તે રહે છે. અમદાવાદની આસપાસ તેને મોટે ભાગે બારેય માસ જોઈ શકાય છે. તેનો ખોરાક મુખ્યત્વે અનાજના દાણા અને કીટકો છે. ચંડોળનાં બચ્ચાં ઘણુંખરું કીટકોનું ભક્ષણ કરતાં હોય છે. સ્વભાવે તે ખુશદિલ અને નીડર હોય છે. તેનું ગાન ખાસ કરીને સંવનનકાળ દરમિયાન અત્યંત મધુર હોય છે. જુદી જુદી જોડીમાં કે 4-5ની કૌટુંબિક ટોળીમાં ચંડોળ ખુલ્લામાં જોવા મળે છે. સામાન્ય રીતે ‘ટી-ઉર’ એવો મીઠો અવાજ કાઢે છે.

એપ્રિલ-મે મહિનામાં ચંડોળનો સંવનનકાળ હોય છે. આ સમય દરમિયાન નર મધુર અવાજે ગાતો ગાતો ગગનવિહાર કરે છે. તે જુદાં જુદાં પંખીઓના અવાજની નકલ કરે છે. જમીન પર રહેલ માદાનું ધ્યાન નર તરફ ખેંચાતાં અવકાશમાં ઘૂમતો નર તીરની ગતિએ નીચે ઊતરે છે અને પોતાની પૂંછડી ઊંચી રાખી, પાંખ ફફડાવી માદાની આસપાસ નાચવા લાગે છે. નર અને માદા બંને મળીને ઘાસ કે વાળ જેવા પદાર્થોમાંથી જમીન પર છીછરા વાટકાના આકારનો માળો બાંધે છે. માદા માળામાં 3થી 5 ઈંડાં મૂકે છે અને 12થી 13 દિવસ તેનું સેવન કરે છે.

મ. શિ. દૂબળે