ચંદન (સુખડ)

January, 2012

ચંદન (સુખડ) : દ્વિદળી વર્ગના સેન્ટેલેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Santalum album Linn. (સં. હિં. મ. ચંદન; ક. શ્રીગંધમારા; તે. ચંદનમુ; તા. મલા. ચંદનમારં; ફા. સંદલ; અ. સંદલે, અબાયદ; અં. સેંડલવૂડ) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું (8–10 મી. ઊંચું) અર્ધ-પરોપજીવી (semi-parasite), સદાહરિત (evergreen) અને પાતળી શાખાઓ ધરાવતું વૃક્ષ છે. કેટલીક વાર તેની 18 મી. સુધીની ઊંચાઈ અને 2.4 મી.નો ઘેરાવો જોવા મળે છે. તે દ્વીપકલ્પીય (peninsular) ભારતના પ્રમાણમાં સૂકા પ્રદેશોમાં વિંધ્ય ગિરિમાળાથી દક્ષિણમાં ખાસ કરીને મૈસૂર અને તમિળનાડુમાં આશરે 1200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેનો રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસામાં પ્રવેશ કરાવાયો છે; પરંતુ આ વિસ્તારોમાં ઉત્પન્ન થતું ચંદન હલકી કક્ષાનું હોય છે. આ વૃક્ષ મહારાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ઉગાડવામાં આવ્યાં છે. તેની છાલ ઘરડાં વૃક્ષોમાં રતાશપડતી કે ઘેરી-ભૂખરી કે લગભગ કાળી, ખરબચડી અને ઊંડી ઊભી તિરાડોવાળી હોય છે. પર્ણો ચળકતાં, અરોમિલ, પાતળાં, ઉપવલયી-અંડાકાર (elliptic-ovate) કે અંડ-ભાલાકાર (ovate-lanceolate), 1.5–8 સેમી. × 1.6–3.2 સેમી.; કેટલીક વાર વધારે મોટાં હોય છે. પુષ્પો તૃણ-પીત (straw-coloured), બદામી-જાંબલી, રાતાં-જાંબલી કે જાંબલી રંગનાં, સુગંધરહિત હોય છે અને અગ્રસ્થ કે કક્ષીય લઘુપુષ્પગુચ્છ (paniculate) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનું, ગોળ, 1.3 સેમી. વ્યાસવાળું, જાંબલી–વાદળી રંગનું અને સખત ખાંચોવાળું અંત:ફલાવરણ ધરાવે છે. બીજ ગોળ કે પ્રતિઅંડાકાર હોય છે.

ચંદન સૌથી જૂનાં અત્તર-દ્રવ્યો પૈકીનું એક ગણાય છે. તેનો 2000થી વધારે વર્ષ જૂનો અંતરાયરહિત ઇતિહાસ છે. આ વૃક્ષ સંભવત: દ્વીપકલ્પીય ભારતનું સ્થાનિક છે. છતાં કેટલાક વિજ્ઞાનીઓ તેને વિદેશી (exotic) માને છે અને તેનો પ્રવેશ ટિમોર(ઇન્ડોનેશિયા)માંથી ભારતમાં થયો છે. તેનો ભારતીય પૌરાણિક કથાઓ, લોકસાહિત્ય અને ધર્મકથાઓમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પતંજલિ મહાભાષ્ય (ઈ. પૂ. 100 વર્ષ), ધમ્મપદ, જાતક, અંગુત્તર, વિનયપતાકા(ઈ. પૂ. 400–300 વર્ષ)માં તથા કૌટિલ્યે ‘અર્થશાસ્ત્ર’માં ચંદનની જાતનું વર્ણન કર્યું છે. વળી, તેનો ઉલ્લેખ મહાકાવ્યો રામાયણ અને મહાભારતમાં પણ થયેલો છે. ભારતના પ્રાચીન સાહિત્યમાં કેટલાંક સ્થળોએ Pterocarpus santalinus Linn. f. (રાતું ચંદન)નો ‘ચંદન’ તરીકેનો સંદર્ભ આપવામાં આવ્યો છે. જોકે ભારતમાં લગભગ 23 સદીઓથી ચંદન (S. album) ઉછેરવામાં આવે છે, તેવા ઘણા પુરાવાઓ સાંપડ્યા છે.

ચંદનનું વૃક્ષ મૂળપરોપજીવી છે, જે યજમાન  વનસ્પતિ સાથે ચૂષકમૂળ (haustoria) દ્વારા સંપર્ક સાધે છે. તે ચૂના અને પોટાશના ક્ષારો તેનાં મૂળ દ્વારા જમીનમાંથી સીધેસીધા શોષે છે; પરંતુ નાઇટ્રોજન  અને ફૉસ્ફરસ માટે અંશત: તે યજમાન ઉપર આધાર રાખે છે. આ તત્વો તે ચૂષકમૂળ દ્વારા શોષે છે.

આકૃતિ 1 : ચંદનનું વૃક્ષ

આ વૃક્ષનો રોપ અર્ધપરોપજીવી હોવાથી તેને ઉછેરતી વખતે બીજ સાથે તુવેર, કાસીદ અથવા એવી જાતના બીજા રોપા તે જ ક્યારી અથવા કૂંડામાં ઉછેરવામાં આવે છે અને થોડા મોટા થાય ત્યારે બંને રોપાને એક જ સ્થળે વાવી દેવામાં આવે છે. બે-ત્રણ વર્ષ બાદ ચંદનનો રોપ પોતાની જાતે પોષણ મેળવવા શક્તિમાન બની જતો હોવાથી સ્વતંત્ર રીતે ઊગી રહે છે. પછી તેને સહાયક રોપાની આવશ્યકતા રહેતી નથી. દક્ષિણ ભારતના કુદરતી વન્ય પ્રદેશોમાં આ વૃક્ષનાં ફળ આરોગતાં પક્ષીઓની ચાંચમાંથી પડતાં બીજ આપોઆપ ઊગી નીકળતાં તેનું નૈસર્ગિક પુનર્જનન (natural regeneration) પણ સારા પ્રમાણમાં થાય છે. સસલાં તથા હરણો તેના રોપાઓ ચરી જતાં હોય છે. ચંદન વૃક્ષનું કાષ્ઠ ઘણું મોંઘું હોવાથી તેની ચોરી પણ બહોળા પ્રમાણમાં થતી રહે છે. આવી ચોરી રોકવા જે તે પ્રદેશની સરકાર પણ કડક જાપ્તો ગોઠવતી રહે છે.

જોકે વૃક્ષ સદાહરિત હોવા છતાં વરસાદ ખેંચાતાં કે શુષ્ક ઋતુઓમાં પર્ણસમૂહ આછો થઈ જાય છે અને નવાં પર્ણો પહેલા વરસાદમાં મે માસમાં અને ચોમાસા પછી ઑક્ટોબરમાં બેસે છે. પુષ્પ અને ફળનિર્માણ વહેલાં થતું હોવા છતાં બીજનું સારું ઉત્પાદન 20 વર્ષ પછી થવા લાગે છે. ફળનિર્માણ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર માસમાં અને ફરીથી નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે થાય છે. ચંદન વિપુલ પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે. લગભગ 4300 –6000 બીજનું વજન એક કિલોગ્રામ જેટલું થાય છે.

આબોહવા : આ વૃક્ષ 600 મી.થી માંડી 1050 મી.ની ઊંચાઈ સુધી ખૂબ સારી રીતે થાય છે. ચંદન ધરાવતા મહત્વના પ્રદેશોમાં 60થી 160 સેમી. જેટલો વરસાદ થાય છે. તેને 250 સેમી. કે તેથી વધારે વરસાદવાળા પ્રદેશોમાં ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. અંત:કાષ્ઠ(heartwood)નું નિર્માણ 600થી 900 મિ.ની ઊંચાઈએ અને 85–135 સેમી. વરસાદવાળાં સ્થળોએ સૌથી સારી રીતે થાય છે. ચંદનને ઠંડી આબોહવા, મધ્યમ વરસાદ, ખુલ્લો સૂર્યપ્રકાશ અને શુષ્ક આબોહવાનો લાંબો ગાળો અનુકૂળ હોય છે. તે શિરોપરિ (overhead) છાંયડો સહન કરી શકતું નથી.

જમીન : ચંદન મોટે ભાગે પટ્ટિતાશ્મ (gneiss) પ્રકારના રૂપાંતરિત (metamorphic) ખડકો ઉપર આવેલી રાતી લોહમય (ferruginous) ગોરાડુ જમીનમાં થાય છે. તે ક્ષારયુક્ત અને ચૂનામય જમીનમાં અને કપાસની કાળી જમીનમાં સામાન્યત: થતું નથી. ફળદ્રૂપ અને ભેજવાળી જમીનમાં (દા.ત., બાગની ગોરાડુ જમીન) અને નદીકિનારાની સારા નિતારવાળી ઊંડી કાંપની જમીનમાં તેની વૃદ્ધિ પુષ્કળ પ્રમાણમાં થતી હોવા છતાં વૃક્ષના અંત:કાષ્ઠમાં તેલ નહિવત્ હોય છે. કંકરિત કે પથરાળ જમીનમાં થતાં વૃક્ષો કદમાં મોટાં નહિ હોવા છતાં તે અત્યંત સુગંધિત કાષ્ઠ ઉત્પન્ન કરે છે. તે જલપ્લાવિત (waterlogged) જમીનમાં ટકી શકતું નથી.

યજમાન : ચંદનનાં મૂળ પરોપજીવી હોવાથી પૂરતા પ્રમાણમાં યજમાન વનસ્પતિસમૂહ હોવો જરૂરી છે. Terminalia (સાદડ), Lagerstroemia (તામન), Anogeissus (ધાવડો), Dalbergia (સીસમ), Pongonia (કરંજ), Albizzia (શિરીષ), Acacia(બાવળ)ની જાતિઓ ધરાવતાં મિશ્ર પર્ણપાતી (deciduous) અને શુષ્ક પર્ણપાતી જંગલો ચંદન માટે સારાં ગણાય છે. ચંદનનાં વૃક્ષોના સારા યજમાનોમાં Acacia concinna (ચિકાકાઈ), A. intsia (ચિલાર), Alangium salvifolium (અંકોલ), Albizzia lebbek (પીળો શિરીષ), A. odoratissima (કાળો શિરીષ), Azadirachta indica (લીમડો), Bambusa arundinacia (વાંસ), Bassia spp. (મહુડો), canthium dicoccum (અરસુલ), Casearia tomentosa (ચિલ્લા, કરેઈ), Cassia auriculata (આવળ), C. siamea (કાસીદ), Cleistanthus colinus (ગરારી), Dalbergia sissoo (સીસમ), Erythrina stricta (મુર, મદાર), Erythroxylum monogynum (દેવદારુ), Eucalyptus globulus (નીલગિરિ), Gossypium arboreum (કપાસ), Grevillea robusta (સિલ્વર ફર), Hesperethusa crinulata (રાન લીંબુ), Mallotus philippensis (કપીલો), Mimusops elengi (બોરસલી), Morinda citrifolia (આલ), Pongomia pinnata (કરંજ), Ruta graveolens (સતાબ), Semecarpus anacardium (ભિલામો), Strychnos nux-vomica (ઝેરકોચલું), Tectona grandis (સાગ), Terminalia spp. (સાદડ), Thespesia populnea (પારસપીપળો), Vitex negundo (નગોડ), Wrightia tinctoria (રૂંછાળો દૂધલો), Ziziphus oenoplia [બુરગી (અજપ્રિયા)] અને Lantana camera(ઇન્દ્રધનુ)નો સમાવેશ થાય છે.

રોગ અને જીવાત : ચંદનને બહુ ઓછા રોગ થાય છે. તે પૈકી ‘છડીનો રોગ’ (spike disease) સૌથી વિનાશકારી છે. તે ચેપી છે અને વાઇરસ(સેન્ટેલમ વાઇરસ I)થી થતો હોવાનું મનાય છે. જોકે રોગની રોગહેતુવિદ્યા (aetiology) હજુ સુધી સંપૂર્ણપણે સ્થાપિત થઈ શકી નથી. કેટલાક તેને માયકોપ્લાઝમા કે ફૂગમાંથી થતો રોગ પણ જણાવે છે. આ રોગ તંદુરસ્ત વૃક્ષ ઉપર રોગિષ્ઠ કલમના રોપણ દ્વારા થાય છે.

આકૃતિ 2 : ચંદનનાં તંદુરસ્ત અને રોગિષ્ઠ પર્ણો

છડીના રોગના બે પ્રકાર છે : (1) ગુચ્છિત (roselte) અને (2) નિલંબી (pendulous). ગુચ્છિત પ્રકારના રોગમાં પર્ણોનું કદ ઘણું ઘટી જાય છે. તેઓ કડક અને છડી જેવાં બને છે. તીવ્ર રોગની સ્થિતિમાં તેઓ રાતી છાંટવાળાં બને છે. ટૂંકી શાખાઓ વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થતાં વનસ્પતિનો સાવરણી જેવો લાક્ષણિક દેખાવ બને છે. તેની પ્રગત (advanced) અવસ્થામાં પુષ્પનિર્માણ દબાય છે, પર્ણાભતા (phyllody) જોવા મળે છે, મૂલાગ્રો અને ચૂષકમૂળોનો નાશ થાય છે અને વૃક્ષના ઘેરાવાને આધારે તે લગભગ બે વર્ષમાં મૃત્યુ પામે છે.

નિલંબી પ્રકારના રોગમાં ચેપ લાગેલ પ્રરોહની અગ્રવૃદ્ધિ સતત ચાલુ રહે છે અને શાખા લગભગ 90 સેમી. જેટલી લાંબી બને છે. વર્ધિ-અગ્રની લંબાઈના અર્ધા કે  1/3 ભાગ પૂરતાં જ પર્ણો જોવા મળે છે; શાખા નિલંબી બને છે; સુષુપ્ત કલિકા વિકાસ પામતી નથી; મૂલાગ્રનો નાશ થતો નથી અને વંધ્ય પુષ્પોનું સર્જન થાય છે.

તેના વાઇરસના વાહકો Jassidus indicus અને Moona albimaculata નામના કીટકો છે.

ચંદનમાં આ રોગ માટે બે પ્રકારનો અવરોધ (resistance) જોવા મળે છે : (1) સ્વજનક (autogenic) – આ પ્રકારનો અવરોધ કેટલીક વનસ્પતિઓ દ્વારા પ્રદર્શિત થાય છે અને તે મોટે ભાગે યજમાન વનસ્પતિથી સ્વતંત્ર હોય છે; (2) ઉપાર્જિત (acquired) – આ પ્રકારનો અવરોધ યજમાન દ્વારા અંશત: પ્રેરાય છે અને કેટલેક અંશે પર્યાવરણ ઉપર આધાર રાખે છે. ચંદનની 300થી વધારે યજમાન વનસ્પતિઓ છે. તેમને ચાર જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે :

(i) સ્પષ્ટપણે અત્યંત અવરોધક : લીમડો, વાંસ, સીસમ, દેવદારુ, સતાબ, ભિલામો, બુરગી (અજપ્રિયા) અને ઝેરકોચલું.

(ii) સ્પષ્ટપણે અવરોધક : કાસીદ, શરુ, જખ્મી, વડ, બકામ લીમડો, મીઠો લીમડો અને સોમવેલ (Sarcostemma acidum).

(3) સ્પષ્ટપણે સંવેદી : સાઇ-કંટા (Acacia suma), Cassia montana, લીબી-દીબી (Caesalpinia coriaria), સીસમ અને તુલસી.

(iv) સ્પષ્ટપણે અત્યંત સંવેદી : ગંધીલો ખેર (Acacia farnesiana), તુવેર, ઇન્દ્રધનુ, સુરી (Mundulea sericea) અને કરંજ.

છડીના રોગની ચોક્કસ ચિકિત્સા વિકસાવાઈ નથી. ચેપને પ્રસરતો અટકાવવા બધી જ રોગિષ્ઠ વનસ્પતિઓનો નાશ – એ એક અનુકૂળ પદ્ધતિ છે. તેમનો નાશ યાંત્રિક રીતે આર્સેનિકનાં રસાયણો દ્વારા કરવામાં આવે છે. વાહક કીટકોનું નિયંત્રણ રાસાયણિક છંટકાવ, પાશ (trap) અને જૈવિક નિયંત્રણ દ્વારા કરવામાં આવે છે. ભારે ચેપવાળા વિસ્તારોમાં રોગ સામે ટકી રહેલાં વૃક્ષોનાં બીજનો ઉપયોગ અવરોધક પાક પૂરો પાડવા માટે પણ કરવામાં આવે છે. નિદાન અને નિયંત્રણ માટે સીરમવિજ્ઞાનની પદ્ધતિઓ, રોગિષ્ઠ વૃક્ષોની ઉષ્માચિકિત્સા, રોગમુક્ત માતૃ-વનસ્પતિઓમાંથી કટકારોપણ વગેરેની ભલામણ કરવામાં આવે છે.

ચંદનને વાંકડિયાં પર્ણોનો રોગ સેન્ટલેમ-વાઇરસ II દ્વારા થાય છે. આ વાઇરસનું વાહક કીટક Mormor santali છે.

Ganoderma applantum દ્વારા કાબરચીતરો પોચો સડો (mottled sponge-rot), G. lucidum દ્વારા પોચો કે થડનો સડો અને Asterina congesta દ્વારા મેંશવાળી ફૂગનો રોગ થાય છે.

જીવાત : કેટલાંક ભૃંગ (beetle) અને ઇયળો મૃત કાષ્ઠને કોરી ખાય છે. ભૃંગ, રસ-પોષકો (sap-feeders), થ્રીપ અને કેટલાક કીટકોની ઇયળો પર્ણોને ઘણું નુકસાન પહોંચાડે છે. ચંદનના વૃક્ષ ઉપર અમરવેલ (Cuscuta reflexa) નામની આવૃત બીજધારી પરોપજીવી વનસ્પતિ પણ થાય છે.

લણણી અને ચંદનના કાષ્ઠનું ઉત્પાદન : ચંદનના વૃક્ષનું સુગંધિત અંત:કાષ્ઠ સૌથી કીમતી ભાગ છે. 10 વર્ષને અંતે પ્રાથમિક અંત:કાષ્ઠનું નિર્માણ થાય છે; ત્યારે રોપાનો ઘેરાવો 24 સેમી. અને ઊંચાઈ 3 મી. જેટલી હોય છે. 20 વર્ષનાં વૃક્ષોમાં અંત:કાષ્ઠની વૃદ્ધિ ઝડપી બને છે અને 30થી 60 વર્ષ વચ્ચેનો ગાળો સૌથી મહત્વનો તબક્કો છે; જે દરમિયાનમાં તેનો ઘેરાવો 40–60 સેમી. કે તેથી વધારે હોય છે. ચંદનની લણણી કાપણી દ્વારા નહિ, પરંતુ ઉન્મૂલન (uprooting) દ્વારા કરવામાં આવે છે; જેથી સૌથી વધારે તૈલી દ્રવ્ય ધરાવતા મૂળતંત્રના ભાગનું એકત્રીકરણ પણ થઈ શકે, મજૂરી ઓછી થાય તે માટે ઉન્મૂલન વરસાદ પછી તરત કરવામાં આવે છે. અંત:કાષ્ઠ વિનાની શાખાઓ કાપી નાખવામાં આવે છે. અંત:કાષ્ઠયુક્ત શાખાઓ મુખ્ય થડથી અલગ કરવામાં આવે છે. લણણીના સ્થળે સફેદ રસકાષ્ઠ(sapwood)નાં અંત:કાષ્ઠને ઘેરતાં અંદરનાં 2-3 સ્તરો છોડી છોલવામાં આવે છે. રસકાષ્ઠનું પાતળું સ્તર જાણી જોઈને રાખવામાં આવે છે; જેથી પરિવહન-સમયે અંત:કાષ્ઠને કોઈ નુકસાન થાય નહિ. જાડા અને વજનદાર અંત:કાષ્ઠના 90 સેમી. જેટલા જાડા ટુકડા કરવામાં આવે છે. તેનો છોલ કાળજીપૂર્વક સાચવી રાખવામાં આવે છે. ગાંઠો વિનાના ટુકડાઓની ઊંચી કિંમત મળે છે. મૂળતંત્ર સહિતનું સાદા સજાવેલા કાષ્ઠનું વજન કરી તેનું સંગ્રહસ્થાને પરિવહન કરવામાં આવે છે. આ બધી પ્રક્રિયાઓ દરમિયાન અત્યંત કાળજી રખાય છે; જેથી ભ્રષ્ટાચાર થાય નહિ.

તમિળનાડુમાં ચંદનના અંત:કાષ્ઠનું થતું ઉત્પાદન સારણી 1માં આપવામાં આવ્યું છે.

સારણી 1 : તમિળનાડુમાં ચંદનના અંત:કાષ્ઠનું ઉત્પાદન

ઉત્તર

કોઇમ્બતૂર

સાલેમ

જાવડી

ટેકરીઓ

જાવડી અને

યેલાગિરિની

ટેકરીઓ

ઘેરાવો

(સેમી.)

અંત:કાષ્ઠનું

સરેરાશ

વજન

(કિગ્રા.)

ઘેરાવો

(સેમી.)

અંત:કાષ્ઠનું

સરેરાશ

વજન

(કિગ્રા.)

ઘેરાવો

(સેમી.)

અંત:કાષ્ઠનું

સરેરાશ

વજન

(કિગ્રા.)

53–61

61–76

76–91

91–107

107–122

19.5

28.6

48.5

28.1

121.9

56–61

71–76

86–91

102–107

117–122

132–137

147–152

163–168

38.0

66.6

293.4

144.2

177.7

298.8

316.9

224.7

61

76

91

106.6

122

137

152

168

55.8

98.8

146.0

237.6

328.7

390.0

435.3

482.5

ઇમારતી કાષ્ઠ : ચંદનના કાષ્ઠનું રસકાષ્ઠ સફેદથી માંડી સફેદ-પીળું અને સુગંધવિહીન હોય છે. અંત:કાષ્ઠ સુગંધિત, તાજું કાપેલું હોય ત્યારે આછું પીળાશ પડતું બદામી અને ખુલ્લું થતાં ઘેરું બદામી અને સમય જતાં ઘેરું રતાશ પડતું બદામી બને છે. તેની સુગંધ ઘણાં વર્ષો સુધી ટકે છે. અંત:કાષ્ઠ ચળકતું, તૈલી, મધ્યમ સખતથી સખત, ભારે (વિ. ગુ. 0.92, વજન 897–1137 કિગ્રા./ઘમી.), મોટે ભાગે સુરેખ (straight) અને અત્યંત સંકુલિત કણયુક્ત (close-grained) કે કેટલીક વાર અરીય સમતલમાં સહેજ તરંગિત કણયુક્ત, અત્યંત સૂક્ષ્મ અને સમ-ગઠિત (even-textured) હોય છે. કેટલીક વાર તે ‘પક્ષીની આંખ’ જેવાં ચિહનો ધરાવે છે જે અસ્થાનિક (adventitious) કલિકાઓના નાશને કારણે ઉદભવતાં હોવાનું

સારણી 2 : ચંદનના બદામી અને પીળા કાષ્ઠના ગુણધર્મો

ગુણધર્મ બદામી કાષ્ઠ પીળું કાષ્ઠ
વિ. ગુ. 0.94 0.93
વજન કિગ્રા./મી.3 987 974
સંવિદારણ(rupture)નો

માપાંક કિગ્રા./સેમી.

1518 1491
મહત્તમ (crushing)

શક્તિ, ગ્રા./સેમી.2

751 720
કઠોરતા : (અ) છેડાની, કિગ્રા.

(આ) બાજુ પરની, કિગ્રા.

1128.7

943.6

1169.1

1014

મહત્તમ અપરૂપણ (shear)

શક્તિ, કિગ્રા. સેમી.2

95.6 97.4
મહત્તમ તનન (tensile) શક્તિ,

કિગ્રા./સેમી.2

36.2 42.1
ચિરાવા માટે જરૂરી વજન, કિગ્રા./સેમી.

પહોળાઈએથી

58 63.9

મનાય છે. કાષ્ઠ ટકાઉ હોય છે અને તેનું ધીમું ત્રુટીરહિત સંશોષણ થાય છે. કાષ્ઠ પર કરવતકામ મુશ્કેલી સિવાય થાય છે. તેની સપાટી સીસમની જેમ લીસી થાય છે અને રંગ જેવી પૉલિશ ગ્રહણ કરે છે. પ્રસરણ દ્વારા જલીય બોરિક ઍસિડની પ્રક્રિયા વાયુ-સંશોષિત કાષ્ઠ ઉપર કરવામાં આવે છે. અંત:કાષ્ઠ ઉપર ઊધઈનું આક્રમણ થતું નથી. જોકે તે રસકાષ્ઠ ઉપર ઘણી વાર આક્રમણ કરે છે.

આકૃતિ 3 : ચંદનનું કાષ્ઠ

અંત:કાષ્ઠમાંથી તેના નાના નાના ટુકડા કરી પાણીમાં ઉકાળી બાષ્પનિસ્યંદન દ્વારા ચંદનનું તેલ (4.5 %થી 6.25 %) મેળવાય છે. જેટલું કાષ્ઠ ઘેરા રંગનું તેટલું તે તૈલી દ્રવ્ય વધારે પ્રમાણમાં ધરાવે છે. મૂળમાં તેલનું પ્રમાણ (10 %) સૌથી વધારે હોય છે. તે કેટલાક પ્રમાણમાં ઘટ્ટ પીળાશ પડતું પ્રવાહી છે અને વિશિષ્ટ મીઠી અને લાંબા સમય સુધી ટકતી સુવાસ આપે છે. તેના ગુણધર્મો સારણી-3માં આપવામાં આવ્યા છે.

સારણી 3 : ચંદનના તેલના ગુણધર્મો

ગુણધર્મો
વિ.ગુ. 0.973 –0.985 (15° સે.)
વક્રીભવનાંક, 20° સે. (ηD20°) 1.504 –1.509
વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન

(specific optic rotation) [a]D

–16° થી –21°
ઍસિડ-આંક 0.5–8.0
ઍસ્ટર-આંક 3–17
ઍસિટાઇલીકરણ પછી ઍસ્ટર-આંક  196
કુલ આલ્કોહૉલ (સેન્ટેલોલ તરીકે), % ≮  90
ઍસ્ટર-દ્રવ્ય (સેન્ટેલીલ ઍસિટેટ તરીકે), % 2.5
70 % આલ્કોહૉલમાં દ્રાવ્યતા 3–5 કે વધારે કદમાં દ્રાવ્ય

ચંદનના તેલનું રાસાયણિક બંધારણ : ચંદનના તેલનું મુખ્ય ઘટક સેન્ટેલોલ (C15H24O) છે. આ પ્રાથમિક સેસ્ક્વિટર્પિન આલ્કોહૉલ તેલનો 90 % ભાગ બનાવે છે અને તે બે સમઘટકો (isomers), α અને β-સેન્ટેલોલના મિશ્રણ-સ્વરૂપે હોય છે; તે પૈકી α-સેન્ટેલોલ મુખ્ય છે. તેલની લાક્ષણિક સુગંધ અને ઔષધીય ગુણધર્મો મુખ્યત્વે સેન્ટેલોલને આભારી છે. સેન્ટલોલનું પ્રમાણ જેમ વધારે તેમ ચંદનના તેલની કિંમત ઊંચી ગણાય છે. સૌથી સારી ગુણવત્તાવાળા તેલમાં સેન્ટેલોલનું પ્રમાણ 94 % જેટલું હોય છે. ચંદન-કાષ્ઠના તેલમાં નોંધાયેલા અન્ય ઘટકો આ પ્રમાણે છે :

હાઇડ્રોકાર્બનો-સેન્ટિન (C9H14), નૉર-ટ્રાઇસાયક્લોઇકેસેન્ટિન (C11H18), α અને β-સેન્ટેલિન (C15H24).

આલ્કોહૉલ-સેન્ટેનોલ (C9H16O) અને ટેરેસેન્ટેનોલ (C10H16O).

આલ્ડિહાઇડનૉર-ટ્રાઇસાયક્લોઇકેસેન્ટેલોલ (C11H16O) અને આઇસોવેલરલ્ડિહાઇડ

કિટોન1-સેન્ટેનોન (C9H14O) અને સેન્ટેલોન (C11H16O)

ઍસિડટેરેસેન્ટેલિક ઍસિડ (C10H14O2) અને α-અને β-સેન્ટેલિક ઍસિડ (C15H22O2).

ઉપયોગો : ચંદનનું તેલ જંતુઘ્ન, શીતળતાદાયક અને અન્ય ઔષધીય ગુણો ધરાવતું હોઈ સાબુ-ઉદ્યોગ, અત્તર-ઉદ્યોગ અને અગરબત્તી-ઉદ્યોગમાં તેની ખૂબ માગ છે. સુખડનું તેલ બીજાં કોમળ પુષ્પોમાંથી સુગંધ તારવવા માટે ઘણું સારું કામ આપે છે. વળી અમુક વધારે બાષ્પશીલ પ્રકારના સુગંધી પદાર્થોની સુગંધ લાંબો સમય ટકાવવા સ્થિરક (fixative) તરીકે પણ સુખડનું તેલ ઘણું ઉપયોગી બને છે.

ચંદનના કાષ્ઠ ઉપર કોતરકામ, નકશીકામ વગેરે સરળતાથી કરી શકાય છે. તેમાંથી રમકડાં અને સુશોભન માટેની સામગ્રીઓ બનાવી શકાય છે.

ચંદનનું કાષ્ઠ તેમજ તેમાંના તેલની શીતળ અને જંતુઘ્ન અસરને લઈને ચામડીનાં દર્દો, પેશાબનાં દર્દો અને જ્વરરોધી તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કાષ્ઠનાં છોલાં પણ સુગંધિત હોવાથી તેનો હાર બનાવવામાં ઉપયોગ થાય છે. પ્રસંગોપાત્ત અગ્નિદાહમાં પણ ચંદનકાષ્ઠનો ઉપયોગ જાણીતો છે.

ચંદનનાં નૈસર્ગિક વનોમાં જે વૃક્ષો ઉંમરને લીધે અથવા અન્ય કારણોસર પરિપક્વ થઈ નાશ પામ્યાં હોય. અથવા નાશ પામવા લાગ્યાં હોય કે નુકસાન પામ્યાં હોય અને જીવંત રહી શકવાનાં ન હોય તેવાં વૃક્ષોને કાપીને તેમનું નિષ્કાસન માટે ચયન કરવામાં આવે છે. તંદુરસ્ત વૃક્ષોને વનમાં યથાવત્ વિકસતાં રહેવા દેવા માટે સંરક્ષણ અને દેખભાળની વ્યવસ્થા કરવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર, ચંદન મધુર, લઘુ, ઠંડું, શીતવીર્યગ્રાહી, કફપિત્ત-દોષશામક, મેધ્ય, હૃદ્ય, રક્તશોધક, કફ કાઢનાર, કફ-દુર્ગંધહર, મૂત્રલ, સ્વેદલ, અંગત્રોડશામક, મૂત્રમાર્ગના સડાનું નાશકર્તા, વિષઘ્ન તથા જઠર, આંતરડાં અને યકૃત માટે બળપ્રદ છે. તે પિત્તદોષપ્રધાન દર્દો, ઝાડા, દાહ, તૃષા, રક્તપિત્ત, રક્તવિકાર, રક્તપ્રદર (લોહીવા), શ્વેતપ્રદર, પ્રમેહ, ત્વચાના રોગો, તાવ, શુક્રમેહ, મૂત્રકૃચ્છ્ર વગેરે મટાડે છે. તેનાં અનેક ઔષધો બને છે; જેમાં ચંદનાસવ પ્રસિદ્ધ છે.

બળદેવભાઈ પટેલ

મૃગેન્દ્ર વૈષ્ણવ

બળદેવપ્રસાદ પનારા