ચંડીદાસ (બડો) (પંદરમી સદી)

January, 2012

ચંડીદાસ (બડો) (પંદરમી સદી) : બંગાળી કવિ. બંગાળી વૈષ્ણવ સમાજમાં તેમનું ઘણું માન હતું. રાધાકૃષ્ણની લીલા સંબંધી કાવ્યો આપનાર આ કવિને આદિકવિ માનવામાં આવે છે. ‘દ્વિજ ચંડીદાસ’, ‘દીન ચંડીદાસ’, ‘બડો ચંડીદાસ’, ‘અનંતબડો ચંડીદાસ’ એવાં નામો સાથે જોડાયેલાં તેમનાં કેટલાંક પદો મળે છે. તેમની પદાવલીનાં ગીતોને લોકો કીર્તન તરીકે આજે પણ ગાય છે.

તેઓ કૃષ્ણભક્ત કવિ હતા. તેમના ‘કૃષ્ણકીર્તન’ કાવ્યમાં રાધાકૃષ્ણની પ્રણયલીલાનું વર્ણન છે. તેમાં સંભોગશૃંગાર છે. એ નાટ્યાત્મક કાવ્યમાં 3 મુખ્ય પાત્રો છે – કૃષ્ણ, રાધા અને સખી (દૂતી). વિદ્વાનોને મતે એ ગીતો કઠપૂતળી-નૃત્ય માટે લખાયાં હતાં. તેમણે પયાર છંદમાં પણ કવિતા આપી છે.

તેમનાં પદોનો પ્રથમ સંગ્રહ જગદબંધુ ભદ્ર દ્વારા 1874માં ‘મહાજન પદાવલી’ના નામે પ્રગટ કરવામાં આવ્યો હતો. તેમાં તેમના નામથી બસોથી વધુ પદો સંગૃહીત છે. વિદ્વાનોના મતે ચૈતન્યદેવ-પૂર્વવર્તી એક ચંડીદાસ હતા, જેમનો ઉલ્લેખ ‘ચૈતન્યચરિત્રામૃત’ અને ‘ચૈતન્યમંગલ’માં મળે છે. તેમાં એમ દર્શાવ્યું છે કે ચૈતન્યમહાપ્રભુ ચંડીદાસ અને વિદ્યાપતિની રચનાઓ સાંભળીને પ્રસન્ન થતા હતા અને કૃષ્ણવિરહની વેદનાથી વ્યાકુળ બનેલા ચૈતન્ય ચંડીદાસનાં પદો ગાઈને શાંતિ અનુભવતા હતા. તે કાવ્યોમાં ઊંડો ભક્તિભાવ અને શબ્દોનું મુગ્ધ કરે એવું માધુર્ય છે. એમનાં પદોમાં પ્રેમની વિહવળતા, રાધાની વિરહવેદનાની કટુઉક્તિઓ તથા કરુણ દશા એ બધાંનું હૃદયસ્પર્શી નિરૂપણ છે. તેમાં લૌકિક પ્રેમમાંથી અલૌકિક પ્રેમની અવસ્થામાં થતું સંક્રમણ નિરૂપાયું છે.

જીવ ગોસ્વામીએ ભાગવત પરની તેમની ટીકા ‘વૈષ્ણવતોષિની’માં જયદેવ સાથે ચંડીદાસનો ઉલ્લેખ કર્યો છે. જનશ્રુતિ પ્રમાણે ચંડીદાસ બ્રાહ્મણ હતા અને વીરભૂમ જિલ્લાના નાનૂર ગામના નિવાસી હતા. તેમના પિતાનું નામ દુર્ગાદાસ બાગચી હતું. ‘તારા’, ‘રામતારા’ અથવા ‘રામી’ નામની ધોબણ તેમની પ્રેમિકા હતી. બીજી અનુશ્રુતિ પ્રમાણે તે બાંકુડા જિલ્લાના છાનના ગામના નિવાસી હતા અને ‘વાશુલી’ અથવા ‘વિશાલાક્ષી’ દેવીના ભક્ત હતા. તેમના નામથી પ્રકાશિત ‘શ્રીકૃષ્ણકીર્તન’મા પ્રબંધાત્મકતા છે. તેનું સ્વરૂપ પ્રાચીન યાત્રાનાટ્ય અથવા પાંચાલી કાવ્યને મળતું આવે છે.

શ્રીકૃષ્ણકીર્તનમાં જન્મખંડ, તાંબૂલખંડ, દાણખંડ, નૌકાખંડ, ભારખંડ, વૃંદાવનખંડ, કાલિયાદમનખંડ, યમુનાખંડ, હારખંડ, બાલખંડ, બંસીખંડ અને રાધાવિરહખંડ – એવા ખંડો છે. ‘રાધિકા’ અંગેની તેમની એક સ્વતંત્ર રચના પણ છે. તેના 125 સંસ્કૃત શ્ર્લોકો મળ્યા છે. તે પરથી તેમનું સંસ્કૃતનું પાંડિત્ય સિદ્ધ થાય છે. તેઓ વર્ષાઋતુના કવિ છે.

ચન્દ્રકાન્ત મહેતા