ચંડીદાસ

January, 2012

ચંડીદાસ (આશરે પંદરમી સદી, ઈ. સ.) : મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ના ટીકાકાર. તેમણે ‘દીપિકા’ નામે ટીકા રચી છે. તેની રચના તેમણે તેમના મિત્ર લક્ષ્મણ ભટ્ટની વિનંતીથી કરી હતી. ચંડીદાસ બંગાળના ‘મુખ’ કુળમાં જન્મ્યા હતા અને ગંગાના કિનારા પર રહેલા ઉદ્ધારણપુરથી 6.40 કિમી. દૂર કેતુગ્રામમાં તે રહેતા હતા. ‘દીપિકા’ સિવાય તેમણે કોઈ ‘ધ્વનિસિદ્ધાંતગ્રંથ’ રચ્યો હશે એવું અનુમાન તેમણે કરેલા ઉલ્લેખ પરથી થાય છે. તે ‘સાહિત્યદર્પણ’ નામના ગ્રંથનો પણ નિર્દેશ કરે છે, જે કદાચ ભટ્ટનાયકકૃત ‘હૃદયદર્પણ’ પણ હોઈ શકે ! ચંડીદાસનો ઉલ્લેખ ગોવિન્દ ઠક્કુર, કમલાકર ભટ્ટ, વૈદ્યનાથ તત્સત્ અને નાગેશ ભટ્ટ જેવા ‘કાવ્યપ્રકાશ’ના સમર્થ ટીકાકારો પણ કરે છે. ‘દીપિકા’ ટીકાનું સંપાદન ડૉ. શિવપ્રસાદ ભટ્ટાચાર્યે 1933માં કર્યું છે.

તપસ્વી નાન્દી