ઘોષ, (શ્રી) અરવિંદ (જ. 15 ઑગસ્ટ 1872, કૉલકાતા; અ. 5 ડિસેમ્બર 1950, પુદુચેરી) : વિશ્વનાં વિચારબળો પર પ્રભાવ પાડનાર રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી અને રવીન્દ્રનાથ ઠાકુરની પરંપરામાં બેસતી ભારતીય વિભૂતિ. તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક હતા, મહાન રાજકીય નેતા હતા, કવિ અને નાટ્યકાર હતા, સાહિત્યમર્મજ્ઞ અને કવિતાના મીમાંસક હતા, ફિલસૂફ, ભાષ્યકાર અને અનુવાદક પણ હતા. પણ આ સૌ ઉપરાંત તેઓ મહાન યોગી અને દ્રષ્ટા હતા. તેમનું સાહિત્ય પણ એ ઊર્ધ્વ ચેતનામાંથી સર્જાયું છે.
પિતાનું નામ કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા. પિતા સિવિલ સર્જન હતા. પરદેશમાં ભણેલા. નાસ્તિક હતા. 1879માં કૃષ્ણધન પોતાના ત્રણ પુત્રોને ઇંગ્લૅન્ડ લઈ ગયા અને ડ્ર્યુએટ કુટુંબમાં મૂક્યા અને સ્પષ્ટ સૂચના આપી કે તેમનો ઉછેર સંપૂર્ણપણે અંગ્રેજી ઢબે થવો જોઈએ અને કોઈ પણ પ્રકારના ભારતીય સંસ્કાર તેમના પર પડવા ન જોઈએ. શ્રીઅરવિંદનું બાળપણ આ રીતે પરદેશમાં પાશ્ચાત્ય સંસ્કારો હેઠળ વીત્યું. 1889માં સેન્ટ પૉલની સ્કૂલમાંથી તેમણે મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. કેમ્બ્રિજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ‘ઇન્ડિયન મજલિસ’ નામના વિદ્યાર્થી-ગ્રૂપમાં જોડાયા અને ભારતને સ્વતંત્ર કરવાની જોરદાર હિમાયત કરતાં ભાષણો તેમણે કર્યાં. 1892માં ઇન્ડિયન સિવિલ સર્વિસની છેલ્લી પરીક્ષા પસાર કરી, પણ ઘોડેસવારીની પરીક્ષા ન આપવાથી આઈ.સી.એસ. થઈ શક્યા નહિ. વડોદરાના મહારાજા સયાજીરાવ ત્યાં આવેલા. તેમને મળ્યા અને વડોદરા રાજ્યની નોકરી મેળવી. ઈ. સ. 1893ના જાન્યુઆરીની 12મીએ તેમણે કાર્થેજ સ્ટીમર મારફત ઇંગ્લૅન્ડ છોડ્યું અને ફેબ્રુઆરીની 6ઠ્ઠીએ મુંબઈના એપૉલો બંદરે ઊતર્યા. તેમણે જેવો ભારતીય ભૂમિ ઉપર પગ મૂક્યો તેવી એક વિશાળ શાંતિ તેમના ઉપર ઊતરી આવી. આ આધ્યાત્મિક શાંતિ મહિનાઓ લગી રહી.
વડોદરા રાજ્યની નોકરીમાં શ્રીઅરવિંદે મહેસૂલ ખાતામાં, મહારાજાના રહસ્યમંત્રી તરીકે, અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક તરીકે એમ વિવિધ કામગીરીઓ સંભાળેલી. કૉલેજના વાઇસ-પ્રિન્સિપાલપદે પણ નિમાયેલા. 1901માં તેઓ કૉલકાતામાં ભૂપાલચંદ્ર બોઝની સૌથી મોટી પુત્રી મૃણાલિની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. વડોદરામાં હતા ત્યારે અંગ્રેજીમાં કાવ્યો લખતા અને તેમનો એક કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયેલો. 1904માં મહારાષ્ટ્રીય યોગી વિષ્ણુ પ્રભાકર લેલે પાસેથી તેઓ યોગ શીખ્યા. 1905માં બંગભંગની લડત આવી. બંગાળના ક્રાન્તિકારીઓ સાથે તેઓ ગાઢ સંપર્કમાં હતા. 1907માં સૂરત કૉંગ્રેસ મળી ત્યારે પોતે હાજર રહેલા. તે સમયે તેઓ રાષ્ટ્રનેતા તરીકે પ્રસિદ્ધિ પામી ચૂક્યા હતા. શ્રીઅરવિંદે ‘યુગાન્તર’ અને ‘વન્દે માતરમ્’માં ક્રાન્તિકારી લખાણો લખેલાં. સરકારની તેમના પર ખફા મરજી ઊતરી. ‘વન્દે માતરમ્’ પર રાજદ્રોહનો કેસ થયો. શ્રીઅરવિંદની ધરપકડ થઈ. જામીન પર છૂટ્યા પછી બંગાળની નૅશનલ પાર્ટીના નેતા તરીકે દેશભરમાં પ્રસિદ્ધિ પામ્યા. મુંબઈ, નાશિક, નાગપુર વગેરે સ્થળોએ જાહેર ભાષણો આપ્યાં. 1908માં તેમના પર અલીપુર બૉમ્બ કેસ થયો અને 1909માં તેમને અલીપુરની જેલમાં મોકલી દેવાયા. અહીં તેમને જે આધ્યાત્મિક અનુભવ થયો એનું વર્ણન તેમણે ઉત્તરપાડા વ્યાખ્યાનમાં કર્યું છે. જેલમાં તેમને ‘वासुदेवः सर्वम् इति’નો સાક્ષાત્કર થયો અને ભગવાને કહ્યું હતું તેમ તેઓ નિર્દોષ છૂટ્યા. પ્રભુએ પોતાના કરણ (instrument) તરીકે તેમને પસંદ કર્યા હોઈ તેમણે એનું કામ કરવાનું હતું. એ પ્રમાણે તેમણે જેલવાસ દરમિયાન ગીતાનું મનન કર્યું અને એનું જે અર્થઘટન કર્યું તે ‘ગીતા નિબંધો’માં મળે છે. આ કેસમાં તેઓ 1909માં નિર્દોષ જાહેર થયા અને પછી અંતરના અવાજને અનુસરી 1910માં ફ્રેન્ચ હકૂમત હેઠળના ચન્દ્રનગરમાં ગયા અને ત્યાંથી પુદુચેરી ગયા. તેમનું લેખનકાર્ય તો ચાલુ જ હતું. તેમણે પોતે શરૂ કરેલ ‘કર્મયોગિન્’ પત્રમાં લખેલા ‘ટુ માય કન્ટ્રીમૅન’ લેખ માટે તેમના ઉપર રાજદ્રોહનો આરોપ મુકાયેલો અને વૉરંટ પણ નીકળેલું; પરંતુ હાઈકોર્ટે એ લેખને રાજદ્રોહી ન ગણતાં વૉરંટ પાછું ખેંચાયેલું. પછી તેમણે ‘હિંદુ’માં એક પત્ર પ્રગટ કરી રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધાની જાહેરાત કરી. 1914માં શ્રીઅરવિંદે ‘આર્ય’ શરૂ કર્યું અને એમાં તત્વજ્ઞાનવિષયક લેખો ક્રમશ: પ્રગટ થવા લાગ્યા. તેમનાં ‘ધ લાઇફ ડિવાઇન’, ‘ધ સિન્થેસિસ ઑવ્ યોગ’, ધ આઇડિયલ ઑવ્ હ્યૂમન યુનિટી’, ‘ધ હ્યૂમન સાઇકલ’, ‘ધ ફ્યૂચર પોએટ્રી’ વગેરે પુસ્તકોનાં લખાણો સૌપ્રથમ ‘આર્ય’માં હપતાવાર છપાયાં હતાં. ‘કર્મયોગિન્’માં પણ તેઓ લખતા. 1914ના માર્ચની 29મીએ શ્રીમાતાજી શ્રીઅરવિંદને પ્રથમ વાર પુદુચેરીમાં મળ્યાં. 22મી ફેબ્રુઆરી, 1915ના રોજ તે પાછાં ફ્રાન્સ ગયાં. શ્રીમાતાજીનું 1920માં પુદુચેરીમાં પુનરાગમન થયું. પછી તે ત્યાં જ રહ્યાં. 1922માં તેમણે શ્રીઅરવિંદના નિવાસની બધી વ્યવસ્થા સંભાળી લીધી. 1918માં શ્રીઅરવિંદનાં પત્ની મૃણાલિનીનું અવસાન થયું. 1926ના નવેમ્બરની 24મીએ શ્રીઅરવિંદમાં અધિમનસનું અવતરણ થયું. ત્યારથી આ દિવસ સિદ્ધિદિન તરીકે ઊજવાય છે. હવે તેઓ સાધના માટે સંપૂર્ણપણે નિવૃત્ત થયા. કોઈને મુલાકાત આપતા નહિ. વરસમાં ત્રણ દિવસ જ દર્શન આપતા. આશ્રમનો હવાલો શ્રીમાતાજીએ સંભાળી લીધો. 1930થી 1938 દરમિયાન શ્રી અરવિંદ સાધકોને જે પત્રો લખતા તેમાંથી પણ પુસ્તકો થયાં છે. આ ગાળામાં તેમણે પોતાનું મહાકાવ્ય ‘સાવિત્રી’ અને અન્ય કાવ્યો લખ્યાં. 1938માં શ્રીઅરવિંદના જમણા પગને અકસ્માત થયો. સાધકો સાથેનો પત્રવ્યવહાર બંધ કર્યો. 1939ના એપ્રિલની 24મીએ તેમણે પ્રથમ વાર દર્શન આપ્યાં. એ પછી આ દિવસ દર્શન-દિન બન્યો. એટલે વર્ષમાં કુલ ચાર દર્શન-દિન થયા. 1940માં બીજા વિશ્વયુદ્ધમાં શ્રીઅરવિંદ અને શ્રીમાતાજીએ મિત્રરાજ્યોને ટેકાની જાહેરાત કરી અને પોતાની આધ્યાત્મિક શક્તિ મિત્રરાજ્યોના પક્ષે મૂકી. 1947ના ઑગસ્ટની 15મીએ ભારતને સ્વતંત્રતા મળી એ પ્રસંગે ઑલ ઇન્ડિયા રેડિયોને આપેલા સંદેશામાં તેમણે કહેલું : ‘‘મારો જન્મદિન અને હિંદની સ્વતંત્રતાપ્રાપ્તિનો દિન આમ એક જ દિવસે બંને આવે છે એ ઘટનાને, એક યોગી તરીકે, હું કોઈ સાદા યોગાનુયોગ તરીકે યા તો કોઈ ગમે તેમ બની આવેલા અકસ્માત તરીકે ગણતો નથી; પરંતુ આ ઘટના દ્વારા હું મારા જીવનના આરંભકાળથી મેં હાથ ધરેલા કાર્યમાં પ્રભુની જે દિવ્ય શક્તિ મારાં પગલાંને દોરી રહી છે તેની સંમતિ નિહાળું છું, એ કાર્ય ઉપર તેની મહેચ્છા અંકાતી જોઉ છું.’’ એ જ સંદેશામાં હિંદના ભાગલા જવા જ જોઈએ અને જશે પણ ખરા જ એવી આગાહી તેમણે કરી હતી. એ જ રીતે ગાંધીજીના નિધનસમયે ‘પ્રકાશ છે જ’ એમ કહી એમાં સ્થિર થવાનું તેમણે ઉદબોધેલું. અતલ નિરાશા અને વિષાદમાં પણ પ્રભુના આશાકિરણ પ્રત્યે તેમણે પ્રજાને પ્રેરેલી. ‘ધ હ્યૂમન સાઇકલ’માં તેમણે ચીન વિશે જે લખ્યું તે પણ ચેતવણીરૂપ હતું. શ્રી અરવિંદના આર્ષદર્શનની એમાં ઝાંખી થાય છે. 1950ના ડિસેમ્બરની 5મીએ તેમણે સમાધિ લીધી. ડિસેમ્બરની 9મીએ આશ્રમના ચોકમાં શ્રીઅરવિંદના દેહને સમાધિ આપવામાં આવી.
રવીન્દ્રનાથ હિબર્ટ લેક્ચર્સ આપવા જતાં પુદુચેરી રોકાયેલા અને શ્રીઅરવિંદને 1928ના ફેબ્રુઆરીની 16મીએ મળેલા. કિશનસિંહ ચાવડા એ વખતે પુદુચેરીમાં હતા. અત્યાર સુધી તેમણે ટાગોરને જોયા ન હતા. શ્રીઅરવિંદને મળવા ગયા ત્યારે પ્રફુલ્લ જણાતા રવીન્દ્રનાથ તેમને મળીને પાછા આવ્યા ત્યારે તેમનાં ‘નેત્રો અશ્રુભીનાં હતાં.’ આનું રહસ્ય થોડાં વર્ષો પછી કિશનસિંહે ખુદ રવીન્દ્રનાથને જ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું : ‘‘એ મારા જીવનનો મહાધન્ય પ્રસંગ હતો. તમે મારા અંત:કરણની મહામૂલ્યવાન પ્રતીતિને સ્પર્શ કર્યો છે. જ્યારે શ્રીઅરવિંદને મળવા ઉપર ગયો ત્યારે વર્ષોથી વિખૂટા પડેલા બંધુને મળવાના ઉત્સાહમાં મારું ચિત્ત હસતું હતું. આનંદ સમાતો ન હતો. જઈને બાથ ભરીને ભેટવા કેટલો ઉત્કંઠિત હતો તે હું જ જાણું છું, પણ ઉપર જઈને મેં જે જોયું તેનાથી હું ગંભીર થઈ ગયો. મારી સામે મારા બંધુને બદલે એક ભવ્ય જીવનવિભૂતિ બેઠી હતી. બાથ ભરવા ખુલ્લા થયેલા મારા બન્ને હાથ અંજલિ બનીને પ્રણમી રહ્યા. જે સહજ હતું. પાછો વળ્યો ત્યારે અહંકાર રડી પડ્યો, પણ અંતરમાં બેઠેલો કવિ શાંત સ્મિતમાં સમાધિસ્થ હતો.’’
તા. 8 જુલાઈ, 1950ના રોજ કનૈયાલાલ મુનશીની બાબતમાં અપવાદ કરીને શ્રીઅરવિંદે તેમને દર્શન આપેલાં. પોતાનું આ વિરલ સદભાગ્ય વર્ણવતાં તેમણે કહેલું કે તેમણે છેલ્લે એમને 1909માં મુંબઈમાં જોયા હતા; પરંતુ આ વખતે તેમને કંઈક જુદું જ જોવાનું મળ્યું. તેમણે એક પરમ સુંદર વાર્ધક્યનાં દર્શન કર્યાં. એમની આસપાસના વાતાવરણમાં એક પ્રેરક ગાંભીર્ય ભરેલું હતું. શ્રીઅરવિંદ એક ગાદી મઢેલી ખુરશી ઉપર શાંત અનાક્રમક ગૌરવથી બેઠેલા હતા. એમની આછી એવી સફેદ દાઢી, સરસ ઓળેલા લાંબા સફેદ વાળ, એની વચ્ચે એમની કાંતિમાન મુખાકૃતિ ઓપી રહી હતી. એ અપરિચિત સ્વરૂપ એક પૂજ્યભાવ પ્રેરી રહ્યું હતું. એ પૂજનીયતાના પ્રખર ભારણ આગળ શ્રી મુનશી નમ્ર, અતિનમ્ર બની રહ્યા. એમનાં ચક્ષુની અંદર જ્ઞાન અને પ્રજ્ઞાનો એક ગહન પ્રકાશ પ્રગટી રહ્યો હતો. એમને લાધેલી આત્માની વિશાળ પ્રશાંતિએ એમના આખાય વ્યક્તિત્વને એક ઓજસ્વી મૂર્તિમંત સત્વ રૂપે પલટી નાખ્યું હતું. પણ એ કોઈ વજ્ર વીંઝતું રુદ્ર સ્વરૂપ ન હતું. એ હતું આંતર ચૈતન્યની જ્યોતિથી ઝળહળતું કોક પરમ સ્વરૂપ.
પાંચેક મહિના બાદ તો શ્રીઅરવિંદે દેહ છોડ્યો !
શ્રીઅરવિંદના જીવનકાર્યનો વિચાર કરતાં તેમની જ પંક્તિઓનો ઉપયોગ કરી કહી શકાય :
જે કો ચાહે ધરણી ઉપરે સ્વર્ગને લાવવાને,
તેણે જાતે ધરણી તણી માટી પરે આવવાનું,
પૃથ્વી કેરો મલિન પ્રકૃતિબોજ ઉઠાવવાનો,
કષ્ટેછાયો વિકટ પથ આ વિશ્વનો કાપવાનો.
શ્રીઅરવિંદનું જીવનદર્શન તેમની વિચારણામાં, તેમના યોગમાં અને તેમની કવિતામાં પ્રગટ થયું છે. ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને તેઓ દિવ્યજીવનની રચનામાં આગળ લઈ જાય છે. તેમનો પૂર્ણ માનવ એ નિત્શેનો મહામાનવ (superman) નથી. ‘ધ લાઇફ ડિવાઇન’ના 28મા પ્રકરણમાં તેઓ કહે છે : ‘‘માનસિક ખ્યાલ પ્રમાણે અતિમાનવતા એટલે સામાન્ય માનવતાની રેખાને વટાવી ચેતનાનું નવું પ્રસ્થાન સાધવું એમ નહિ; પરંતુ માનવચેતના કાયમ રાખીને એમાં શક્તિની માત્રાનો પ્રચુર વધારો કરવો એ છે. એટલે કે એક વિશાળ બનાવેલી વ્યક્તિતા વડે, એક મોટા બનાવેલા અને અતિશયતાવાળા અહં વડે, મનની વૃદ્ધિ પામેલી શક્તિ વડે, વૃદ્ધિ પામેલી પ્રાણશક્તિ વડે, માનવના અજ્ઞાતમાં કાર્ય કરી રહેલી શક્તિઓની સંસ્કૃત, સઘન અને પ્રચુર અતિશયતા વડે, સામાન્ય માનવતાની રેખાને વટાવી શકાય છે.’’ શ્રીઅરવિંદનો અતિમાનવ એ પ્રકૃતિનું રૂપાંતર સંસિદ્ધ કર્યા બાદ જે સાત્વિક તેજ પ્રગટે છે એનાથી ભર્યો ભર્યો લોકહિતકારી અતિમાનવ છે. શ્રીઅરવિંદનો પૂર્ણયોગ એ પ્રકૃતિ સમેત સમગ્ર માનવચેતનાને દિવ્યતામાં પહોંચાડનારી પ્રક્રિયા છે. અગાઉના યોગોમાં પ્રકૃતિ જેમની તેમ રહી જતી અને આત્મા વિકાસ સાધતો. શ્રીઅરવિંદ તો શરીરને પણ દિવ્ય બનાવવાની વાત લઈ આવ્યા. શ્રીઅરવિંદ તો કહે છે કે સમગ્ર જીવન એ યોગ છે. તે કર્મમાર્ગના વિરોધી નથી. યોગમાં સ્થિત રહીને કર્મ કરવાનું કહે છે, પ્રભુના કરણ તરીકે કર્મ કરવાનું છે. શ્રીઅરવિંદ, આ માટે જીવનના પ્રત્યેક પદાર્થને આધ્યાત્મિકતા વડે રસી દેવાનું ઉદબોધે છે. પ્રાચીન વૈરાગ્યભાવનાના તેઓ પુરસ્કર્તા નથી. તેઓ જીવનનો સ્વીકાર કરે છે. પણ એ તમસલીન જીવનને ધરમૂળમાંથી રૂપાંતરિત કરવાનું છે. શ્રીઅરવિંદની ફિલસૂફીમાં આ રૂપાંતર – Transformation – એ મહત્વનું પગથિયું છે.
શ્રીઅરવિંદે પોતાના યોગમાં શાસ્ત્ર, ઉત્સાહ, ગુરુ અને કાળ – એ ચાર સોપાનોનું મહત્વ દર્શાવ્યું છે. અભિમુખતા – અભીપ્સાનો ઉચિત મહિમા કરીને તેઓ સમર્પણ(surrender)નું મૂલ્ય સમજાવે છે. યૌગિક પ્રક્રિયામાં જાતને ખુલ્લી કરવી, ઊર્ધ્વમાંથી ભાગવત ચેતનાના પ્રકાશને ઝીલવો અને ચેતનાને નીચેથી આરોહિત કરવી વગેરે બાબતો ઉપર ભાર મુકાયો છે. આરોહણ અને અવતરણ બંને મળીને એક પૂર્ણ પ્રક્રિયા બને છે. ‘સિન્થેસિસ ઑવ્ યોગ’માં તે પ્રભુના જગતમાં આવિર્ભાવ વિશે કહે છે : ‘‘મનુષ્ય પોતાની વર્તમાન અવસ્થામાંથી નીકળી ઊંચી અવસ્થાઓમાં પહોંચતો જાય અને પોતાની જાતને એક પરમ પૂર્ણતા પ્રત્યે ખુલ્લી કરે એ જ રીતે પરમાત્માએ અહીં જગતમાં પોતાનો આવિર્ભાવ કરવો જોઈએ. માણસના આધ્યાત્મિક વિકાસની ગતિમાં તેમજ પ્રક્રિયામાં આવું આત્માનું ઊર્ધ્વ આરોહણ અને આત્મ-ઉદઘાટન અનિવાર્ય રીતે આવતું જ રહે છે… જડતત્વમાં પરમાત્માના ક્રમે ક્રમે થઈ રહેલા અવતરણરૂપી મહારહસ્યમય ઘટના અવશ્ય બનવાની છે એ વાત આવી સિદ્ધ વ્યક્તિઓના પ્રાકટ્યથી સમજાતી જશે. આ સ્થૂળ સૃષ્ટિના સર્જન પાછળનો ગુહ્ય અર્થ શો, આ પૃથ્વી ઉપર જીવન શા માટે જન્મ્યું તેનો જવાબ આ અવતરણમાં – જડતત્વમાં અવતરનારી દિવ્યતામાં રહેલો છે.’’
શ્રીઅરવિંદે પરિકલ્પેલાં મનસ (mind), અધિમનસ (overmind) અને અતિમનસ(supermind)નાં સોપાનો વિગતે સમજાવ્યાં છે અને સાધનામાં પ્રત્યક્ષ માર્ગદર્શન માટે ‘બેઝિઝ ઑવ્ યોગ’, ‘લાઇટ્સ ઑન યોગ’ વગેરે પુસ્તકોમાં ખોરાક, નિદ્રા, રોગપ્રતિકાર વગેરે નાની નાની બાબતો વિશે પણ સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
‘ધ હ્યૂમન સાઇકલ’માં શ્રીઅરવિંદની આધ્યાત્મિક સમાજની વિભાવના પ્રગટ થઈ છે. શ્રીઅરવિંદનું વિશાળ જીવનદર્શન માનવજીવનના પાયાના પ્રશ્નોની આમૂલાગ્ર ચિકિત્સા કરતું હોઈ સ્વાભાવિક રીતે જ માનવજીવનનાં અનેક પાસાં પર મૌલિક વિચારણા આપે છે.
વિશ્વનું ઉત્પત્તિસ્વરૂપ બતાવતાં સામાન્ય રીતે તો શ્રીઅરવિંદ ડાર્વિનના ઉત્ક્રાન્તિના સિદ્ધાંતને અનુસરતા લાગે છે. વિકાસક્રમ માનસિક સંકલ્પશક્તિ ધરાવતા મનોમય પ્રાણી ‘મનુષ્ય’ આગળ અટકી જવાનો નથી; પરંતુ મનુષ્ય જે તત્વનો બનેલો છે તે વિશ્વનો આત્મા, આદિ વિચાર, આદિ સંકલ્પ પ્રાપ્ત કરીને મનુષ્ય પોતાની પ્રકૃતિનો સ્વામી બની શકે છે. આથી આગળ જતાં તે વિશ્વરૂપી પ્રકૃતિનો પણ વધુ ને વધુ પ્રમાણમાં સ્વામી બની શકે છે અને તે વખતે અત્યારે તેને પોતાથી વધુ બળવાન એવી પ્રકૃતિ સાથે જે બાથ ભીડવી પડે છે તે ભીડવાની રહેતી નથી. આ કાર્ય કરવું એટલે કે મન દ્વારા તેમજ મનની ઉપર જઈને, આ સારીયે પ્રકૃતિમાં પોતાને પ્રકટ કરી રહેલા આત્મામાં-આત્મતત્વમાં પહોંચવું, એ આત્મતત્વ સાથે પોતાના સ્વરૂપમાં, પોતાની શક્તિમાં; પોતાનાં ચેતના, સંકલ્પ તેમજ જ્ઞાનમાં એકરૂપ બની રહેલા, એકીસાથે માનવની રીતે તેમજ દિવ્ય રીતે પોતાના અને જગતના સ્વામી બનવું અને આ પ્રભુત્વ તે માનવજીવનના નિયમ અને ધર્મને અનુસરીને પ્રાપ્ત કરવું. પણ તે માનવજીવન એવું હશે કે જે પ્રભુમાં પહોંચીને પોતાની પૂર્ણતા પામ્યું હશે તેમજ પ્રભુની પૂર્ણતાને જે જગતમાં પ્રગટ કરી રહ્યું હશે. જગતનાં યુગચક્રોના સનાતન યાત્રી મનુષ્ય માટે આવું ભાવિ નિર્માયેલું તે જુએ છે. શ્રીઅરવિંદે ડાર્વિનના સંઘર્ષ(struggle)ને જરા જુદી રીતે સ્થાન આપ્યું અને એના ‘Natural Selection’ની જેમ માનવના ‘સાપેક્ષ સ્વાતંત્ર્ય’ને પણ સ્વીકાર્યું. તેમ છતાં ડાર્વિનથી ઊલટું તેમણે હવે પછીના વિકાસક્રમની અંતરિયાળ અવસ્થાઓનો ચોક્કસ નકશો આપ્યો અને સંશોધનરસ કરતાં કાંઈક વિશેષ એવી અંતર્દષ્ટિ(vision)થી મનુષ્યના ભાવિનું સુરેખ ચિત્ર દોરી આપ્યું. ડાર્વિનનો આશય કોઈ ધર્મપ્રણાલીને આઘાત કરવાનો ન હતો છતાં ઈશ્વરના કર્તૃત્વ ને સર્વોપરીતાનો વિચાર જેમાં અનુસ્યૂત છે તે ખ્રિસ્તી સંપ્રદાયને પોતાના પાયા જમીનદોસ્ત થતા લાગ્યા. જ્યારે શ્રીઅરવિંદનો સિદ્ધાંત તર્કસંમત હોવા છતાં એનાં બાહ્ય પરિણામોને અભાવે ‘અવાસ્તવિક’ લેખાયો એમ પણ બન્યું. એક છેડે ઘણો નક્કર સઘન પદાર્થ જડતત્વ અને બીજે છેડે અતિમનસ ચેતના એની વચ્ચે અનેક અવસ્થાઓ આવે છે. એ બધાંની સિદ્ધિમર્યાદા શ્રીઅરવિંદ તપાસે છે. ભૂમિકા ઐતિહાસિક છે નિ:શંક; પરંતુ જુદાં જુદાં રાષ્ટ્રો, સમાજો કે સભ્યતાઓની વાત તેમાં આવતી નથી.
શ્રીઅરવિંદે આલેખેલી માનવજાતિના ભાવિની વ્યવહારુ પ્રક્રિયામાં ‘અધ્યાત્મ નેતાઓ’નો સ્વીકાર છે, પહેલાં અમુક મનુષ્યોમાં અતિમનસનું અવતરણ થશે, પછી એ સિદ્ધાંત (principle) અભિમુખ જનવર્ગ પર કામ કરશે, તેમાં કોઈકને ધાર્મિક વિધિ કે પ્રણાલિકાનો નવી રીતે પુરસ્કાર થતો લાગે એ સંભવિત છે; પરંતુ એ વસ્તુ કદાચ આ આખી વસ્તુનો અંતર્ગત ભાગ છે; જે પ્રયોગનાં પરિણામો માનવજાતિને સામાન્યત: અનુભવમાં આવેલાં નથી એવા દાખલામાં બીજી કોઈ દલીલને અવકાશ હોતો નથી; તેમ છતાં શ્રીઅરવિંદનાં આ વચનો સ્મરણીય છે કે, ‘‘ભૂતકાળમાં જ્યારે જ્યારે આધ્યાત્મિકતાની કોઈ મોટી ભરતી ચડી આવેલી છે ત્યારે ત્યારે તેના પરિણામ રૂપે સામાન્ય રીતે કોઈ એક ખાસ પ્રકારનો નવો ધર્મ ઉદય પામેલો છે. આવો નવો ધર્મ પછી પોતે એક નવી વિશ્વવ્યાપક વસ્તુ છે એમ જાહેર કરીને આખી માનવજાતિ ઉપર પોતાને સ્થાપિત કરવાનો પ્રયત્ન આદરે છે; પરંતુ આધ્યાત્મિક ભરતીઓનું આ પ્રમાણે આવતું પરિણામ હંમેશાં અકાળે આવેલું તેમજ ખોટું જ હોય છે અને એવા પરિણામે કોઈ ગહન અને ગંભીર વસ્તુને સિદ્ધ કરવાને બદલે ઊલટી એની સિદ્ધિને અટકાવેલી હોય છે… કોઈ અમુક ધાર્મિક માન્યતા તથા સ્વરૂપ આખા જગતમાં વ્યાપક બનવા માટે, આખા જગત ઉપર પોતાને લાદવા માટે મહત્વાકાંક્ષા ધરાવે છે તે વસ્તુ જ માનવપ્રકૃતિમાં રહેલા વિવિધતાના તત્વથી વિરુદ્ધ જનારી છે તથા કંઈ નહિ તો આત્માના એક લક્ષણથી તો ઊલટી જ છે. આત્માનો સ્વભાવ તો એક વિશાળ આંતરમુક્તિનો અને વિશાળ એકતાનો બનેલો છે અને જગતના પ્રત્યેક માનવને આપણે તેની પોતાની પ્રકૃતિના માર્ગે થઈને આ વિસ્તૃત આંતરમુક્તિ તથા વિશાળ એકતામાં વિકસવા દેવાનો છે.’’
આધ્યાત્મિક સમાજની કલ્પના શ્રીઅરવિંદના ઉપર્યુક્ત જીવનદર્શનના સ્વાભાવિક પરિણામ રૂપે છે. આધ્યાત્મિક બનેલો સમાજ પોતાની સમાજવિદ્યામાં વ્યક્તિને, સંતથી માંડીને ગુનેગાર સુધીની સર્વ વ્યક્તિઓને સમાજજીવનની વિવિધ સમસ્યા રૂપે નહિ નિહાળે અને એમ ગણીને તે બધાંને કોઈ ખૂબીપૂર્વક રચેલા તંત્રમાંથી પસાર કરી દઈ આખા સમાજ માટે ગોઠવેલા કોઈ એક બીબામાં ઢાળીને હરેકને એકસરખા સપાટ કરી નાખવાનો પ્રયત્ન નહિ કરે, યા તો પછી એ તંત્રમાં તેમને પીસીને નિષ્પ્રાણ કરી દેવા નહિ માગે. આધ્યાત્મિક સમાજની સમાજવિદ્યા વ્યક્તિને આત્મા રૂપે જોશે. એ જોશે કે આ અનેકવિધ કક્ષાઓના આત્માઓમાંથી કેટલાક અવિદ્યાની જાળમાં સપડાઈ ગયેલા છે અને તેથી દુ:ખી દુ:ખી થઈ રહેલા છે, તો કેટલાક પોતાના નૈસર્ગિક વિકાસને માર્ગે આગળ જઈ રહેલા છે, તો વળી કેટલાક વિકાસ પામીને પુષ્ટ બનેલા છે. એ સમાજવિદ્યા દુ:ખી આત્માઓને તેમની દુર્દશામાંથી છોડાવવાનો પ્રયત્ન કરશે. વિકસી રહેલા આત્માઓને તેમના વિકાસપંથે પ્રોત્સાહન આપશે અને વિકસી ચૂકેલા આત્માઓ પાસેથી હજી અવિકસિત રહેલા બાલઆત્માઓ માટે તે શક્તિ તથા સહાય મેળવશે. આધ્યાત્મિક સમાજનું અર્થશાસ્ત્ર માત્ર વસ્તુઓના ઉત્પાદન માટેનું જ એક પ્રચંડ તંત્ર ઊભું કરવા પ્રયત્ન નહિ કરે, પછી તે ભલે સ્પર્ધારૂપનું હોય કે સહકારરૂપનું હોય એ અર્થશાસ્ત્ર માનવોને દરેક વ્યક્તિને માટે શક્ય હોય તેટલા વધુમાં વધુ પ્રમાણમાં પોતપોતાની પ્રકૃતિને અનુસરતો કામનો આનંદ આપવા પ્રયત્ન કરશે, દરેકને પોતાનો આંતરવિકાસ સાધવા માટે જોઈએ તેટલી ફુરસદ આપશે, હરેકને માટે તે એક સાદું છતાં સમૃદ્ધ અને સુંદર એવું જીવન રચી આપશે. આ આધ્યાત્મિક સમાજનું રાજકારણ જગતનાં રાષ્ટ્રોને તેમના આંતરિક વ્યવહારની રીતે જોતાં તે માનવ દ્વારા સંચાલિત તથા રક્ષિત થતાં રાજ્યો રૂપી એક પ્રચંડ મહાયંત્ર જ હોય તેમ નહિ ગણે. એ સમાજમાં માનવ આ મહાયંત્રને જ પોતાનો ભગવાન સમજી, પોતાનું જ એક વિરાટ સ્વરૂપ સમજી તેની પૂજા નહિ કરે. એ રાજ્યતંત્રને અખંડ રાખવા માટે, તેને સમર્થ બનાવવા માટે, તેને નિત્ય વધુ ને વધુ વિશાળ, વધુ સંકુલ અને વધુ ભારેખમ બનાવવા માટે, એ તંત્રમાં એક યંત્ર જેવી કાર્યક્ષમતા અને સમગ્રતા નિપજાવવા માટે તેનો પોકાર થતાં માનવ એ રાજ્યભગવાનની વેદી ઉપર બીજાઓને વધેરી નાખવા માટે તૈયાર નહિ થઈ જાય તેમજ એ વેદી ઉપર તે પોતાની જાતનો પણ વધ નહિ થવા દે. વળી આ આધ્યાત્મિક રાજકારણ આ રાષ્ટ્રોને તેમના પરસ્પરના સંબંધોમાં એકબીજાને ઉપદ્રવ કરતાં અભદ્ર તંત્રો રૂપે જ નહિ નભાવી રાખે, શાંતિના કામમાં તેમની મારફતે એકબીજા ઉપર ઝેરી વાયુઓ નહિ છોડાવે અને યુદ્ધના કામમાં તેમની પાસે એકબીજાનાં લશ્કરો ઉપર તેમજ કરોડો નિ:શસ્ત્ર માનવો ઉપર ધગધગતા ગોળા નહિ વરસાવે, અત્યારનાં રણક્ષેત્રો ઉપર ભમતી શત્રુની ટૅંકો પેઠે આ રાજ્યોને તે સામા પક્ષના સંહાર માટે નહિ ધકેલે. એ રાજકારણ માનવને આ રીતે રાજ્યતંત્રોને ટકાવી રાખવાના એક સાધન રૂપે જ નહિ ગણતાં હરેક પ્રજાને તે એક સમૂહ આત્માઓ રૂપે ગણશે. એ એમ સમજશે કે જગતની દરેક પ્રજાની પાછળ એક ગુપ્ત દિવ્યતા રહેલી છે અને પોતાના માનવસમુદાયોની અંદર તેણે એ દિવ્યતાને શોધવાની છે. વ્યક્તિની માફક આ રાષ્ટ્રરૂપ સમૂહ-આત્માઓએ પણ પોતપોતાની પ્રકૃતિને માર્ગે વિકાસ સાધવાનો છે; અને એ વિકાસ દ્વારા પરસ્પરને સહાય કરવાની છે; માનવતાના એક સર્વસમાન કાર્યની અંદર આખીયે માનવજાતિને સહાય કરવાની છે. એ તો સ્પષ્ટ જ છે કે છેલ્લાં દોઢસો-એક વર્ષમાં જે રીતે સમાજશાસ્ત્ર વિકસ્યું છે એ રીતે કોઈ મતવિશેષ દર્શાવવાનો શ્રીઅરવિંદનો હેતુ નથી કે તે સમાજ-દાર્શનિક (sociophilosophical) વિચારણા રજૂ કરવા પ્રવૃત્ત થયા હોય એવું પણ નથી. શ્રીઅરવિંદની સમાજશાસ્ત્રવિષયક ર્દષ્ટિ હોબ્સ કે મૅકિયાવેલીની માફક વર્તમાનમાં જ પુરાઈ રહેતી નથી કે ટર્ગોટ, લેસિંગ કે ફર્ગ્યુસનની જેમ સામાજિક ફેરફારોમાં ભાગ ભજવનાર નિયમો શોધી કોઈ સામાન્ય વ્યાપ્તિ ઉપર આવવું, તેને જ પર્યાપ્ત માનતી નથી; બલકે, માનવસભ્યતાની સઘળી સંકુલ ગતિઓનો તાગ લઈ, હજારો વરસોના પુરુષાર્થથી માનવજાતિએ વિકસાવેલ બહુરંગી સભ્યતાના ભાવિસ્વરૂપનું ચિત્ર આપવા પ્રવૃત્ત થાય છે.
શ્રીઅરવિંદનું મહાકાવ્ય ‘સાવિત્રી’ એ પદ્યમાં રચાયેલી એમની મહત્વની કૃતિ છે, જેમ ગદ્યમાં ‘લાઇફ ડિવાઇન’. ‘સાવિત્રી’ને શ્રીમાતાજીએ ‘શ્રીઅરવિંદદર્શનના સર્વોત્તમ આવિષ્કાર’ તરીકે વર્ણવ્યું છે. સાવિત્રી ‘એક પુરાણકથા અને પ્રતીક’ છે. આ મહાકાવ્ય 12 સર્ગમાં રચાયું છે. એનો મુખ્ય વિષય છે મૃત્યુ ઉપરનો વિજય. શ્રીઅરવિંદની પ્રારંભિક કાવ્યકૃતિ ‘લવ ઍન્ડ ડેથ’માં પણ આ જ વિષય નિરૂપાયો છે. પ્રિયંવદાના મૃત્યુને પલટવાનું કાર્ય નાયક રુરુને હાથે થાય છે. પણ ‘સાવિત્રી’માં ક્રમ ઊલટો છે. ત્યાં સાવિત્રી યમ ઉપર વિજય મેળવી સત્યવાનને પુનર્જીવિત કરે છે, જ્યારે ‘પ્રેમ અને મૃત્યુ’માં રુરુ પ્રિયંવદાના મૃત્યુને પાછું ઠેલે છે. બંને કાવ્યો પુરાણ ઉપર આધારિત છે. ‘સાવિત્રી’ની કથા મહાભારતના આરણ્યક પર્વમાં 248મા અધ્યાયથી શરૂ થાય છે. મદ્ર દેશનો રાજા અશ્વપતિ નિ:સંતાન હતો. સંતાનપ્રાપ્તિ માટે તેણે ઉગ્ર તપસ્યા કરી. અઢાર વર્ષ સુધીની તપસ્યાને પરિણામે સાવિત્રીદેવી પ્રસન્ન થયાં અને રાજાને બ્રહ્મા તરફથી એક પુત્ર અને પોતાના તરફથી એક પુત્રી મળશે એવું વરદાન આપ્યું. સાવિત્રીદેવીની કૃપાને પરિણામે પુત્રી જન્મી હોઈ એનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. લગ્નની ઉંમર થઈ પણ સાવિત્રીના પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે કોઈ રાજકુમારે એને માટે માગું મોકલ્યું નહિ. છેવટે પિતાએ સાવિત્રીને પોતાનો જીવનસાથી પસંદ કરી લાવવાનું જણાવ્યું. સાવિત્રીએ દ્યુમત્સેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પસંદગી ઉતારી. પણ દેવર્ષિ નારદે કહ્યું કે સત્યવાન સુયોગ્ય છે પણ હવે એનું આયુષ્ય એક વર્ષનું જ હોવાથી તે સમયે તે મૃત્યુ પામશે. માતાએ એને ઘણું સમજાવી પણ તે પોતાના નિર્ણયમાં અફર રહી અને સત્યવાન સાથે એનું લગ્ન થયું. તે સત્યવાનની સાથે રહેવા લાગી. ભવિષ્યવાણી પ્રમાણે સત્યવાનના આયુષ્યને ત્રણ દિવસ રહ્યા ત્યારે તેણે એક પગ પર ઊભા રહીને ઉપવાસ કર્યા. છેલ્લા દિવસે સત્યવાન જંગલમાં સમિધ લેવા ગયો ત્યારે સાવિત્રી પણ એની સાથે ગઈ. જંગલમાં સત્યવાનનું મરણ થયું. યમરાજ આવ્યા અને સત્યવાનના આત્માને પાશમાં લીધો. સાવિત્રી યમરાજની પાછળ પાછળ ચાલવા માંડી અને યમરાજ સાથે તેની પ્રશ્નોત્તરી થઈ. સાવિત્રીના પ્રશ્નો અને ઉત્તરોથી યમરાજ પ્રસન્ન થયા અને એને સાત વરદાનો આપ્યાં જેમાંનું છેલ્લું સત્યવાનને જીવતદાનનું હતું. આ રીતે મૃત્યુ ઉપર વિજય મેળવીને બન્ને ઘરે પાછાં ફર્યાં. શ્રીઅરવિંદે આ મહાકાવ્યમાં મૂળના કથાવસ્તુને જાળવીને એનું પ્રતીકમાં રૂપાન્તર કર્યું છે. અહીં શ્રીઅરવિંદ જગતની ઉત્પત્તિ વિશે નવી જ વાત કહે છે અને અશ્વપતિનું પાત્ર એક દિવ્ય સત્વ બની જાય છે. તે જાણે કે માનવજાતિના પ્રતિનિધિ તરીકે તપશ્ચર્યા કરે છે. અશ્વપતિ જુદાં જુદાં વિશ્વોની યાત્રા કરે છે અને છેવટે વિશ્વચેતના સુધી એ પહોંચે છે અને આદ્યશક્તિના સંપર્કમાં આવે છે. જ્યાં સુધી પરાશક્તિના પ્રતિનિધિરૂપ કોઈ મનુષ્ય અવતાર નહિ લે ત્યાં સુધી પૃથ્વી ઉપર મૃત્યુ અને અજ્ઞાન ઉપર વિજય મળશે નહિ એમ પરાશક્તિ તેને કહે છે. પરાશક્તિને તે અવતાર લેવા પ્રાર્થે છે. એ પછી સાવિત્રીનો જન્મ થાય છે. આ રીતે સાવિત્રી એક પરાશક્તિનો આવિર્ભાવ બને છે. ચોથા પર્વમાં સાવિત્રીનું શૈશવ, એનું શિક્ષણ વગેરે બાબત આવે છે. અશ્વપતિને સાવિત્રીની દિવ્યતાનો અનુભવ થાય છે. અશ્વપતિ એને પોતાનો પતિ શોધવા જણાવે છે. સાવિત્રી સત્યવાનની પસંદગી કરે છે. નારદ ભવિષ્યવાણી ઉચ્ચારે છે. મનુષ્યજીવન સાથે દુ:ખ કઈ રીતે જોડાયેલું છે એનું વીગતે નિરૂપણ છઠ્ઠા સર્ગમાં કરવામાં આવે છે. સાતમા સર્ગમાં સાવિત્રી યમરાજનો સામનો કરવા યોગસાધના કરે છે. આમ, આ મહાકાવ્યમાં અશ્વપતિનો યોગ અને સાવિત્રીનો યોગ એમ બે યોગ નિરૂપાયા છે. પછી સાવિત્રીનું સત્યવાનની સાથે જંગલમાં જવું, સત્યવાનનું મૃત્યુ થવું, યમરાજ સાથે ચર્ચા અને વિશ્વક્રમ વિશે વિચારવિમર્શ થાય છે. સાવિત્રી એવું દિવ્ય રૂપ બતાવે છે કે ઈશ્વરી યોજનાને અનુસરતા યમરાજ છેવટે એ દિવ્ય રૂપમાં લય પામે છે. એ પછી સત્યવાન અને સાવિત્રી સત્યલોકમાં આરોહણ કરે છે અને જગતમાં દિવ્યતાનું સામ્રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરે છે.
મૌલિક ચિંતન-મનન અને દર્શનની સાથે કાવ્યત્વનું જે અપૂર્વ રસાયણ થયું છે એને કારણે ‘સાવિત્રી’ અર્વાચીન યુગનું એક મહાન અને વિશિષ્ટ મહાકાવ્ય થઈ રહે છે.
‘સાવિત્રી’ ઉપરાંત શ્રીઅરવિંદના ઘણા કાવ્યસંગ્રહો પણ પ્રગટ થયા છે. ‘સૉન્ગ્ઝ ટુ મર્ટિલા’, ‘ઉર્વશી’, ‘લવ ઍન્ડ ડેથ’ વગેરે જાણીતા છે. એમનાં ‘ઉર્વશી’, ‘અવિદ્યા-દર્શન’, ‘વિશ્વક્રીડા’, ‘અગ્નિ-વિહંગ’, ‘પલે શાશ્વતી’, ‘બાજીપ્રભુ’ જેવાં કાવ્યો કાવ્યરસિકોનો સમાદર પામ્યાં છે.
શ્રીઅરવિંદનાં વિવેચનાત્મક લખાણોમાં ‘The Future Poetry’ ગ્રંથ અત્યંત મહત્વનો છે. એ પુસ્તકને કવિતાના કાવ્યજ્ઞોએ વિવેચનમાં એક નવા જ પ્રસ્થાન તરીકે ગણ્યું છે તેનાથી કવિતાના મૂલ્યાંકન માટે નવું જ ધોરણ સ્થપાય છે. આ ગ્રંથ ઉપરથી પ્રૉ. ગોકાકે ‘Over head Aesthesis’ નામની લેખમાળા લખી શ્રીઅરવિંદના મૌલિક વિવેચનને બિરદાવ્યું હતું. ‘ભાવિ કવિતા’ની લેખમાળા ‘આર્ય’માં જેમ્સ કઝિન્સના ‘ન્યૂ વેઝ ઇન ઇંગ્લિશ લિટરેચર’ના અવલોકન રૂપે શ્રીઅરવિંદે યોજેલી. કાવ્યની પ્રેરણા, કવિતાની પ્રક્રિયા, કવિતાનો ઇતિહાસ, પ્રશિષ્ટ અને અર્વાચીન અંગ્રેજી કવિતાનું રસદર્શન, કવિતાનો છંદોલય અને ગતિ, કાવ્યનો આનંદ વગેરે વિષયોની આ ગ્રંથમાં મૌલિક વિચારણા આપવામાં આવી છે. કવિતાને સમજવાની એ નવી ર્દષ્ટિ આપે છે. શ્રીઅરવિંદની કાવ્યવિભાવના મંત્રકવિતાની છે. ઉમાશંકર જોશીના અભિપ્રાય અનુસાર ‘‘શ્રી-અરવિંદે તેમની મંત્રકવિતા ભાવના દ્વારા બ્રાહ્મી (મિસ્ટિક) કવિતાનો આદર્શ રજૂ કર્યો છે. સૌંદર્ય કરતાં બીજું ઘણુંબધું રસસંવેદનમાં હોય છે અને રસસંવેદન કરતાં બીજું ઘણુંબધું (દર્શન) ઊંચી કવિતામાં હોય છે, એમ બતાવીને મંત્રકવિતાની નવી દર્શનમીમાંસા એ આપે છે.’’
અર્વાચીન યુગમાં મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ અને શ્રીઅરવિંદે અસંખ્ય પત્રો લખ્યા છે. શ્રીઅરવિંદના પત્રોના ઘણા ગ્રંથો પ્રગટ થયા છે. તેમના પત્રોના બીજા ભાગમાં સાહિત્યપદાર્થ, સાહિત્યની સર્જનપ્રક્રિયા, સાહિત્યનું મૂલ્યાંકન, વિવિધ સાહિત્યસર્જકો વગેરે વિશે ઘણી દ્યોતક સામગ્રી મળે છે.
રમણલાલ જોશી