ઘોષ, અતુલચંદ્ર

February, 2011

ઘોષ, અતુલચંદ્ર (જ. 2 માર્ચ 1881, ખાંડ ઘોષા, બર્દવાન; અ. 15 ઑક્ટોબર 1961, કૉલકાતા) : બંગાળના અગ્રણી રાજકીય નેતા. પિતા શિક્ષક હતા. બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં અન્યત્ર બે કુટુંબો દ્વારા ઉછેર. શરૂઆતનું શિક્ષણ બર્દવાનમાં અને તે પછી કૉલકાતાની મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટમાં; પરંતુ તે અધવચ્ચે છોડી દેવું પડ્યું. 1908માં પુરબિયા ખાતે વકીલાત શરૂ કરી.

ગાંધીજીના પ્રભાવ હેઠળ 1921માં વકીલાત બંધ કરી અસહકારની ચળવળમાં દાખલ થયા ત્યાંથી જાહેર જીવનની શરૂઆત કરી. બિહાર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય બન્યા. 1921–35 દરમિયાન માનભૂમ જિલ્લા કૉંગ્રેસ સમિતિના સેક્રેટરી અને 1935–47 દરમિયાન તેના પ્રમુખ રહ્યા. 1930માં મીઠાના સત્યાગ્રહ દરમિયાન જિલ્લાની સત્યાગ્રહ સમિતિના સેક્રેટરી તરીકે કારાવાસ ભોગવ્યો. 1932માં સવિનય કાનૂનભંગની ચળવળમાં અને 1942માં ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લેવા બદલ તથા 1945માં સરકારી કાર્યાલય પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા બદલ જેલવાસ ભોગવ્યો.

1947માં કૉંગ્રેસ પક્ષનો ત્યાગ કર્યો તથા ‘લોકસેવક સંઘ’ની સ્થાપના કરી. 1952ની ચૂંટણી માટે આ સંસ્થાએ જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો તેમાં ગાંધીજીની વિચારસરણીનો પડઘો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તેમાં વિકેન્દ્રીકરણ, ગ્રામસ્વાયત્તતા, લોકશાહી, પંચાયતી રાજ, સાક્ષરતા અભિયાન, ગ્રામ-ઉદ્યોગોનો વિકાસ જેવા કાર્યક્રમો પર ભાર મૂકવામાં આવ્યો હતો. 1952ની ચૂંટણીમાં સંસ્થાના ઘણા ઉમેદવારો લોકસભા ઉપરાંત બિહાર અને બંગાળની વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા.

માનભૂમની પ્રજાના ન્યાયી અધિકારો માટે 1950–52 દરમિયાન તેમણે વારંવાર સત્યાગ્રહ કર્યો હતો. તેમનું સમગ્ર કુટુંબ તેમની આ પ્રવૃત્તિમાં સતત તેમની પડખે સક્રિય રહ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે