ઘોષ, પન્નાલાલ

February, 2011

ઘોષ, પન્નાલાલ (જ. 31 જુલાઈ 1911, બારિસાલ, બાંગ્લાદેશ; અ. 20 એપ્રિલ 1960, નવી દિલ્હી) : ભારતના ખ્યાતનામ બંસરીવાદક. એક સંગીતપ્રેમી કુટુંબમાં જન્મ. એમને બચપણથી જ સંગીત તથા વ્યાયામ માટે જબરું આકર્ષણ હતું અને તેમાં કુશળતા મેળવવામાં સારો એવો સમય વ્યતીત કર્યો હતો.

પન્નાલાલ ઘોષ

9 વર્ષની ઉંમરે એમણે બંસરીવાદન શરૂ કર્યું. સંગીતની તાલીમ એમણે કૉલકાતામાં ‘ન્યૂ થિયેટર્સ’ ફિલ્મ કંપનીમાં 1925માં જોડાયા પછી ખુશી મહમદ તથા ગિરજાશંકર ચક્રવર્તી પાસેથી મેળવી. 1939માં વિદેશ-પ્રવાસ ખેડ્યો. 1947માં પ્રખર સરોદવાદક ઉસ્તાદ અલાઉદ્દીનખાં પાસેથી એમણે સંગીતની વિશેષ તાલીમ મેળવી. સમગ્ર ભારતમાં બંસરી પર શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો પ્રથમ એમણે જ આપ્યા. તે સ્વર પર અદભુત કાબૂ ધરાવતા તથા પ્રત્યેક રાગ શુદ્ધ સ્વરૂપે રજૂ કરતા. એમણે ચંદ્રમૌલિ, દીપાવલી, પંચવટી, નૂપુરદર્શન વગેરે કેટલાક નવા રાગો રચ્યા છે. ‘બસંત’ જેવી કેટલીક ફિલ્મોનું સંગીતનિયોજન કર્યું હતું. એમનાં પત્ની પારુલ ઘોષે અનેક ફિલ્મોમાં પાર્શ્વગાયન કર્યું હતું. એમના બંધુ પંડિત નિખિલ ઘોષ કુશળ તબલાવાદક છે તથા ‘સંગીત મહાભારતી’ નામની સંગીત સંસ્થા ચલાવે છે. તેમના શિષ્ય અને જમાઈ દેવેન્દ્ર મુર્ડેશ્વર, રઘુનાથ શેઠ, હરિપદ ચૌધરી, વી. જી. કર્નાડ તથા પ્રકાશ વઢેરા પણ અગ્રણી બંસરીવાદકો છે. તેમના શિષ્યો અને ગ્રાહકોએ મુંબઈ ખાતે તેમની સ્મૃતિમાં પન્નાલાલ ઘોષ બંસરી વિદ્યાપીઠની સ્થાપના કરી છે.

બટુક દીવાનજી