ઘોષ, ગૌતમ (જ. 24 જુલાઈ 1950, કોલકાતા) : વિખ્યાત ભારતીય ફિલ્મસર્જક. કૉલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારપછી થોડો સમય થિયેટરમાં અને થોડો સમય ફોટો-જર્નાલિસ્ટ તરીકે તે સક્રિય રહ્યા. 1973થી તેમણે દસ્તાવેજી ફિલ્મો બનાવવાની શરૂ કરી. 1973ની ‘ન્યૂ અર્થ’ અને 1974ની ‘હંગ્રી ઑટમ’ને ઑબરહોસેન અને લાઇપ્ઝિગના ફિલ્મ મહોત્સવમાં પારિતોષિકો પ્રાપ્ત થયાં. બે વર્ષ બાદ તેમણે ‘ચેન્સ ઑવ્ બૉન્ડેજ’ નામની ફિલ્મનું સર્જન કર્યું.

ગૌતમ ઘોષ

1979માં તેઓ ફીચર ફિલ્મના ક્ષેત્રમાં દાખલ થયા. તેલંગણની નકસલવાદી ચળવળ વિશે તેમણે તેમની પ્રથમ તેલુગુ ફિલ્મ ‘મા ભૂમિ’ બનાવી. પછીના વર્ષે (1980) આ ફિલ્મને શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ માટેનું ઇનામ મળ્યું.

ત્યારબાદ તેમની ફિલ્મોના નિર્માણની પ્રગતિ સતત ચાલુ રહી. આદિવાસી લોકોના શોષણ વિશે બનાવેલી ફિલ્મ ‘દખલ’ને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક અને કૅન ફિલ્મ ફેસ્ટિવલમાં માનવ-અધિકારની પૂર્તિ કરતી ફિલ્મ તરીકે બહુમાન મળ્યું.

ત્યારબાદ તેમણે હિન્દી ભાષામાં બનાવેલી ‘પાર’ ફિલ્મથી ચલચિત્રજગતને તેજસ્વી અભિનેતા નસીરુદ્દીન શાહ મળ્યા. આ ફિલ્મ માટે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં નસીરુદ્દીન શાહને શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો.

ત્યારપછી ‘અંતર્જલિ યાત્રા’ ફિલ્મને તાશ્કંદમાં ગ્રાં પ્રી (Grand Prix) ઍવૉર્ડ મળ્યો. શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ માટે પણ આ ચલચિત્રને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

બાંગ્લાદેશના એક વિતરકની આર્થિક સહાયથી 1992માં બનાવેલી ફિલ્મ ‘પદમા નદિર માઝી’ને 1993માં શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શકના રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા. આ જ ફિલ્મને કૅનમાં યુનેસ્કો પારિતોષિક પણ મળ્યું છે.

1993માં તેમણે બનાવેલી હિંદી ફિલ્મ ‘પતંગ’ 1994માં કૉલકાતામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ચિત્ર મહોત્સવમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ચલચિત્રને પણ ફિલ્મવિવેચકોનો સારો પ્રતિભાવ સાંપડ્યો હતો.

પીયૂષ વ્યાસ