ઘોરી આક્રમણો : ગઝનીનો મહત્વાકાંક્ષી અને સાહસિક સુલતાન. આખું નામ શિહાબુદ્દીન મોહમ્મદ ઘોરી. ઘોરી અને ગઝનવી વંશો વચ્ચે ઝઘડા થતા રહેતા અને પંજાબમાં એ સમયે ગઝનવી વંશના ખુસરો મલેકની સત્તા હતી. ગઝનીમાં ઘોરીની સત્તા થઈ એટલે પંજાબ ઉપર શિહાબુદ્દીન પોતાનો અધિકાર હોવાનું માનતો. વળી એ સમય વિજયો મેળવવાનો હતો. શિહાબુદ્દીન વિજેતા તરીકે પોતાની પ્રતિષ્ઠા સ્થાપવા ઉત્સુક હતો. સલામતી મજબૂત બનાવવા માટે પણ તેણે પંજાબના શાસક ખુસરો મલેકને અને મુલતાનના ઇસ્માઇલીઓ(કરમતિયા)ને હરાવવા આવશ્યક હતા. વિજયો મેળવીને સત્તા વિસ્તારવાનો અગ્નિ શિહાબુદ્દીનના દિલમાં પ્રજ્વલિત થયો હતો. વળી તે ધર્મઝનૂની મુસલમાન હોવાથી, મૂર્તિપૂજાનો નાશ કરી ભારતમાં ઇસ્લામનો પેગામ ફેલાવવાની ઇચ્છા સેવતો હતો.
1175માં શિહાબુદ્દીન ઘોરીએ ઉત્તર ભારતમાં સિંધ તરફ જઈ મુલતાન ઉપર ચડાઈ કરી. ત્યાંના શક્તિશાળી ઇસ્માઇલીઓને હરાવી તે પ્રદેશ જીતી લીધો અને પોતાનો હાકેમ નીમ્યો. તે પછી તેણે ઉપલાણ સિંધમાં આવેલું કચ્છ ભટ્ટી રજપૂત રાજા પાસેથી જીતી લીધું. 1178માં તેણે કચ્છનું રણ ઓળંગી અણહિલવાડ પાટણના સોલંકી રાજ્ય ઉપર ચડાઈ કરી. બહાદુર રાણી નાયિકાદેવીએ બાળરાજા મૂળરાજ બીજાને ખોળામાં રાખી લશ્કરનું નેતૃત્વ સંભાળ્યું. તેણે શિહાબુદ્દીનને સખત પરાજય આપી પાછો કાઢ્યો. બીજે વરસે ઘોરીએ પેશાવર ઉપર ચડાઈ કરી અને લાહોરના સુલતાન ખુસરો મલેક પાસેથી તે જીતી લીધું. 1181માં તેણે લાહોર ઉપર આક્રમણ કર્યું ત્યારે ખુસરો મલેકે તેની સાથે સંધિ કરી, કીમતી ભેટો મોકલી અને પોતાના પુત્રને બાંયધરી તરીકે આપવા કબૂલ થયો. 1182માં શિહાબુદ્દીને સિંધના દેવલ તથા સમુદ્રકિનારા સુધીના સમગ્ર પ્રદેશ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. 1185માં તેણે ફરીથી પંજાબ ઉપર ચડાઈ કરી. તે પ્રદેશમાં લૂંટ કરી અને સિયાલકોટનો કિલ્લો કબજે કર્યો. ત્યારબાદ તેને સુધરાવીને ત્યાં લશ્કરનું થાણું સ્થાપ્યું.
શિહાબુદ્દીન પંજાબમાંથી ખુસરો મલેકની સત્તા નાબૂદ કરવા કૃતનિશ્ર્ચયી હતો. એ બાબત જાણીને ખુસરો મલેકે ખોખરો (ખખ્ખરો) સાથે જોડાણ કરીને, સિયાલકોટના કિલ્લા ઉપર હુમલો કર્યો અને તે કિલ્લાને ઘેરો ઘાલ્યો. કિલ્લામાંની ફોજે સામનો કરીને તેને નસાડી મૂક્યો. આ સમાચાર જાણીને શિહાબુદ્દીને પંજાબ પાછા ફરીને 1186માં લાહોર ઉપર ચડાઈ કરી તેને ઘેરી લીધું. આ વખતે તેને જમ્મુના રાજા ચક્રદેવે નિમંત્ર્યો હતો; પરંતુ તે ખુસરો મલેકને હરાવવામાં નિષ્ફળ ગયો. તેથી તેણે સંધિ કરવાને બહાને તેને સલામતીની ખાતરી આપી, તેના પુત્રને મુક્ત કર્યો અને ખુસરો મલેકને પોતાની પાસે બોલાવી, દગાથી તેને કેદ કરીને મારી નાખ્યો. આ રીતે પંજાબ કબજે કરી, શિહાબુદ્દીને તેને ખાલસા કર્યું. તેથી તેની સત્તા અજમેર તથા દિલ્હીના રાજા પૃથ્વીરાજના રાજ્યની સરહદો સુધી પહોંચી ગઈ.
1189માં મોહમ્મદ ઘોરીએ રજપૂત રાજ્યો કબજે કરવાના નિર્ણયથી પોતાનું સૈન્ય વ્યવસ્થિત કરી, પૃથ્વીરાજની સત્તા હેઠળના સરહિંદ ઉપર આક્રમણ કરીને તે કબજે કર્યું. તે ખબર જાણીને રજપૂત રાજાઓ તેનો પ્રતિકાર કરવા ઉત્સુક થયા. યુવાન રજપૂત સેનાપતિના જુસ્સાથી પૃથ્વીરાજે શિહાબુદ્દીનના મિત્રતાના પ્રસ્તાવની અવગણના કરી. ઈ. સ. 1191માં થાણેશ્વર અને કર્નાલ વચ્ચે (હાલના હરિયાણામાં) આવેલા તરાઈનની લડાઈમાં બે લાખનું અશ્વદળ તથા ત્રણ હજારનું હસ્તીદળ ધરાવતાં રજપૂત સૈન્યોએ તુર્ક સેનાને સખત પરાજય આપ્યો. તેમાં શિહાબુદ્દીન જાતે ઘવાયો અને તેને એક ખલજી સરદારે બચાવી લીધો. અસ્તવ્યસ્ત થઈ ગયેલા તેના સૈન્યને સિંધુ નદી સુધી પાછા હઠવાની ફરજ પડી. રજપૂત સેનાએ 64 કિમી. સુધી તેની પાછળ પડ્યા બાદ, મુસ્લિમ સેનાને નાસી જવા દીધી.
શિહાબુદ્દીન આ પરાજય બાદ અતિ ગ્લાનિમાં બેચેન રહ્યો. 1192માં તેણે 1,20,000ના ચુનંદા કસાયેલા અશ્વદળ સહિત તે જ રણમેદાન પ્રતિ કૂચ કરી. બીજું યુદ્ધ આટલું વહેલું આવી પડશે એવો પૃથ્વીરાજને ખ્યાલ ન હતો. આસપાસના 150 જેટલા રાજાઓએ પૃથ્વીરાજની સહાયની માગણી સ્વીકારી. માત્ર કનોજનો જયચંદ્ર રાઠોડ અંગત વેર અને ઈર્ષાને કારણે તેની સાથે જોડાયો નહિ. પૃથ્વીરાજ પાસે પણ પ્રચંડ સેના થઈ. તરાઈનના મેદાનમાં થયેલ ખૂનખાર લડાઈમાં હિંદુ લશ્કરની હરોળો વેરવિખેર થઈ ગઈ. પૃથ્વીરાજ હાર્યો અને માર્યો ગયો. ત્યારબાદ શિહાબુદ્દીને હાંસી, કુહરામ તથા સિરસુતી જીત્યાં અને તે સ્થળોએ તેના લશ્કરની છાવણીઓ સ્થાપી. તેણે રાજધાની અજમેર કબજે કરી તેમાં લૂંટ કરીને લોકોની કતલ કરી. તેણે પૃથ્વીરાજના પુત્રને ખંડણી મોકલવાની શરતે અજમેરનો પ્રદેશ સોંપ્યો. આ લડાઈ બાદ ચૌહાણોની લશ્કરી શક્તિનો અંત આવ્યો.
શિહાબુદ્દીન 1193માં ગઝનીથી પાછો ફર્યો અને ઇટાવા જિલ્લામાં આવેલા ચંદવાર પાસે તે કનોજના ગાહડવાલ રાજા જયચંદ્ર સાથે યુદ્ધ લડ્યો. જયચંદ્રે તેનો બહાદુરીથી સામનો કર્યો; પરંતુ તે મરાયો. તેથી તેની સેનામાં ગભરાટ ફેલાવાથી શિહાબુદ્દીન જીત્યો; પરંતુ 1198 સુધી તે પાટનગર કનોજ કબજે કરી શક્યો નહિ. ત્યારબાદ શિહાબુદ્દીને અસ્નિનો કિલ્લો અને બનારસ કબજે કર્યાં. બનારસમાં મુસલમાન સેનાએ લગભગ એક હજાર મંદિરો નષ્ટ કર્યાં અને તેમને સ્થાને મસ્જિદો બંધાવી. તેણે 1195–96માં બયાના જીત્યું અને ગ્વાલિયરનો દુર્ગ કબજે કર્યો.
શિહાબુદ્દીનના સેનાપતિ કુત્બુદ્દીન અયબેકે આબુની તળેટીમાં ગુજરાતના રાજા ભીમદેવ બીજાના સૈન્યને હરાવ્યું. તેણે અણહિલવાડ કબજે કરીને લૂંટ કરી. તે પછી ત્યાં એક નાયબ નીમી તે દિલ્હી ગયો. તેના ગયા બાદ ભીમદેવ પોતાના પ્રદેશ ઉપર રાજ્ય કરવા લાગ્યો. 1197–98માં કુત્બુદ્દીને બદાયૂન, ચંદવાર અને કનોજ કબજે કર્યાં. ઈ. સ. 1202માં બુંદેલખંડ ઉપર ચડાઈ કરી, કાલિંજરનો ગઢ જીતી કુત્બુદ્દીને મહોબા અને ખજુરાહો જીતી લીધાં.
કુત્બુદ્દીનના મદદનીશ સેનાપતિ મોહમ્મદ બિન બખત્યાર ખલજીએ 1197માં બિહાર જીતી લીધું. ત્યાં બૌદ્ધ ધર્મ પળાતો હતો. તેણે ઉદ્દંડપુર વિહાર લૂંટીને ત્યાંના બૌદ્ધ ભિક્ષુકોની કતલ કરી. ત્યાંના ગ્રંથાલયનાં પુસ્તકોનો અને બૌદ્ધ ધર્મની મૂર્તિઓનો નાશ કરી ત્યાંના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓની કતલ કરી. બિહારમાંથી મેળવેલી સંપત્તિ તેણે કુત્બુદ્દીન અયબેક પર મોકલી આપી.
મોહમ્મદ બખત્યારે 1202માં બંગાળના સેન વંશના વૃદ્ધ રાજા લક્ષ્મણ સેનની રાજધાની નદિયા તરફ કૂચ કરી. એકાએક થયેલા હુમલાથી ગભરાઈને રાજા ઢાકા તરફ નાસી ગયો. તેનું લશ્કર સમયસર એકત્ર થઈ શક્યું નહિ. મહેલનું રક્ષણ કરવાનો પણ પ્રયાસ થઈ શક્યો નહિ. મોહમ્મદ બખત્યારના લશ્કરે તરત આવી, નદિયામાં લૂંટ કરી. તે પછી તેણે લખનૌતીમાં રાજધાની રાખી અને ત્યાં મસ્જિદો, મદરેસા અને સરાઈઓ બંધાવી. તેણે મસ્જિદોમાં પોતાના નામના ખુત્બા પઢાવ્યા અને સિક્કા પડાવ્યા.
1206માં પંજાબના કેટલાક માથાભારે લોકોએ બળવો કર્યો. શિહાબુદ્દીનના એક અમલદારે મુલતાનમાંના હાકેમનું ખૂન કર્યું અને પોતે સ્વતંત્ર શાસક હોવાની જાહેરાત કરી. લાહોર અને ગઝની વચ્ચે ખખ્ખરો તથા અન્ય તોફાની ટોળીઓએ જેલમ તથા ચિનાબ નદીઓ વચ્ચેના પ્રદેશમાં લૂંટ ચલાવી. તેથી શિહાબુદ્દીન પંજાબ ગયો. કુત્બુદ્દીનને ત્યાં બોલાવ્યો અને બંનેએ બળવો દબાવી દીધો. ત્યાંથી ગઝની પાછા ફરતાં રસ્તામાં સિંધુ નદીના કિનારે છાવણીમાં ખખ્ખરોની ટુકડીએ તેનું ખૂન કર્યું.
શિહાબુદ્દીનમાં અજબ વ્યવસ્થાશક્તિ અને હારને જીતમાં ફેરવી નાખવાની આવડત હતી. ધનનો સંચય કરવામાં તે માનતો ન હતો. તેણે ભારતમાં લૂંટ કરવા સહિત પ્રદેશો જીતીને ત્યાં પોતાની સત્તા સ્થાપવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારતમાં તુર્કી સલ્તનતના સાચા સ્થાપક તરીકે તેને લેખી શકાય. તેને પુત્ર ન હોવાથી તેના મૃત્યુ બાદ તેનું રાજ્ય તેના ચાર સેનાપતિઓ વચ્ચે વહેંચાઈ ગયું.
જયકુમાર ર. શુક્લ