ઘોષ, અજય (જ. 20 ફેબ્રુઆરી 1909, ચિત્તરંજન; અ. 11 જાન્યુઆરી 1962, નવી દિલ્હી) : વિખ્યાત સામ્યવાદી નેતા તથા ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી. બંગાળના 24 પરગણાના વતની. પિતા શચીન્દ્રનાથ ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે મેડિકલ પ્રૅક્ટિસ કરતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કાનપુર ખાતે. 1926માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં દાખલ થયા. તે પહેલાં 1923માં વિખ્યાત ક્રાંતિકારી ભગતસિંહ સાથે મુલાકાત થતાં સશસ્ત્ર ક્રાંતિને વરેલા હિન્દુસ્તાન રેવલ્યૂશનરી ઍસોસિયેશનમાં જોડાયા (પાછળથી આ જ સંસ્થાનું નામ ‘હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન’ પાડવામાં આવેલું). બીજા લાહોર કાવતરા કેસમાં સંડોવાયાના આક્ષેપસર 1929માં ધરપકડ થઈ તથા ભગતસિંહ અને અન્ય આરોપીઓ સાથે તેમના પર કામ ચલાવવામાં આવ્યું; નક્કર પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થયા. 1931માં સુભાષચંદ્ર બોઝ, માનવેન્દ્ર રૉય તથા સામ્યવાદી નેતા શ્રીનિવાસ સરદેસાઈ સાથે પરિચય થયો. સરદેસાઈથી પ્રભાવિત થઈને 1933માં સામ્યવાદી પક્ષમાં જોડાયા તથા કાનપુર ખાતેની મઝદૂરસભામાં સક્રિય બન્યા. 1934માં પક્ષની મધ્યસ્થ સમિતિના સભ્ય તથા 1936માં પૉલિટબ્યૂરોના સભ્ય બન્યા. 1938માં પક્ષના મુખપત્ર ‘ધ નૅશનલ ફ્રન્ટ’ સામયિકના તંત્રીમંડળમાં જોડાયા.

આઝાદી પછી સામ્યવાદી પક્ષ ગેરકાયદેસર જાહેર થતાં ભૂગર્ભમાં ગયા. 1948–49માં કારાવાસ ભોગવ્યો. 1947–50 દરમિયાન બી. ટી. રણદિવેના નેતૃત્વ હેઠળ ભારતીય સામ્યવાદી પક્ષે અપનાવેલી નક્સલવાદના નામથી ઓળખાતી ઉદ્દામવાદી વિચારસરણીમાંથી 1950–51ના અરસામાં પક્ષને બંધારણીય માર્ગે દોરવામાં તેમનો ફાળો નોંધપાત્ર હતો. 1951માં પક્ષના મહામંત્રી ચૂંટાયા. તે પદ પર અવસાન સુધી કામ કર્યું. તે ચીન કરતાં રશિયાના સામ્યવાદી માળખાના વધુ સમર્થક હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે