ઘાના : આફ્રિકાની પશ્ચિમ બાજુએ 3° ઉ. અ.થી 11° 10´ ઉ. અ. તથા 1° પૂ. રેખાંશથી 3° 15´ પ. રેખાંશ વચ્ચે આવેલો દેશ. ઘાનાનું ક્ષેત્રફળ 2,38,533 ચોકિમી. છે. યુનો દ્વારા દર્શાવેલ માહિતી મુજબ આ દેશની વસ્તી 3,24,95,483  છે (2022). તેની ઉત્તરે વૉલ્ટા, પૂર્વ તરફ ટોગો, દક્ષિણે આટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમે આઇવરી કોસ્ટ આવેલા છે.

ઘાનાનો નકશો

ભૌગોલિક રીતે આ દેશ પૂર્વભાગ, ઉત્તર તરફી પૂર્વ ભાગ, ઉત્તર તરફી પશ્ચિમ ભાગ, પશ્ચિમ ભાગ, અશાંતિ (Ashanti), ઉત્તર ભાગ, બ્રાંગ-અહાફો, મધ્યભાગ, બૃહદ્દ આક્રા, વોલ્ટા – એમ દસ વિભાગોમાં વહેંચાયેલો છે. ઘાનાનો મોટા ભાગનો પ્રદેશ વોલ્ટા નદીના મેદાનમાં આવેલો છે. નૈર્ઋત્યના સમુદ્રકાંઠે ઉષ્ણકટિબંધનાં જંગલો જોવા મળે છે. દેશની અંદરના ભાગોમાં ભૂપૃષ્ઠની ઊંચાઈ વધુ છે. મધ્યના પર્વતીય પ્રદેશમાં વધુ વરસાદને કારણે ગાઢાં જંગલો છે. બાકીના ભાગોમાં સવાના ઘાસ પુષ્કળ પ્રમાણમાં થાય છે.

ઘાનાનો લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને મુખ્ય પેદાશ કોકો છે. બીજા પાક તરીકે નારિયેળ, મગફળી, મકાઈ, ડાંગર, કેળાં વગેરે થાય છે. આ ઉપરાંત પહાડી ભાગોમાં રબર તથા તમાકુનો પાક લેવાય છે. ઉત્તરભાગમાં પશુપાલન મુખ્ય વ્યવસાય છે.

અહીંની આબોહવા ગરમ છે. આખું વર્ષ એકસરખી આબોહવા જોવા મળે છે. તાપમાન આખું વર્ષ ઊંચું રહે છે. પાટનગર આક્રા ખાતે જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમ 27° સે. અને 25° સે. રહે છે. સમુદ્રકાંઠાના પ્રદેશમાં તાપમાનનો ગાળો ટૂંકો છે. ઉત્તરે જતાં આ ગાળો મોટો થતો જાય છે. દક્ષિણ ભાગોમાં વરસાદ 2000 મિમી. તથા ઉત્તર તરફ 1250 મિમી. જેટલો પડે છે.

અહીં મુખ્યત્વે નિગ્રો જાતિના લોકોની વસ્તી છે. મધ્ય ઘાના, અશાંતિ તથા સમુદ્રકિનારાના પ્રદેશમાં આકાનવંશી, ટ્વી અને ફાંટિ જાતિના લોકો વસે છે. ઉત્તરના ભાગમાં અન્ય કેટલીક જાતિના લોકો વસે છે. ઘાના અનેક ભાષાઓનો દેશ છે. 1962થી અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા ઉપરાંત અકુઆપ્રેમ, ટ્વી, આશાટેન્ટ્વી, ઇવે, ફાંટિ, ગા, કાસેમ અને અગ્નિમા ભાષાઓને સરકારે માન્યતા આપેલ છે.

ઘાનાનું પાટનગર આક્રા સમુદ્રકિનારે આવેલું છે. પ્રાચીન અને મધ્યયુગ દરમિયાન ઘાનાનું સામ્રાજ્ય અત્યારના પ્રાદેશિક વિસ્તારથી ઘણું મોટું હતું અને તેમાં હાલના મોરિટાનિયા તથા માલીનો સમાવેશ થતો હતો. અશાન્તિ તરીકે જાણીતું થયેલું આ રાજ્ય વેપારનું મોટું કેન્દ્ર હતું. ત્યારે મીઠું, તાંબું, હાથીદાંત તથા સુવર્ણનો વેપાર મુખ્યત્વે ચાલતો હતો. આક્રાની વસ્તી આશરે 42 લાખ છે (2018)

1471માં સૌપ્રથમ પોર્ટુગીઝોનું આગમન થતાં પ્રદેશને ગોલ્ડકોસ્ટ નામ આપવામાં આવ્યું. ત્યારબાદ ડચ, ડેનિશ અને પછી બ્રિટિશ લોકો એક પછી એક આવ્યા અને 1600 પછીનાં વર્ષોમાં ગુલામોના વેપારની મોટા પાયે શરૂઆત થઈ. 1872માં ગોલ્ડકોસ્ટ ઉપર બ્રિટિશ લોકોએ કબજો મેળવ્યો. બ્રિટનના કબજા બાદ અશાન્તિ અને તેમની વચ્ચે ઘર્ષણ શરૂ થયું. થોડા સમયમાં બ્રિટનનું લશ્કરી શાસન ટોગોલૅન્ડ ઉપર પણ પ્રસર્યું (1874). જૂની બ્રિટિશ વસાહત ગોલ્ડકોસ્ટ અને ટોમોલૅન્ડમાંથી ઘાના રાજ્યની રચના થઈ.

પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી લોકોમાં જાગૃતિ ફેલાતાં બ્રિટને 1956માં વેપારીઓ અને ધારાશાસ્ત્રીઓની બનેલી લેજિસ્લેટિવ કાઉન્સિલની રચના કરી. રાષ્ટ્રીયતાનો ઉદય થતાં સ્વશાસનની માગણી વધી.

1947માં ક્વામે એન્ક્રુમાહ લંડનથી ઘાના આવ્યા અને કન્વેન્શન ઑવ્ પીપલ્સ પાર્ટીની સ્થાપના કરી. ચૂંટણીમાં તેમના પક્ષે 104માંથી 72 બેઠકો મેળવી. 6 માર્ચ, 1957માં ઘાના બ્રિટિશ શાસનથી મુક્ત થઈ સ્વતંત્ર બન્યું અને 1960માં પ્રજાસત્તાક રાજ્ય તરીકે તેની સ્થાપના થઈ.

એન્ક્રુમાહની સમાજવાદી પ્રગતિશીલ નેતાગીરી લાંબો સમય સફળ થઈ નહિ; પરંતુ 1964માં રેફરન્ડમ (લોકપૃચ્છા) લેવાતાં એન્ક્રુમાહને લગભગ સરમુખત્યાર જેવી સત્તાઓ પ્રાપ્ત થઈ અને એકપક્ષીય સમાજવાદી રાજ્ય સ્થપાયું. 1966માં પોલીસ અને લશ્કરી બળવા દ્વારા તેમની સરકારને ઉથલાવી દેવામાં આવી, ત્યારે ત્યાં વાંશિક અથડામણો દરમિયાન ચીના અને પૂર્વ જર્મનીના શિક્ષકો, પ્રાધ્યાપકો અને ટૅક્નિશિયનોને દેશમાંથી હાંકી કઢાયા.

ત્યારબાદ 1969માં ચૂંટણી થઈ પરંતુ 1972, 1978, 1979 અને 1980માં બળવા થયા. 1979 અને 1981ના બળવામાં ફલાઇટ લેફ્ટનન્ટ જેરી રોલિંગ્સના નેતૃત્વ હેઠળ બંધારણનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો અને રાજકીય પક્ષો પર પ્રતિબંધ મુકાયો.

નવું બંધારણ 1992માં મંજૂર થયું જેમાં બહુપક્ષીય રાજકારણને માન્ય રાખવામાં આવ્યું. 1996ની પ્રમુખીય ચૂંટણીમાં જેરી રોલિંગ્સને સફળતા મળી અને તેઓ પ્રમુખ બન્યા. ત્યારબાદ વિરોધપક્ષના નેતા જ્હૉન આગેયકુમ કુફયોર 2001માં ઘાનાના પ્રમુખ બન્યા. ઘાનાના સ્વાતંત્ર્ય પછી પહેલી વાર ત્યાં શાંતિપૂર્વક અને રાજકીય ઢબે સત્તાપલટો થયો. 2004માં તેઓ ફરી પ્રમુખ ચૂંટાયા. ઘાનાના બંધારણ અનુસાર રાજ્યના વડા અને સરકારના વડા પ્રમુખ હોય છે.

ધારાકીય ક્ષેત્રે ઘાના એકગૃહી સંસદ ધરાવે છે. ન્યાયતંત્રમાં સર્વોચ્ચ એકમ તેની સર્વોચ્ચ અદાલત છે.

ગિરીશ ભટ્ટ

રક્ષા મ. વ્યાસ