ઘટોત્કચગુપ્ત, બીજો : મગધના ગુપ્તવંશનો રાજા. તે કુમારગુપ્ત પહેલા અને સ્કંદગુપ્તની વચ્ચેના સમયગાળામાં સત્તા પર આવેલો જણાય છે. બષાઢ(વૈશાલી)માંથી મળેલી મુદ્રા ઉપર ‘શ્રીઘટોત્કચગુપ્તસ્ય’ એટલું જ લખાણ મળે છે; પરંતુ તુમેનમાંથી મળેલ અભિલેખમાં આપેલી ગુપ્તોની વંશાવળીમાં એનો કુમારગુપ્ત પહેલા પછી તરત ઉલ્લેખ કરેલો છે અને તેને માટે કહ્યું છે કે, ‘એણે પોતાના પૂર્વજો દ્વારા અર્જિત યશને પોતાના બાહુબળથી પ્રાપ્ત કર્યો.’ તેના સોનાના બે સિક્કા મળ્યા છે. રાજાની આકૃતિની ડાબી બાજુ નીચે ‘ઘટો’ અને કિનારીવાળા ફરતા લેખના અંશમાં ‘ગુપ્ત’ વંચાય છે. સિક્કા પર ‘ક્રમાદિત્ય’ બિરુદ પણ અંકિત થયું છે. આ સિક્કા છત્ર પ્રકારના છે. એમ લાગે છે કે કુમારગુપ્ત પહેલાનો એ પુત્ર અને સ્કંદગુપ્તનો ભાઈ હોય. કુમારગુપ્તના નિધન વખતે સ્કંદગુપ્ત હૂણોનાં આક્રમણો ખાળવામાં રોકાયેલો હતો. તે પાછો ફરે તે પૂર્વે થોડા સમય માટે ઘટોત્કચગુપ્ત બીજાએ સિંહાસન પર અધિકાર જમાવી દીધો હતો. આ ઘટના ગુ. સં. 130 (ઈ. સ. 449) અને ગુ. સં. 136 (ઈ. સ. 455) વચ્ચે કોઈક સમયે બની હતી.
પ્રવીણચંદ્ર પરીખ